World Cup Archives - CIA Live

March 21, 2020
cricket-1.jpg
1min1350

ભારત જેટલા ક્રિકેટ લવર્સ દુનિયામાં ક્યાંય નથી, Home Stay ટાઇમ કેવી રીતે પાસ કરવો ? એ પ્રશ્ન

Jayesh Brahmbhatt 98253 44944

સ્ટે હોમ કહો કે હોમ સ્ટે કહો, હાલમાં ભારત સમેત દુનિયાભરમાં લોકોના એ રીત અનુસરવાની સોનેરી સલાહ કોરોનાના વ્યાપને વધતા અટકાવવા માટે આપવામાં આવી રહી છે. ઘરે બેસીને કરવું શું, ભારતની વાત કરીએ તો ક્રિકેટ ચાહકો કરોડોની સંખ્યામાં છે અને હાલમાં ક્રિકેટની એક પણ મેચ ચાલતી નથી. ક્રિકેટ લવર્સને ફિલ્મો કે સિરીયલોમાં રસ નથી એટલે ટાઇમ પાસ કરવા માટે શું કરવું એ યક્ષ પ્રશ્ન બની ગયો છે.

સી.આઇ.એ.એ જાંચ પડતાલ કરી તો જાણવા મળ્યું કે વિશ્વમાં સૌથી વધુ કોરોનાની અસર રમતગમત પ્રેમીઓ પર પડી છે કેમકે ક્યાંકને ક્યાંક કોઇ ટુર્નામેન્ટ રમાતી હોય અને લાઇવ ટીવી પ્રસારણમાં સમય નીકળી જતો હોય. ભારતમાં કરોડો ચાહકોના મનમાં પણ આ જ દ્વિધા છે. કેમકે વિશ્વમાં ક્યાંયે હાલમાં ક્રિકેટની કોઇ મેચ રમાતી નથી. અમે વધુ તપાસ કરી તો આશ્ચર્ય પમાડે એવી વાત જાણવા મળી.

વિશ્વમાં રોજેરોજ ઇન્ટરનેશનલ કે નેશનલ (ડોમેસ્ટિક) કોઇપણ પ્રકારની રમતો રમાતી હતી અને તેના લાઇવ પ્રસારણ સતત ટીવી ચેનલ્સ કે હોટસ્ટાર, જીઓ ટીવી જેવી એપ પર થતાં એટલે ભારતના કરોડો ક્રિકેટ લવર્સને ટાઇમ પાસ કરવામાં કોઇ તકલીફ પડી ન હતી. પરંતુ, હાલમાં કોરોનાને કારણે ક્યાંયે કોઇ ક્રિકેટ ઇવેન્ટ કે મેચ રમાતી નથી. તપાસ કરતા જાણવા મળ્યું કે છેલ્લે 75 વર્ષ પહેલા આવી સ્થિતિ સર્જાઇ હતી કે આંતર રાષ્ટ્રીય કે ડોમેસ્ટિક ક્રિકેટની કોઇ મેચ રમાતી ન હોય.

1877ની સાલથી (143 વર્ષથી) ટેસ્ટ-ક્રિકેટ રમાય છે અને ત્યારથી ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડ બાદ વારાફરતી અનેક દેશોને ક્રિકેટનો ચસકો લાગ્યો હતો અને 1970ના દાયકામાં વન-ડે ક્રિકેટ તથા 2000ના દાયકામાં ટી-ટ્વેન્ટી ક્રિકેટના આગમન સાથે હવે તો અસંખ્ય દેશોમાં ‘જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે ઓળખાતી આ રમત રમાય છે તથા એમની વચ્ચે આંતરરાષ્ટ્રીય સિરીઝો તથા ટુર્નામેન્ટો રમાય છે.

