CIA ALERT
28. March 2024
December 20, 20191min5510

Related Articles



દારુની 2170 પરમિટના 33 લાખ વહેંચવામાં પડેલી તકરારે સરકારની આંખ ઉઘાડી દીધી

Share On :
Print Friendly, PDF & Email

સૂરત સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના કામમાં ધરબાયેલા કોઠાકબાડા

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ઠેકઠેકાણે કોન્ટ્રાક્ટ, ટેન્ડર અને કામો કરાવવામાં જે પ્રકારે ભ્રષ્ટ રીતરસમો અપનાવવામાં આવી રહી છે તેના કારણે સમગ્ર સૂરતનું નામ બદનામ થઇ રહ્યું છે. સૂરતની સિવિલ હોસ્પિટલમાં દારૂના (હેલ્થ પરમિટ) પરવાના માટે જરૂરી સિવિલ સુપરિટેન્ડન્ટના પ્રમાણપત્ર પર સહી સિક્કા કરી-કરાવી આપવાની આડમાં કેટલી તોતિંગ રકમનો ભ્રષ્ટાચાર છેલ્લા ત્રણ મહિનામાં આચરવામાં આવ્યો તેની સિલસિલાબદ્ધ વિગતો જેની સરકારમાં રજૂઆત કરવામાં આવી છે એ અંગેની વિગતો પ્રકાશમાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે નશાબંધી અને આબકારી વિભાગની નીતિમાં ફેરફારમાં દસેક મહિના જેટલો સમય લિકર પરમિટનું કામ બંધ રખાવ્યા બાદ ગત ઓગસ્ટ 2019થી નવી લિકર પરમિટ કાઢી આપવા તેમજ જૂની લિકર પરમિટ રિન્યુઅલની કાર્યવાહી ફરીથી શરૂ કરાવી હતી. સૂરતની વાત કરીએ તો સૂરતમાં નવેમ્બર 2019 સુધીમાં કહેવાય છે કે 1820 પરમિટ રિન્યુ કરી આપવામાં આવી જ્યારે 250 જેટલા અરજદારોને નવી લિકર પરમિટ ઇશ્યુ કરવામાં આવી.

હેલ્થ પરમિટ માટે સર્ટિફિકેટના રિન્યઅલના રૂ.1500 અને નવીના રૂ.2500નો ધારો પાડી દેવામાં આવ્યો હતો

સૂત્રો જણાવે છે કે સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા વચેટીયાઓએ લિકર હેલ્થ પરમિટ માટે જરૂરી સિવિલ સુપરિટેન્ડન્ટના તબીબી પ્રમાણપત્ર, ફાઇલ પ્રોસેસિંગ માટેના ભાવો બાંધી દીધા હતા એ મુજબ રિન્યુ પરમિટ માટે રૂ.1500 જ્યારે નવી પરમિટ માટે રૂ.2500 પ્રતિ અરજદાર ખંખેરી લેવામાં આવતા હતા. શોખીન સૂરતીઓ માટે ભલે આ રકમ નાની હોય. પણ જ્યારે આનો સરવાળો કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં કહેવાય છે કે રિન્યુ કરાયેલી 1820 પરમિટ માટે રૂ.27 લાખ 30 હજાર જ્યારે નવી પરમીટ પેટે રૂ.6 લાખ 25 હજાર મળીને રૂ.33.55 લાખ રૂપિયાનો મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ રૂપિયાની વહેંચણીમાં વચેટીયા ગણેશના કડીરૂપ વ્યક્તિના ઇશારે મોટી ગોલમાલ થઇ અને સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચતા આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને એ પછી સૂરતની સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના નામે ચાલતા કૌભાંડને ડામી દેવા માટે શ્રેણીબદ્ધ આવકારદાયક પગલાં ભરવાનો આરંભ કરવામાં આવ્યો હતો.

કડીરૂપ ગણેશ પરમિટ કહે નહીં ત્યાં સુધી રોગી કલ્યાણ સમિતિના સ્ટાફર રશીદો પણ ન ફાડતા

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ પરમિટ કે ગણેશ સાઇકલના નામથી જાણીતા એક કડીરૂપ વ્યક્તિને એટલો પાવર આપી દેવામાં આવ્યો હતો કે સિવિલ સુપરિટેન્ડન્ટની કચેરીમાં લિકર પરમિટના કામ માટે જતા અરજદારો કંઇપણ પૂછો તે કહેવાતું કે ગણેશને મળો, એ કહેશે પછી જ કામ થશે. એ ત્યાં સુધી કે પ્રોસેસ થયેલી ફાઇલના રોગી કલ્યાણ સમિતિમાં નાણા જમા કરાવવા જતા લોકોને પણ સ્ટાફ, કેશીયર એવું કહે કે ગણેશ કહેશે પછી જ રૂપિયા જમા લઇને રશીદ આપવામાં આવશે. સિવિલમાં હંગામી સ્ટાફર પણ ન હોવા છતાં આ કડીરૂપ વ્યક્તિ ગણેશ સિવિલ સુપરિટેન્ડન્ટની ઓફિસની બાજૂમાં બેસીને પરમિટની ફાઇલોનું કામ કરતો, નોટિંગ કરતો, રૂપિયા ઉસેટતો, વહેવારો કરતો હતો. આટલો પાવર કડીરૂપ વ્યક્તિ ગણેશને આપવામાં આવ્યો હોવાના વિડીયો સ્ટીંગ સરકારને મોકલવામાં આવ્યા હતા. એ પછી સરકારે સિવિલ સુપરિટેન્ડન્ટને કહીને કડીરૂપ વ્યક્તિ ગણેશને સુપરિટેન્ડન્ટની કચેરીની આસપાસ ફરકવા પણ ન દેવાની સૂચના આપી હોવાનું કહેવાય છે.

લિકર પરમીટ કૌભાંડ : પ્રોસેસિંગ વગર 30 ફાઇલો સિવિલ હોસ્પિટલથી નશાબંધી ખાતામાં પહોંચી ગઇ

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી આચરવામાં આવી રહેલા લિકર પરમિટના મહાભ્રષ્ટાચારમાં રોજેરોજ નવા ફણગાં ફૂટી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરના સમયમાં ગણેશ નામના વચેટીયાએ દારુની પરમિટના અરજદારો પાસેથી ઉઘરાવેલા રૂપિયા વહેંચવાની તકરાર છેક રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પહોંચી જતા રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડ પર સ્ટીમ રોલર ફેરવીને ડો.ગણેશ ગોવેકરને તાત્કાલિક અસરથી બદલી કરી દીધી હતી.

પરમિટ કૌભાંડમાં એક એવી પણ વિગત પ્રકાશમાં આવી છે એ મુજબ ગઇ તા.1લી ડિસેમ્બર 2019ના રોજથી તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગોવેકરે રાજ્ય સરકારની કડક સૂચના બાદ એવી સિસ્ટમ અમલમાં મૂકી કે લિકર પરમિટના દરેક અરજદારોએ ફિઝિકલ વેરિફિકેશન માટે રૂબરૂ નવી સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડટની કચેરીમાં આવવું અને ત્યાંથી પ્રોસેસિંગ થાય બાદ જ અરજી પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવી સૂચના છતાં લિકર પરમિટની 30 ફાઇલો કે જેના અરજદારો નવી સિવિલ હોસ્પિટલમાં રૂબરૂ આવ્યા નથી, ફિઝિકલ વેરિફિકેશન થયું નથી આમ છતાં વચેટીયા ગણેશના કડીરૂપ વ્યક્તિના ઇશારે નવી સિવિલ હોસ્પિટલમાંથી નશાબંધી ખાતામાં પંહોચી ચૂકી છે. જો તા.1લી ડિસેમ્બર 2019થી તા.16મી ડિસેમ્બર 2019 સુધીના સીસી ટીવી ફુટેજિસ ચેક કરવામાં આવે તો 30 પરમિટ ધારકો ક્યાંયે હાજર નહીં થયાનું ફલિત થઇ જાય તેમ છે.

આમ તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે ખુદ સૂચના બહાર પાડી અને પડદા પાછળ સૂચનાનો જાતે જ ભંગ કરીને અરજદારો રૂબરૂમાં હાજર નહીં થયા હોવા છતાં તેમની પરમિટ પર સહીસિક્કા કરીને નશાબંધી વિભાગમાં મોકલી આપવામાં આવી હતી. આ ગેરકાનૂની કામની પાછળ પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ રાજ્યના આરોગ્ય વિભાગને કરવામાં આવી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :