CIA ALERT

Surprising Cricket History

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં સદી ફટકારી હોય, પણ એકેય આંતરરાષ્ટ્રીય મૅચ ન રમવા મળી હોય એવો ખેલાડી રાજસ્થાન રૉયલ્સનો સંજુ સૅમ્સન હોવાની સામાન્ય માન્યતા પ્રવર્તે છે, પરંતુ હકીકત એ છે કે ૨૦૧૧ની આઇપીએલની ચોથી સિઝનમાં સ્ટાર-બૅટ્સમૅન બનેલો કિંગ્સ ઇલેવન પંજાબનો પૉલ વાલ્થટી આ વિક્રમ ધરાવે છે.

કાંદિવલીમાં રહેતા વાલ્થટીએ ૨૦૧૧માં મોહાલીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે અણનમ ૧૨૦ રન ફટકાર્યા હતા.

એ સમયે ઍડમ ગિલક્રિસ્ટ પંજાબની ટીમનો અને મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈની ટીમનો સુકાની હતો. ઓપનિંગમાં વાલ્થટીએ ચેન્નઈના બોલરો રવિચન્દ્રન અશ્ર્વિન, ટિમ સાઉધી, ઍલ્બી મૉર્કલ, સ્કૉટ સ્ટાઇરિસ જેવા જાણીતા બોલરોનો હિંમતથી સામનો કરીને ૬૩ બૉલમાં બે સિક્સર અને ઓગણીસ ફોરની મદદથી અણનમ ૧૨૦ રન બનાવ્યા હતા. તેની એ સદીની મદદથી પંજાબે ૧૯.૧ ઓવરમાં ૪ ઓવરમાં ૧૯૩ રન બનાવીને મૅચ જીતી લીધી હતી. તેણે ચેન્નઈની ઇનિંગ્સમાં સુરેશ રૈના (૦)નો શાનદાર કૅચ પણ પકડ્યો હતો. સ્વાભાવિક રીતે એ મુકાબલાનો મૅન ઑફ ધ મૅચ વાલ્થટી જ હતો.

જોકે, ૨૦૦૨ના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ઇરફાન પઠાણ તથા પાર્થિવ પટેલ જેવા ખેલાડીઓની સાથે ભારતની ટીમમાં રહી ચૂકેલા વાલ્થટીની કમનસીબી એ છે કે ૨૦૧૧ની પંજાબ વતી ફટકારેલી અણનમ સદી બાદ આઇપીએલમાં તો તે ખાસ કંઈ સફળ રહ્યો જ નથી, મોટા ભાગની ટીમોએ તેનામાં રસ પણ નથી બતાવ્યો. એ ઉપરાંત, તેને ક્યારેય કોઈ આંતરરાષ્ટ્રીય મૅચ પણ નથી રમવા મળી. તે હવે ૩૫ વર્ષનો થઈ ગયો છે.

ટીનેજર તરીકે રશીદની હાઇએસ્ટ ૧૭૪ વિકેટ

ટી-ટ્વેન્ટી વિશ્ર્વના નંબર વન બોલર અફઘાનિસ્તાનના સ્પિનર રશીદ ખાને ગઈ ૨૦મી સપ્ટેમ્બરે ૨૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. એ પહેલાં ૧૯ (નાઇન્ટીન) વર્ષની ઉંમર સુધી તે ટીનેજર હતો અને ત્યાં સુધીમાં તેણે આંતરરાષ્ટ્રીય વિકેટોની બાબતમાં વિશ્ર્વવિક્રમ કર્યો હતો. ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ રશીદ ખાન ૧૯ વર્ષનો હતો અને ત્યાં સુધીમાં તેણે ૧૭૪ ઇન્ટરનેશનલ વિકેટ લીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ પ્લેયરે ટીનેજ વયે આટલી બધી વિકેટો નહોતી લીધી અને એ રેકૉર્ડ બીજા કોઈ નહીં, પણ ક્રિકેટના નવા-સવા અફઘાનિસ્તાનના બોલરે નોંધાવ્યો હતો.

રશીદ ખાન પછી બીજા ક્રમે પાકિસ્તાનનો વકાર યુનુસ આવે છે. તેણે ટીનેજર તરીકે ૧૨૫ આંતરરાષ્ટ્રીય વિકેટ, પાકિસ્તાનના જ મોહંમદ આમિરે ૯૯ વિકેટ, અકીબ જાવેદે ૯૮ વિકેટ, સક્લેન મુશ્તાકે ૯૭ વિકેટ અને ડેનિયલ વેટોરીએ ૭૯ વિકેટ લીધી હતી.

રશીદ ખાનની ૧૭૪ વિકેટમાં ૧૦૮ શિકાર વન-ડે ક્રિકેટના હતા.

પહેલી-છેલ્લી ટેસ્ટમાં સૌથી વધુ રન: પૉન્સફર્ડ મોખરે

કરિયરની પ્રથમ અને આખરી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં તાજેતરના ખેલાડીઓની વાત કરીએ તો ઇંગ્લૅન્ડના ઍલસ્ટર કૂકનું નામ સૌથી આગળ લઈ શકાય, પરંતુ ૧૪૨ વર્ષની સમગ્ર ટેસ્ટ-ક્રિકેટને ધ્યાનમાં લઈએ તો ઑસ્ટ્રેલિયાના બિલ પૉન્સફર્ડનું નામ મોખરે લખવું પડે. ૨૦૦૫માં કૂકે ભારત સામે રમીને ટેસ્ટ-કારકિર્દીની શરૂઆત કરી ત્યારે એ મૅચમાં તેણે ૬૦ તથા ૧૦૪ રન અને તાજેતરમાં (ભારત સામે જ) પોતાની અંતિમ ટેસ્ટમાં ૭૧ અને ૧૪૭ રન બનાવ્યા હતા. આ બધી ઇનિંગ્સના રનનો સરવાળો ૩૮૨ રન થાય.

જોકે, બિલ પૉન્સફર્ડ એવા હતા જેમની પ્રથમ ટેસ્ટ અને આખરી ટેસ્ટના રનનો સરવાળો ટેસ્ટ-જગતના તમામ ખેલાડીઓની પહેલી-આખરી ટેસ્ટના રનના ટોટલ કરતાં વધુ છે. પૉન્સફર્ડે ૧૯૨૪માં સિડનીમાં ઇંગ્લૅન્ડ સામે રમીને કરિયર શરૂ કરી હતી જેમાં તેમણે ૧૧૦ તથા ૨૭ રન બનાવ્યા હતા તેમ જ ૧૯૩૪માં ઇંગ્લૅન્ડ સામે જ આખરી ટેસ્ટ રમીને ક્રિકેટના મેદાન પરથી વિદાય લીધી હતી. એ અંતિમ ટેસ્ટમાં તેમણે ૨૬૬ તથા ૨૨ રન બનાવ્યા હતા અને તેમના એ ચારેય દાવના રનનો સરવાળો ૪૨૫ હતો. તેમના પછી બીજા સ્થાને ઇંગ્લૅન્ડના ઍન્ડી સૅન્ધમ (કુલ ૩૯૬ રન) અને ત્રીજા સ્થાને રેગિનાલ્ડ ‘ટિપ’ ફૉસ્ટર (કુલ ૩૯૨ રન) છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :