CIA ALERT
20. April 2024
August 8, 20192min15100

જૈન ધર્મમાં ચાતુર્માસનો મહિમા માનવીય મૂલ્યોનું સિંચન કરે છે

Share On :
Print Friendly, PDF & Email

જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે. ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે. ત્યાં રહેતા લોકોને આ ચાર મહિનામાં ધર્મમાર્ગે પ્રવૃત્ત કરવાનું યુગકાર્ય તેઓ બજાવે છે.

ચાતુર્માસના ચાર મહિનામાં વરસાદના કારણે અનેક જીવ-જંતુઓ ઉતપન્ન થતાં હોવાથી આ જીવોની હિંસા ન થાય, તેમની જયણા જળવાય, તેમની રક્ષા થઈ શકે એ માટે ચાતુર્માસના ચાર મહિના જૈન સાધુ-સાધ્વીઓને એક જ સ્થાને સ્થિર રહેવાનો આપણાં ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ આદેશ અપાયો છે.

ભારતની શ્રમણ સંસ્કૃતિ અતિ પ્રાચીન છે. એમાંય જૈન શ્રમણોની ચાતુર્માસ ચર્ચા લોકો માટે ઉપકારક બની રહી છે. જૈન સાધુ-સાધ્વીઓ ચાતુર્માસના આ ચાર મહિના સવિશેષ તપ-જપ-ધ્યાન-ધર્માભ્યાસમાં ગાળે છે. અન્યોને પણ ધર્મોપદેશ આપી ધર્મ માર્ગે જોડે છે, ધર્મમાં સ્થિર કરે છે.

જૈનોમાં ચાતુર્માસનો આ સમય અષાઢ સુદ-૧૪થી કારતક સુદ-૧૫ સુધીનો હોય

જૈનોમાં ચાતુર્માસનો આ સમય અષાઢ સુદ-૧૪થી કારતક સુદ-૧૫ સુધીનો હોય છે. આ ચાતુર્માસમાં શ્રાવક-શ્રાવિકાઓને સંયમ, આચાર અને અનુશાસનનું પાલન કરવાનું હોય છે. શ્રમણ ભગવંતોનો ઉપદેશ શ્રવણ કરવાનો હોય છે. આ સમયે તપશ્ચર્યાનો મહિમા પણ અધિક જોવા મળે છે. અઠ્ઠાઈથી માંડીને માસક્ષમણ અને એથી પણ અધિક તપસાધના આ ચાતુર્માસમાં જૈનો કરતા હોય છે.

અઠ્ઠાઈથી માંડીને માસક્ષમણ અને એથી પણ અધિક તપસાધના આ ચાતુર્માસમાં જૈનો કરતા હોય

આ ચાતુર્માસમાં ચાર મહિના જૈનોએ ગુરુ ભગવંતની આજ્ઞાથી

  • (૧) જ્ઞાનાચાર
  • (૨) દર્શનાચાર
  • (૩) ચારિત્રાચાર
  • (૪) તપાચાર અને
  • (૫) વીર્યાચાર

એમ પાંચ પ્રકારના નિયમોનું પાલન કરવાનું હોય છે. આજના યુગમાં આ ઉપકારક પાંચ નિયમોનું પાલન થઈ શકે તો ચાતુર્માસના ચાર મહિના પણ આ નિયમોનું પાલન થઈ શકે તો જીવોનું અવશ્ય કલ્યાણ થઈ શકે.

આ પાંચે નિયમોમાં જ્ઞાનાચારમાં ગુરુ ભગવંતોના વ્યાખ્યાનાદિ શ્રવણ કરવું, ધર્મસૂત્રો, ગાથાઓ વગેરે કંઠસ્થ કરવી, નવકાર મંત્રનો જાપ કરવો, એઠા મુખે બોલવું નહીં વગેરે નિયમોનો સમાવેશ થાય છે.

જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે. ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે.

દર્શનાચારમાં પરમાત્માનાં નિત્ય દર્શન, સેવાપૂજા-સ્તવના કરવી, પરમાત્માની આંગી કરવી-કરાવવી, પરમાત્માનો જાપ કરવો, ગુરુ વંદન કરવું વગેરે નિયમો આવી જાય છે.

ચારિત્રાચારમાં દરરોજ અથવા પર્વ તિથિએ સામાયિક, પ્રતિક્રમણ કરવું, દરરોજ અથવા પર્વતિથિએ પૌષધ કરવો, વાહન, ચંપલ, ગાદીનો ત્યાગ કરવો. સિનેમા, ટીવી, વિડિયો વગેરેનો ત્યાગ કરવો એ નિયમોનો સમાવેશ થાય છે.

તપાચારમાં નવકારશી, પોરસી, તિવિહાર, ચોવિહારનું પાલન કરવું. લીલોતરી, ફ્રૂટ, મીઠાઈનો ત્યાગ કરવો, પર્વતિથિએ ઉપવાસ, આયંબિલ, એકાસણું, બિયાસણું વગેરે તપ કરવું, તપસ્વીઓની ભક્તિ કરવી વગેરે નિયમોનું પાલન કરવાનું છે.

વીર્યાચારમાં સામૂહિક અનુષ્ઠાનોમાં ભાગ લેવો, સંઘની પ્રવૃત્તિઓમાં જોડાવું, સંપતિ, વસ્ત્ર, ભોજન આદિનું દાન કરવું, શક્તિ ગોપાવ્યા વિના આરાધના કરવી, નિયમિત પણે ધર્મપાલન કરવું વગેરેનો સમાવેશ થાય છે.

