ટ્રેન્ડસ Archives - CIA Live

January 20, 2020
ausi_open.jpg
1min110

વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ’ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન’ ચેમ્પિયનશીપની આવતીકાલથી મેલબોર્ન પાર્ક ખાતે શરૂઆત થઇ રહી છે. ડ્રોની જાહેરાત કરવામાં આવ્યા બાદથી તમામ ખેલાડીઓ પોતપોતાની વ્યૂહરચના તૈયાર કરી ચુક્યા છે. નોવાક જોકોવિક તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે પુરુષ વર્ગમાં મેદાનમાં ઉતરશે જ્યારે મહિલાઓના સિંગલ્સમાં જાપાનની ઓસાકા તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. જો કે તેની દિગ્ગજ સેરેના વિલિયમ્સથી જોરદાર ટક્કર મળશે. જોકોવિક ઉપરાંત રાફેલ નડાલ, રોજર ફેડરર પણ ઇતિહાસ સર્જવા માટે તૈયાર છે.

મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ નવો રેકોર્ડ સર્જવા તૈયાર છે. સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ પાસે સ્વિસ ખેલાડી રોજર ફેડરરના 20 ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવાની તક રહેલી છે. બીજી બાજુ રોજર ફેડરર પણ વધુ એક ગ્રાન્ડસ્લેમ જીતીને આગેકૂચ કરવા માટે ઇચ્છુક છે.’

2009માં નડાલે અહીં જીત મેળવી હતી. બીજી બાજુ વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિક પણ રેકોર્ડ 8મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન તાજ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. 2019માં જોકોવિકે સારો દેખાવ કર્યો હતો. પાંચ ટાઇટલ જીત્યા હતા જેમાં મેલબોર્ન પાર્ક અને વિમ્બલ્ડનનો સમાવેશ થાય છે. 37 વર્ષીય રોજર ફેડરર પણ સ્ટિવ જોન્સન સામે રમીને આગેકૂચ કરનાર છે.’ રોજર ફેડરર સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીતવા માટે ઇચ્છુક છે. 2018માં તે અહીં છેલ્લી વખત વિજેતા બન્યો હતો. મહિલાઓના વર્ગમાં સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયાની મહાન ખેલાડી માર્ગારેટના રેકોર્ડની બરોબરી કરવા માટે ઇચ્છુક છે. માર્ગારેટ કોર્ટે 24 ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. તે પોતાની પ્રથમ રાઉન્ડની મેચમાં રશિયાની ખેલાડી સામે રમનાર છે.

January 18, 2020
hindi-1280x707.png
1min130

અમેરિકા ખાતેની ભારતીય ઍમ્બેસી હિંદીના ક્લાસ ચલાવતી હોવાને કારણે અમેરિકામાં નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે, એવી માહિતી ટોચના ભારતીય રાજદૂતે આપી હતી.

ભારતીય દૂતાવાસમાં વિશ્ર્વ હિંદી દિવસની ઉજવણી દરમિયાન અમિત કુમારે કહ્યું હતું કે એ જાણીને ખુશી થાય છે કે અમેરિકામાં હિંદી ભાષા મોટા પાયે બોલવામાં અને શીખવવામાં આવે છે.

અમેરિકાની ઘણી સ્કૂલમાં હિંદી શીખવવામાં આવે છે. અમેરિકન કમ્યુનિટી સર્વેના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે

ભારત વિશ્ર્વનો એક મહત્ત્વનો દેશ બનીને ઊભર્યો છે, તેથી દુનિયાભરના લોકોને હિંદી ભાષા શીખવામાં રસ જાગ્યો છે.

જે લોકો ભારતમાં ફરવા માટે કે વેપારધંધા માટે આવે છે, તે લોકોને હિંદી શીખવાથી ભારતના લોકોના દિલ અને દિમાગ જીતવાનો મોકો મળે છે, એમ અમિતકુમારે જણાવ્યું હતું.

એમણે પોતાનો જ ચીની ભાષા શીખવાનો અનુભવ ટાંકીને કહ્યું હતું કે સ્થાનિક ભાષા શીખવાથી ઘણાં દ્વાર ખૂલી જાય છે.