જોકે, હાલમાં ક્રિકેટ માટે એવો કપરો સમય ચાલી રહ્યો છે જે અગાઉ માત્ર બે જ વખત નોંધાયો હતો. હાલમાં કોરોના વાઇરસના ફેલાવાને કારણે સમગ્ર વિશ્ર્વમાં ક્રિકેટ મૅચો રમાવાની બંધ થઈ ગઈ છે. અગાઉ આવું માત્ર બે વાર બન્યું હતું. 1914થી 1918 સુધી પ્રથમ વિશ્ર્વયુદ્ધ ચાલ્યું હતું ત્યારે ક્યાંય ક્રિકેટ મૅચો નહોતી રમાઈ. જોકે, ત્યારે ભારત ક્રિકેટની રમતમાં નહોતું પ્રવેશ્યું.

ભારતની સૌપ્રથમ ટેસ્ટ ૧૯૩૨ની સાલમાં રમાઈ હતી. બીજું વિશ્ર્વયુદ્ધ 1939થી 1945 સુધી થયું હતું અને એ વખતે પણ ક્યાંય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહોતી રમાઈ. તે સમયગાળામાં ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ ચાલુ હતી. જોકે, એ પછી 75 વર્ષ બાદ પહેલી વાર ફરી એકવાર ઈન્ટરનેશનલ ક્રિકેટે સદંતર વિરામ લીધો છે. આઇપીએલ સહિત અનેક શ્રેણીઓ અને ટુર્નામેન્ટો મુલતવી રાખવામાં આવી છે.

March 13, 2020
CIA_Live_Logo_New2.jpg
1min470

ભારતની સૌથી મોટી સ્પોર્ટસ ઇવેન્ટ ગણાતી ઇન્ડીયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આઇ.પી.એલ. 2020 કોરોના વાઇરસને કારણે 29 માર્ચ 2020ના રોજથી શરૂ થવાની હતી એ હવે મીડ એપ્રિલ, ઘણું ખરું 15 એપ્રિલ 2020થી શરૂ કરવા અંગે સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે.

હાલ તા.13મી માર્ચ શુક્રવારે જ્યારે આ લખાઇ રહ્યું હતું બપોરે અઢી વાગ્યે બીસીસીઆઇ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગૂલી અને સેક્રેટરી શાહની મુંબઇમાં મિટીંગ યોજાઇ હતી. શનિવાર તા.14મી માર્ચે મુંબઇમાં જ મળનારી આઇ.પી.એલ. ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં આઇ.પી.એલ.ના આરંભને લંબાવવા અંગે નિર્ણય કરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

અગાઉ એવું નક્કી થયું હતું કે આઇપીએલ બંધ બારણે, પ્રેક્ષકો વગર રમાડીને તેનું ટીવી પર પ્રસારણ કરવામાં આવશે. પરંતુ, કેટલાક સ્ટેક હોલ્ડર્સે પ્રેક્ષકો વગર ટિકીટ વેચાણની રકમની મોટી નુકસાની થાય તેવી રજૂઆતો કરી હતી. પરીણામે તા.15મી એપ્રિલ 2020 સુધી કોરોનાની સ્થિતિ ભારતમાં સુધરી શકે તેમ હોવાથી આઇ.પી.એલ. 2020ના આરંભને પખવાડીયા જેટલું પાછળ ઠેલવવા અંગે બીસીસીઆઇમાં મિટીંગોનો દૌર શરૂ થયો છે.

March 5, 2020
indiawomens-1280x720.jpg
1min420

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ એમાં અજેય રહીને સેમિફાઈનમાં પ્રવેશનારી ભારતીય ટીમને જેકપોટ મળ્યો છે. વરસાદને પગલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીડની ખાતેની સેમિફાઈનલ મેચ ધોવાઈ જતા ભારતને એડવાન્ટેજ મળ્યો છે અને તે ફાઈનલમાં પહોંચ્યું છે.

વરસાદને પગલે ટોસમાં વિલંબ થયો હતો અને બાદમાં મેચ ઓફિશિયલ્સે એકપણ બોલ ફેંક્યા વગર મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આઈસીસી દ્વારા રિઝર્વ ડે નહીં રાખવામાં આવતા ભારતને ફાઈનલમાં પ્રવેશ અપાયો હતો. ઈંગ્લેન્ડની ટીમ રમ્યા વગર સેમિફાઈનલમાંથી બહાર થઈ જતા ખેલાડીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા.

March 3, 2020
dhoni_new_hairstyle.jpg
1min1970

છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલા ધોનીએ મેદાન પર આવવાની તૈયારીઓ કરી દીધી છે. આ વખતે મહેન્દ્રસિંહ ધોની નવી હેરસ્ટાઈલ સાથે આવી ગયો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ પણ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. એટલે કે હવે મહેન્દ્ર સિંહ ધોની IPL-2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

ધોનીની કેપ્ટનસીમાં CKSએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી

  • તેમણે સ્વાગતનો વીડિયો પણ અપલોડ કર્યો છે. ધોનીની કેપ્ટનસીમાં CKSએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી છે. ગત વખતે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સથી હાર મળી હતી.
  • ધોનીનાં પ્રદર્શનની વાત કરીએ તો તેમણે આઈપીએલમાં ચેન્નીની તરફથી 160 મેચોમાં 44.34નાં સ્ટ્રાઈક રેટથી 3858 રન બનાવ્યા છે.
  • ધોનીની આગળ ફ્કત સુરેશ રૈના છે, જેમણે 164 મેચોમાં 33.28નાં સ્ટ્રાઈક રેટથી 4527 રન બનાવ્યા છે.
  • ગત વર્ષે જૂન-જુલાઈમાં ICC વર્લ્ડ કપ પછી 38 વર્ષનાં ધોનીનાં રમતનાં ભવિષ્યને લઈને સતત અટકળોનો સમય હતો.

CSK vs MI વચ્ચે 29મી માર્ચે મેચ

  • હવે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ આગમી IPL માટે એમએ ચિદમ્બર સ્ટેડિયમમાં અભ્યાસ સત્રનો ભાગ હશે.
  • આઈપીએલ 2020ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચનાં રોજ મુંબઈમાં ટક્કર થશે.
  • સીએસકેનાં સીઈઓ કેએસ વિશ્વનાથને જણાવ્યું કે ધોની તમામ ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરશે, જ્યારે ટીમની પૂર્ણ તૈયારી શિબિર 19 માર્ચે શરૂ થશે.

February 21, 2020
Womens-T20WC.jpg
1min920

કોઈ આઈ. સી. સી. ટ્રોફી જીતવાથી વંચિત રહેલી ભારતીય મહિલા ક્રિકેટરો ટી-૨૦ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે શુક્રવારે અહીં રમાનારી આરંભિક મેચમાં ટીમના સતત સારા દેખાવની આશા સાથે રમવા ઊતરશે.

ભારતીય ટીમ સતત સારો દેખાવ કરી શકી નથી અને તેનો નક્કર પુરાવો તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલ ત્રિકોણી શ્રેણીમાં તેના દેખાવમાંથી મળી શકે છે.

ભારતીય ટીમે પ્રબળ ગણાતી ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મેચ જીતી અને એક હારી હતી અને છેવટે ફાઈનલમાં તેનો આયોજક રાષ્ટ્રની ટીમ સામે પરાજય થયો હતો કે જેમાં ઑસ્ટ્રેલિયાએ છ વાર યોજાયેલ સ્પર્ધામાંથી ટી-૨૦ વર્લ્ડ કપ ચાર વેળા જીત્યો હતો. ભારતને તેની મધ્યમ અને નીચલા ક્રમની બૅટિંગમાં સુધારો કરવાની જરૂર રહે છે.

ઓપનર સ્મૃતિ મંધાના, ૧૬ વર્ષીય શેફાલી વર્મા અને કેપ્ટન હરમનપ્રીત કૌર પર ભારતની બૅટિંગની મુખ્ય જવાબદારી છે.

બૉલિંગમાં ભારતીય ટીમ સારી ઝડપી ગોલંદાજોની ગેરહાજરીમાં તેની સ્પિનરો પર વધુ આધાર રાખે છે.

ટી-૨૦ ક્રિકેટમાં ભારતની પાંચમા ક્રમની સૌથી સફળ બૉલર શિખા પાંડે ઘણી વેળા ટીમમાં એકમાત્ર ફાસ્ટ બૉલર હોય છે.

ટીમના મુખ્ય કોચ ડબ્લ્યુ. વી. રામનનું માનવું છે કે ભારત જીતવા ફેવરિટ છે.

ઑસ્ટ્રેલિયાની મહિલાઓએ તાજેતરમાં ત્રિકોણી શ્રેણી જીતી ટી-૨૦ વર્લ્ડ કપની સારી તૈયારી કરી હતી.

પણ સ્પર્ધાની આરંભિક મેચ પૂર્વે પોતાની મુખ્ય ઝડપી ગોલંદાજ ટેયલા લેમિન્ક પગની ઈજાના કારણે રમી ન શકનાર હોવાથી કેપ્ટન મેગ લેનિંગની ઑસ્ટ્રેલિયાની ટીમને મોટો ધક્કો પહોંચ્યો છે. ટેયલાએ તેની બૉલિંગમાં વધારેની ઝડપથી ભારતીય બેટધરોને વારંવાર મુશ્કેલીમાં મૂકી હતી.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યે.

February 19, 2020
lauraus.jpg
1min460

મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકરને ભારતની ટીમે ૨૦૧૧માં ઘરઆંગણે જીતેલા વર્લ્ડ કપ પછી તેના સાથી ખેલાડીઓ તેને ખભા પર ઊંચકી લઈ જવાના પરાક્રમનું છેલ્લાં ૨૦ વર્ષમાં લૉરિયસની શ્રેષ્ઠ ‘સ્પોર્ટિંગ મોમેન્ટ’ તરીકે મતદાન મારફતે જાહેર કરાયું હતું.

ભારતીય ક્રિકેટરસિકોના ટેકા સાથે તેન્ડુલકર સૌથી વધુ સંખ્યાના મત મેળવી વિજયી બન્યો હતો.

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ મહાન ટેનિસ ખેલાડી બોરિસ બેકર દ્વારા વિજેતાનું નામ જાહેર કરાયા પછી તેન્ડુલકરને ટ્રોફી અહીં ભપકાદાર સમારોહમાં ભેટ કરી હતી.

સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકાના ફાસ્ટ બૉલર નુવાન કુલાસેકરાને વિજયી છગ્ગો ફટકારવા સાથે પોતાની કારકિર્દીના છઠ્ઠા અને આખરી વર્લ્ડ કપમાં રમતા તેન્ડુલકરનું ભારતને વર્લ્ડ કપ જિતાડી આપવાનું લાંબા સમયનું સ્વપ્ન સાકાર થયું હતું.

વાનખેડે સ્ટેડિયમ ખાતેની તે ફાઈનલ મેચનું પરિણામ આવવાની સાથે ભારતીય ખેલાડીઓ આનંદ અને વિજયની ઉજવણીમાં મેદાનમાં દોડી આવ્યા હતા અને તેન્ડુલકરને ખભા પર ઊંચકી લીધો હતો તથા સ્ટેડિયમમાં ફેરો લગાવ્યો હતો.

વિશ્ર્વ ક્રિકેટમાં ૪૬ વર્ષના સૌથી વધુ રનકર્તા તેન્ડુલકરે કહ્યું હતું કે લૉરિયસ ટ્રોફી જીતવામાં પોતે ગર્વ અનુભવી રહ્યો છે. “આ ટ્રોફી ફક્ત મારા માટે નહીં, પણ બધા ભારતીયો માટે છે, એમ તેણે કહ્યું હતું.

૨૦૧૧ની વર્લ્ડ કપ વિજયી ભારતની ટીમના સભ્ય વિરાટ કોહલીએ પણ તેન્ડુલકરને ટ્વિટર પર અભિનંદન આપ્યા હતા. “અભિનંદન સચિન પાજી. આ પ્રતિષ્ઠિત એવૉર્ડ આપણા રાષ્ટ્ર માટે ગર્વભરી ઘડી છે, એમ કોહલીએ કહ્યું હતું. 

February 18, 2020
Womens-T20WC.jpg
1min500

વન ડે વર્લ્ડ કપનો ખિતાબ ભારતીય મહિલા ટીમ ગયા વર્ષે મામૂલી અંતરથી ચૂકી ગઈ હતી. હવે ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે આવતા સપ્તાહથી શરૂ થઈ રહેલ આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવા પર ટીમનું ફોકસ છે. અમે વિજયના પ્રબળ દાવેદાર છીએ. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 9 રને હારી હતી.

હવે હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે પાછલાં ત્રણ વર્ષમાં ટીમ ઘણી પરિપક્વ બની છે. આ અનુભવનો અમે ટી-20 વર્લ્ડ કપમાં અમે પૂરો ઉપયોગ કરવાની કોશિશ કરશું. અમારી ટીમ દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે. દરેક ખેલાડી પોઝિટિવ એપ્રોચ ધરાવે છે. જો અમે ટી-20 વિશ્વ કપ જીતશું તો એ બહુ મોટી ઉપલબ્ધી ગણાશે. અમારું લક્ષ્ય દબાણમાં આવ્યા વિના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે. આઇસીસી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેનો પહેલો મેચ યજમાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તા. 21 ફેબ્રુઆરીએ એડિલેડમાં રમશે.

સુકાની હરમનપ્રિતની આગેવાનીમાં ગત સપ્તાહે ત્રિકોણીય શ્રેણીના ફાઇનલમાં દબાણ વચ્ચે આખરી સાત વિકેટ 29 રનમાં ભારતીય ટીમે ગુમાવી હતી. આથી ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી.

February 17, 2020
ipl2020.jpg
1min470

આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ૧૩મી સિઝન આગામી ૨૯મી માર્ચે શરૂ થશે. એ પ્રારંભિક દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગયા વર્ષના ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રનર-અપ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે.

ફ્રૅન્ચાઇઝી-આધારિત આ ઇવેન્ટનો આરંભ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ પૂરી થયાના ૧૧ દિવસ બાદ થશે.

આ સ્પર્ધાની છેલ્લી લીગ મૅચ ૧૭મી મેએ રમાશે. એ મૅચ બેંગલુરુમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે રમાશે. આઇપીએલના સત્તાવાળાઓ નૉકઆઉટ મૅચોનું શેડ્યૂલ પછીથી જાહેર કરશે. જોકે, ફાઇનલનો દિવસ નક્કી થઈ ગયો છે અને એ ૨૪ મેએ રમાશે.

એકમાત્ર રાજસ્થાન રૉયલ્સને બાદ કરતા બાકીના બધા ફ્રૅન્ચાઇઝીઓએ પોતાનું હોમ-બેઝ અગાઉની જેમ જ રાખ્યું છે. રાજસ્થાન પોતાના નવા ઘરઆંગણાના સ્થળ તરીકે ગુવાહાટી પર કળશ ઢોળવા વિચારે છે. દર વખતની જેમ આ વખતે પણ બપોરની મૅચો ૪.૦૦ વાગ્યે અને રાતની મૅચો ૮.૦૦ વાગ્યે શરૂ થશે.

વાનખેડેમાં કઈ લીગ મૅચ ક્યારે?

* રવિવાર, ૨૯ માર્ચે મુંબઈ વિરુદ્ધ ચેન્નઈ

* રવિવાર, ૫ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ બૅન્ગલોર

* બુધવાર, ૧૫ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ રાજસ્થાન

* સોમવાર, ૨૦ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ પંજાબ

* મંગળવાર, ૨૮ એપ્રિલે મુંબઈ વિરુદ્ધ કોલકતા

* શુક્રવાર, ૧ મેએ મુંબઈ વિરુદ્ધ દિલ્હી

* શનિવાર, ૯ મેએ મુંબઈ વિરુદ્ધ હૈદરાબાદ

હવેથી શનિવારે બે મૅચ નહીં રમાય

આઇપીએલના સત્તાધીશોએ ટુર્નામેન્ટ દરમિયાન દર શનિવારે બે મૅચ રાખવાની પ્રથા કાઢી નાખી છે. પરિણામે, આ વખતથી આઇપીએલનો લીગ રાઉન્ડ અઠવાડિયું વધુ ચાલશે. સામાન્ય રીતે અગાઉ આઇપીએલની સિઝન પ્રારંભિક મૅચથી માંડીને ફાઇનલ સુધી કુલ ૭૬ દિવસ સુધી ચાલતી હતી, પણ હવે ૮૩ દિવસ સુધી ચાલશે.

ક્રિકેટ બોર્ડે ફ્રૅન્ચાઇઝીઓને શનિવારે મૅચોનું લિસ્ટ મોકલવાની સાથે જણાવ્યું હતું કે ‘હવેથી એક દિવસમાં બે મૅચો માત્ર રવિવારે જ રમાશે. અગાઉની માફક શનિવારે બે મૅચ નહીં રમાય.’

February 10, 2020
BangladeshU19team.jpg
1min270

અન્ડર-૧૯ વન-ડે વર્લ્ડ કપમાં બંગલાદેશે ભારતને રવિવારે ફાઇનલમાં ૨૩ બૉલ બાકી રાખીને ૩ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું.

બંગલાદેશ પહેલી જ વાર વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યું છે. એને આ વિજયનું સૌથી મોટું ગૌરવ કૅપ્ટન અને વિકેટકીપર અકબર અલી (૭૭ બૉલમાં ૪૩ અણનમ)એ અપાવ્યું હતું.

બંગલાદેશની અન્ડર-૧૯ ટીમ પહેલી વાર આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી અને ટ્રોફી જીતી ગઈ હતી, જ્યારે અગાઉ ચાર વાર ચૅમ્પિયન બનેલું ભારત સાતમી વાર ફાઇનલમાં પહોંચ્યા બાદ પાંચમા ટાઇટલથી વંચિત રહ્યું હતું.

ભારતીય ટીમ હરીફોને માત્ર ૧૭૮ રનનો લક્ષ્યાંક આપી શકી હતી. ટુર્નામેન્ટની ૯ ઓવર બાકી હતી ત્યારે વરસાદ પડ્યો હતો. ત્યારે બંગલાદેશની ટીમ વિજયની દિશામાં અગ્રેસર હતી અને ભારતીય ટીમ બાજી લગભગ ગુમાવી જ બેઠી હતી.

બંગલાદેશની ટીમને વરસાદના ટૂંકા વિઘ્ન બાદ ડકવર્થ-લુઇસ-સ્ટર્ન મેથડ મુજબ ૧૭૦ રનનો નવો લક્ષ્યાંક મળ્યો હતો અને ફરી રમત શરૂ થઈ ત્યારે એણે ૩૦ બૉલમાં ફક્ત ૭ રન બનાવવાના હતા જે એણે એકેય વિકેટ ગુમાવ્યા વગર બનાવી લીધા હતા. સ્પર્ધાના અંતે નવા ચૅમ્પિયન બંગલાદેશનો સ્કોર ૪૨.૧ ઓવરમાં ૭ વિકેટે ૧૭૦ રન હતો. બંગલાદેશને એક્સ્ટ્રાના ૩૩ રન મળ્યા હતા જે ભારતને ભારે પડ્યા હતા. ભારતીય ફીલ્ડરોએ બેથી ત્રણ કૅચ પણ છોડ્યા હતા.

ભારત વતી સ્પર્ધાના સુપરસ્ટાર ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જૈસવાલે ૧૨૧ બૉલની લાંબી ઇનિંગ્સમાં એક સિક્સર અને આઠ ફોરની મદદથી ૮૮ રન બનાવ્યા હતા જે એળે ગયા હતા.

એ પહેલાં, ભારતની અન્ડર-૧૯ ટીમ ૪૭.૨ ઓવરમાં ૧૭૭ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બૅટિંગ મળ્યા પછી ભારતીય ઓપનરોએ સાવચેતીપૂર્વક શરૂઆત કરી હતી. તેમની બૅટિંગ ધીમી અને સમજદારીભરી હતી. સાતમી ઓવરમાં માત્ર ૯ રન બન્યા હતા ત્યારે દિવ્યાંશ સક્સેનાની વિકેટ પડી હતી. જોકે, સ્પર્ધાના સૌથી સફળ બૅટ્સમૅન યશસ્વી જૈસવાલને તિલક વર્માનો સારો સાથ મળ્યો હતો. ૨૯મી ઓવરમાં ૧૦૩ રનના ટોટલ પર તિલક ૩૮ રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

૧૧૪ રન પર કૅપ્ટન પ્રિયમ ગર્ગની વિકેટ પડી હતી અને ૪૦મી ઓવરમાં ૧૫૬ રનના ટોટલ પર ચોથી વિકેટના રૂપમાં યશસ્વી જૈસવાલ લાંબી ઇનિંગ્સ બાદ ૮૮ રનના પોતાના સ્કોર પર આઉટ થયો હતો. ત્યાર પછી ધબડકો થયો હતો અને પછીના ૨૧ રનમાં બાકીની તમામ છ વિકેટ પડી ગઈ હતી.

ટૂંકો સ્કોર

ભારત: ૪૭.૨ ઓવરમાં ૧૭૭ રને ઑલઆઉટ (યશસ્વી જૈસવાલ ૮૮, તિલક વર્મા ૩૮, ધ્રુવ જુરેલ ૨૨, પ્રિયમ ગર્ગ ૭, દિવ્યાંશ સક્સેના ૨, સિદ્ધેશ વીર ૦, અથર્વ અંકોલેકર ૩, રવિ બિશ્નોઇ ૨, સુશાંત મિશ્રા ૩, કાર્તિક ત્યાગી ૦, આકાશ સિંહ ૧ અણનમ, અવિશેક દાસ ૪૦ રનમાં ત્રણ, શૉરીફુલ ઇસ્લામ ૩૧ રનમાં બે, તેન્ઝિમ હસન સકીબ ૨૮ રનમાં બે અને રકિબુલ હસન ૨૯ રનમાં એક વિકેટ, શમીમ હોસૈન ૩૬ રનમાં અને તૌહિદ રિદય ૧૨ રનમાં એકેય વિકેટ નહીં)

બંગલાદેશ: (નવા લક્ષ્યાંક બાદ) ૪૨.૧ ઓવરમાં ૭ વિકેટે ૧૭૦ રન (પરવેઝ એમોન ૪૭, તેન્ઝિદ હસન ૧૭, મહમુદુલ જૉય ૮, તૌહિદ રિદય ૦, શહાદત હોસૈન ૧, અકબર અલી ૪૩ અણનમ, શમીમ હોસૈન ૭, અવિશેક દાસ ૫, રકિબુલ હસન ૯ અણનમ, રવિ બિશ્નોઇ ૩૦ રનમાં ચાર, મિશ્રા પચીસ રનમાં બે અને યશસ્વી ૧૫ રનમાં એક વિકેટ, કાર્તિક ત્યાગી ૩૩ રનમાં તથા આકાશ સિંહ ૩૩ રનમાં, અંકોલેકર ૨૨ રનમાં એકેય વિકેટ નહીં)

February 9, 2020
indiavsnew.jpg
1min350

ભારતનો શનિવારે અહીં ઈડન પાર્ક ખાતે રમાયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ૨૨ રનથી પરાજય થતા આયોજક ન્યૂ ઝીલેન્ડની ટીમે ત્રણ મેચભરી શ્રેણી ૨-૦થી જીતી હતી.

ટોસ હારી જવા પછી પહેલા દાવ લેવા આમંત્રાયેલ ન્યૂ ઝીલેન્ડની ટીમે માર્ટિન ગપ્ટિલ અને રોસ ટેલરની વ્યક્તિગત અડધી સદીના બળે ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૭૩ રનનો જુમલો ખેડયો હતો અને ત્યાર પછી, કિવી બૉલરોએ ભારતને ૪૮.૩ ઓવરમાં ૨૫૧ રનમાં આઉટ કરી પ્રવાસી ટીમને સતત બીજી મેચમાં પરાજયનો કડવો સ્વાદ ચખાડ્યો હતો. ભારત શ્રેણીની પહેલી મેચ પણ ચાર વિકેટથી હારી ગયું હતું.

ભારતના દાવમાં રવીન્દ્ર જાડેજાનો ૭૩ બોલમાં ૫૫ રનનો સર્વોત્તમ બૅટિંગ દેખાવ રહ્યો હતો અને શ્રેયસ ઐયરે ૫૭ બોલમાં ૫૨ રન કર્યા હતા.

હેમીશ બાર્નેટ, ટીમ સાઉધી, કીલ જેમીસન અને કોલિન ડી ગ્રેન્ડહોમે વ્યક્તિગત બે વિકેટ લીધી હતી.

ન્યૂ ઝીલેન્ડ વતી હાલ પોતાના સારા ફોર્મમાં રમી રહેલા ટેલરે ૭૪ બોલમાં ૭૩ રન કર્યા હતા જે તેની ૫૧મી અડધી સદી હતી અને જેમીસન (૨૫ અણનમ) જોડે નવમી વિકેટે ૫૧ બોલમાં ૭૬ રનની ભાગીદારી નોંધાવી હતી.

ઓપનર ગપ્ટિલે બોલ દીઠ રનના દરે ૭૯ રન કર્યા હતા અને પોતાના સાથી ઓપનિંગ બેટ્સમેન હેનરી નિકોલ્સ (૪૧) જોડે પહેલી વિકેટની ભાગીદારીમાં ૯૩ રનનો ઉમેરો કર્યો હતો.

ભારતનો યુઝવેન્દ્ર ચહલ ૫૮ રનમાં ત્રણ વિકેટ લઈ સૌથી સફળ બૉલર રહ્યો હતો અને શાર્દુલ ઠાકુરે ૬૦ રનમાં બે વિકેટ લીધી હતી.

ભારતે છેલ્લી મેચની પોતાની ટીમમાં બે ફેરફાર કરી નવદીપ સૈની અને ચહલની મોહંમદ શમી અને કુલદીપ યાદવની બદલીમાં પસંદગી કરી હતી.

ન્યૂ ઝીલેન્ડ વતી છ ફૂટ અને આઠ ઈંચની લંબાઈના રાષ્ટ્રના સૌથી લાંબા ક્રિકેટર જેમીસને પોતાનો વન-ડે ક્રિકેટમાં પ્રવેશ કરવા સાથે મેન ઑફ ધ મેચનો એવૉર્ડ જીત્યો હતો. તેણે ઈશ સોઢીનું ટીમમાં સ્થાન લીધું હતું અને માર્ક ચેપમેનની મિચેલ સેન્ટનરની બદલીમાં પસંદગી કરાઈ હતી.

ન્યૂ ઝીલેન્ડે આ સફળતા સાથે ગયા વર્ષે માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ સેમી-ફાઈનલથી શરૂ થયેલી વન-ડે મેચોના વિજયની હેટ-ટ્રિક કરી હતી અને પોતાના નિયમિત સુકાની કેન વિલિયમસન તથા ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન જેવા ટોચના બૉલરોની ગેરહાજરીમાં પ્રાપ્ત થયેલો આ વિજય વધુ પ્રશંસાને પાત્ર હતો.