જૈન ધર્મમાં દાન, શીલ, તપ અને ભાવનાનું આચરણ

જૈન ધર્મમાં દાન, શીલ, તપ અને ભાવનાનું આચરણ કરવાનું કહેવાયું છે. ચાતુર્માસમાં એનો સવિશેષ અમલ જોવા મળે છે. પરંતુ આખું જીવન આ ચારે ભાવનાનું પાલન થાય તો એ જીવને ઉચ્ચ ગતિ પ્રાપ્ત થયા વિના રહે નહીં.

આ ચાર ભાવનામાં દાનવૃત્તિથી ધનની મમતા-લાલસા દૂર કરવાની છે. શીલ દ્વારા ભોગ-વિલાસ, વિષય-વાસના દૂર કરવાની છે, તપ-આહારની ઇચ્છા અવરોધી કર્મની નિર્જરા કરવાની છે. ભાવના દ્વારા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની ભયંકરતા ટાળવાની છે. દાન-ધર્મથી ધન્ના, શાલિભદ્ર વગેરે અતુલ સુખ-સમૃદ્ધિ પામ્યા હતા. શીલ ધર્મથી સુદર્શન શેઠ, સતી કલાવતી વગેરે સ્વર્ગસુખ પામ્યાં હતાં. તપધર્મથી મહાત્મા દૃઢ પ્રહારી, ઢંઢણકુમાર વગેરે ઋષિઓ મોક્ષપદને પામ્યા હતા. ભાવધર્મથી મહર્ષિ પ્રસન્નચંદ્ર, ઇલાશીકુમાર, મટુદેવી માતા વગેરે સિદ્ધિપદને પામ્યાં હતાં.

માત્ર ચાતુર્માસમાં જ નહીં, પૂરા વર્ષમાં તિથિઓનું ભારે મહત્વ અંકાયું છે. એમાં બે બીજને દર્શન તિથિ કહેવાય છે અને એ સમ્યક આરાધના માટે છે. બે પાંચમ અને બે અગિયારસ આ ચાર પર્વતિથિઓ જ્ઞાનતિથિઓ છે. એનાથી ચૌદપૂર્વના જ્ઞાનની આરાધના થાય છે. બે આઠમ, બે ચૌદશ, એક પૂર્ણિમા અને એક અમાસ આ છ પર્વતિથિઓને ચારિત્રતિથિઓ કહેવાય છે. આ ચારિત્રની આરાધના માટે છે.

ચાતુર્માસમાં ઉકાળેલું પાણી વાપરવાનું કહેવાયું છે. માત્ર ચાતુર્માસમાં જ નહીં, પૂરા જીવનમાં ઉકાળેલું પાણી વાપરવાથી જીવરક્ષાનું મહાપુણ્ય તમે કમાઈ શકો. ત્રણ ઊભરા આવેલું ઉકાળેલું પાણી નિર્જીવ એટલે કે જીવ વિનાનું બને છે. એમાં શિયાળામાં ચાર પ્રહર, ઉનાળામાં પાંચ પ્રહર અને ચોમાસામાં ત્રણ પ્રહર સુધી જીવો ઉત્પન્ન થતા નથી. જ્યારે કાચા પાણીમાં સમયે-સમયે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. આથી ઉકાળેલું પાણી પીવાથી સર્વ જીવોનું રક્ષણ થઈ શકે છે.

ચાતુર્માસના શ્રાવણ મહિનાના ચાર દિવસોમાં અને ભાદરવા મહિનાના ચાર દિવસોમાં પર્વોનો રાજા કહેવાય એવા પર્યુષણ મહાપર્વનું આગમન થાય છે.

ચાતુર્માસના શ્રાવણ મહિનાના ચાર દિવસોમાં અને ભાદરવા મહિનાના ચાર દિવસોમાં પર્વોનો રાજા કહેવાય એવા પર્યુષણ મહાપર્વનું આગમન થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં આઠ દિવસનું પર્યુષણ પર્વ હોય છે તો દિગમ્બર સંપ્રદાયમાં દસ દિવસનું દશ લક્ષણી પર્વ હોય છે. આ મહાપર્વના દિવસોમાં લોકો પરમાત્માની પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાનાદિ શ્રવણ અને યશાશક્ય તપસાધના કરે છે.

પર્યુષણ પર્વનો અંતિમ દિવસ સંવત્સરી પર્વ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ દરમ્યાન જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ બદલ, વૈર-વિરોધ બદલ લોકો આ દિવસે પરસ્પરને હૃદયથી ક્ષમા કરે છે, એકબીજાને ખમાવે છે.

ચાતુર્માસના આ દિવસોમાં અષાઢ મહિનામાં ગુરુનો મહિમા કરતું પર્વ ગુરુપૂર્ણિમા અને આસો મહિનામાં શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક-દિવાળી પર્વ તેમ જ કારતક મહિનામાં બેસતા વર્ષે પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન કલ્યાણક આવે છે. કારતક શુક્લ પક્ષની પંચમી એ જ્ઞાનપંચમી છે. જૈનો આ દિવસે જ્ઞાનની ભાવપૂર્વક આરાધના કરે છે. આમ આ પર્વો જૈનો ખૂબ જ આનંદ  અને ઉલ્લાસપૂર્વક ઊજવી પરમાત્માએ પ્રરૂપેલા આચારધર્મનું યથાશક્ય પાલન કરી પોતાનું શ્રેય સાધે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :