December 23, 20191min940

ક્રિસમસ: A to Z

Share On :

સામાન્યત: ૨૫ ડિસેમ્બરે ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ મનાવવામાં આવે છે અને એ જ રૂપમાં ક્રિસમસનું આયોજન થાય છે. પરંતુ વર્ષો પહેલાં આવું ન હતું. એ સમયના ધર્માધિકારીઓ ક્રિસમસના રૂપમાં આ દિવસને માન્યતા આપવા માટે તૈયાર ન હતા. એ વાસ્તવમાં રોમન લોકો માટે તહેવારનો દિવસ હતો જેમાં સૂર્યની ઉપાસના કરવામાં આવતી હતી. ત્યારે એવું માનવામાં આવતું કે આ દિવસે સૂર્યનો જન્મ થયો હતો.

એ દિવસોમાં સૂર્ય-ઉપાસના રોમન સમ્રાટો માટે એક રાજકીય ધર્મ બની ગયેલો. બાદમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો કેટલાક લોકો ઇસુને સૂર્યનો અવતાર માનીને આ દિવસે તેમની પણ ઉપાસના કરવા લાગ્યા. જોકે, તેને અધિકૃત માન્યના મળી ન શકી.

ચોથી સદીમાં ઉપાસના પદ્ધતિ પર ચર્ચા શરૂ થઇ અને જૂના સમયમાં લખાયેલ સામગ્રી અનુસાર તે તૈયાર કરવામાં આવી. ઇ.સ. ૩૬૦ની આસપાસ રોમના એક ચર્ચમાં ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ પર પ્રથમ સમારોહ આયોજિત કરવામાં આવ્યો. જેમાં તે સમયના પોપે પણ ભાગ લીધો, પરંતુ ત્યાર બાદ પણ સમારંભની તારીખ માટે મતભેદ તો રહ્યા જ હતા.

યદૂદી ધર્મ પર પાળતા ભરવાડોમાં પ્રાચીન કાળથી વસંતોત્સવ મનાવવાની પરંપરા હતી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર બાદ ભરવાડો પોતાના જાનવરોના પહેલા બચ્ચાની બલિ ઇસુના નામ પર ચઢાવવા લાગ્યા અને તેમના નામ પર ભોજન સમારંભ પણ યોજવા લાગ્યા. જોકે, આ સમારંભ ભરવાડો પૂરતો જ મર્યાદિત હતો.

જોેકે એ જ અરસામાં ખ્રિસ્તી ધર્મ પાળનારાઓમાં ઇસુના જન્મદિવસની ઉજવણી માટે ગંભીરતાથી વિચાર વિમર્શ થવા લાગ્યો. તે સમયે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે વસંતઋતુના જ કોઇ દિને આ જન્મદિવસ ઉજવવો.

તે અનુસાર પહેલા ૨૮ માર્ચ અને બાદમાં ૧૯ એપ્રિલ પણ નક્કી કરવામાં આવી હતી. બાદમાં એ પણ બદલીને ૨૦ મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો. કેટલાક પ્રસ્તાવો એવા પણ આવ્યા હતા જેમાં આ દિવસને ૮ કે ૧૮ નવેમ્બરે ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.

જોકે, લાંબા સમયની ચર્ચા વિચારણા પછી રોમન ચર્ચ અને સરકારે ૨૫ ડિસેમ્બરને જ ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ જાહેર કર્યો. તે છતાંય તેનો અમલ કરવામાં ઘણો લાંબો સમય લાગ્યો.

ભૂતકાળમાં અન્ય જાતિઓ દ્વારા ઉજવવામાં આવતા તહેવારો પણ આ આ જન્મદિવસ સાથે હળી ભળી ગયા હતા. આ તહેવારો કેટલેક અંશે આજે પણ ક્રિસમસ પર્વ સાથે સ્થાયી રૂપથી જોડાયેલા જોવા મળે છે. ઇસુની જન્મભૂમિ જેરૂસલેમમાં પણ આ તારીખને પાંચમી સદીના મધ્યમાં સ્વીકારી લેવામાં આવી. જોકે, ત્યાર બાદ પણ ક્રિસમસ દિવસની આ યાત્રા સરળ ન રહી. વિરોધ અને અંતર્વિરોધ ચાલતા રહ્યા.

૧૩મી સદીમાં જ્યારે પ્રોટેસ્ટન્ટ આંદોલન શરૂ થયું તો આ પર્વને ફરીથી આલોચનાત્મક દૃષ્ટિથી જોવામાં આવ્યો. આંદોલનકર્તાઓને એવું લાગતું હતું કે આ તહેવાર પર જૂના ધર્મ અને સંસ્કૃતિનો ખૂબ પ્રભાવ છે. તે સમયમાં ગવાતા ક્રિસમસ કેરોલ જેવા ભક્તિગીતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ૨૫ ડિસેમ્બર ૧૬૪૪ના દિવસે તો ઇંગ્લેન્ડમાં એક નવો કાયદો બન્યો જે અંતર્ગત ૨૫ ડિસેમ્બરને ઉપવાસ દિવસ જાહેર કરવામાં આવ્યો. ક્રિસમસ વિરોધી આ આંદોલન અન્ય દેશોમાં પણ ફેલાયું. અમેરિકામાં પણ તેનો પ્રભાવ પડ્યો. બોસ્ટનમાં તો ૧૬૯૦માં ક્રિસમસના તહેવાર પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. છેક ૧૮૬૦માં અમેરિકામાં ક્રિસમસને માન્યતા મળી. તે સમયે ૨૫ ડિસેમ્બરને દિવસે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી. ત્યાર બાદ બીજા ખ્રિસ્તી દેશોમાં પણ આનું અનુકરણ થવા લાગ્યું. આમ ઇસુના જન્મ થયેને ભલે ૨૦૧૯ વર્ષ થયા હોય, પણ તેમના જન્મદિવસને ૨૫ ડિસેમ્બરે ઉજવવાનું અધિકૃત રીતે શરૂ થયું માત્ર દોઢસો વર્ષ પહેલાં.

ક્રિસમસ ટ્રી અને સાંતાકલોઝ

યુરોપના ઘણા ભાગોમાં વિવિધ પ્રસંગે વૃક્ષોની સજાવટ કરવાની પ્રાચીન પરંપરા હતી. જર્મનીમાં ૨૪ ડિસેમ્બરે એક તહેવાર મનાવવામાં આવતો તેમાં એક નાટક પણ ભજવવામાં આવતું જેનું નામ હતું ‘ અદનનું વૃક્ષ’. શક્ય છે આવી પરંપરાઓએ ક્રિસમસ ટ્રીની વિચારધારાને જન્મ આપ્યો હોય. આવી વિચારધારા સાથે બાદમાં અનેક દંતકથાઓ પણ જોડાઇ ગઇ. ૧૮૨૧માં ઇંગ્લેન્ડની મહારાણીએ ક્રિસમસ ટ્રી બનાવડાવીને બાળકો સાથે એક સમારંભ યોજી આનંદોત્સવ મનાવ્યો હતો. તેમણે જ આ વૃક્ષમાં એક દેવ પ્રતિમા રાખવાની પરંપરાને જન્મ આપ્યો હતો. વધાઇ માટેનું પહેલું ક્રિસમસ કાર્ડ લંડનમાં ૧૮૪૪માં તૈયાર થયું. ત્યાર બાદ ૧૮૭૦ સુધીમાં ક્રિસમસ કાર્ડ આપવાની આ પ્રથા પૂરા વિશ્ર્વમાં ફેલાઇ ગઇ.

સાન્તાક્લોઝની પરંપરા પણ ક્રિસમસ સાથે ઘણા સમય બાદ જોડાઇ. મધ્ય યુગમાં સંત નિકોલસ (જન્મ ઇ.સ. ૩૪૦)નો જન્મદિવસ ૬ ડિસેમ્બરે મનાવવામાં આવતો અને એક માન્યતા હતી કે આ રાત્રિએ સંત નિકોલસ બાળકો માટે જાતજાતના ઉપહાર લઇને આવતા. આ જ સંત અમેરિકી બાળકો માટે ‘ સાંતાક્લોઝ’ બની ગયા અને આ નામ સંપૂર્ણ વિશ્ર્વમાં લોકપ્રિય બની ગયું. આજે વિશ્ર્વમાં ૧૦૦થી અધિક દેશોમાં ક્રિસમસનો તહેવાર ખૂબ આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Share On :