વિવિધ દેશના લોકોને છેલ્લા બે વર્ષથી ભારતીય રાજદૂતાલય નિ:શુલ્ક હિંદી શીખવી રહ્યું છે.

January 16, 2020
bank-strike.jpg
1min120

એવું લાગી રહ્યું છે કે ભારતમાં બેંક હડતાળોની મોસમ ચાલી રહી છે. બેંક કર્મચારીઓના પગાર સુધારણા સંદર્ભની અનેક બેઠકો વિફળ રહ્યા બાદ હવે ફરીથી ઈન્ડિયન બેંક અસોસિએશન(IBA)એ (આ મહિને બીજી વખત) બેંક હડતાળનું એલાન આપ્યું છે. ઇન્ડિયન બેંકસ એસોસીએશન IBA દ્વારા આપવામાં આવેલા એલાન અનુસાર આગામી તા.31 જાન્યુઆરી અને તા.1 ફેબ્રુઆરી એમ બે દિવસ ભારતીયો બેંકોમાં કર્મચારીઓ કામકાજથી અળગા રહીને હડતાળ પાડશે. અગાઉ ચાલુ માસમાં જ ગઇ તા. 8 જાન્યુઆરીએ ભારત બંધમાં પણ 6 બેંકના કર્મચારી યૂનિયન જોડાયા હતા, એ દિવસે મોટાભાગની બેંકો બંધ રહી હતી.

આ વખતે બેંક હડતાળનો સમય ખુબ મહત્વનો છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્માલ સીતારમણ બજેટ રજૂ કરશે. તેના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. બજેટને લઈને તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે અને સરકાર સામે મંદીની સમસ્યાને દૂર કરવાનો સૌથી મોટો પડકાર છે.

તા.2 ફેબ્રુઆરીએ રવિવાર છે અને બેંક બંધ રહેશે. હડતાળને કારણે સતત 3 દિવસ સુધી બેંક બંધ રહેવાથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એમાં શંકાને કોઇ સ્થાન નથી. બેંક હડતાળને કારણે કારણે એટીએમમાં પણ રોકડની તંગી વર્તાય શકે તેમ છે.

January 15, 2020
108.jpg
1min1680

અકસ્માતજન્ય અને ભારે ઉપદ્રવી બન્યો પતંગોત્સવ : સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના ધજ્જીયા ઉડ્યા

મકરસંક્રાંતિ સમગ્ર ભારતનો તહેવાર છે પરંતુ, ગુજરાતમાં આ તહેવારે પતંગ ચગાવવાનો રિવાજ પણ વિશ્વભરને ગુજરાતમાં આકર્ષિત કરે છે, મકરસંક્રાંતિએ ઉજવાતો ગુજરાતના આ પતંગોત્સવના પરીમાણો પણ આઘાતજનક રીતે બદલાયા છે. 2020નો પતંગોત્સવ ગુજરાતમાં અકસ્માતનો ઉત્સવ બની ગયાની અનુભૂતિ થઇને રહે છે.

આ વાતની પ્રતીતિ અને હદ તો ત્યારે થઇ કે 14મી જાન્યુઆરીની રાત્રે જાણવા મળ્યું કે પતંગોત્સવના 24 કલાક દરમિયાન રાજ્યમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ સેવા 108 એમ્બ્લ્યુલન્સને 3478 કોલ્સ મળ્યા અને આ કોલ્સમાં પતંગના દોરાથી ગંભીર રીતે ઇજા પામેલા રાહદારોઓ, વાહનચાલકોને તત્કાળ હોસ્પિટલ પહોંચાડવાના હતા, અગાસીઓ, ધાબાઓ પરથી પડવાના હતા, મારામારીમાં ઇજા પામેલાઓને હોસ્પિટલ પહોંચાડવાના હતા. ખરેખર 2020ની ઉતરાણ (પતંગોત્સવ) અકસ્માતોનો ઉત્સવ બન્યો હોય એવું એટલા માટે માનવું પડે કેમકે 2019માં પતંગોત્સવના પર્વે 108 એમ્બ્યુલન્સ સેવાઓના રાજ્યભરમાંથી 3055 કોલ્સ મળ્યા હતા. જેમાં 2020 400 પ્લસ ઇમરજન્સી કોલ્સ વધુ હતા.

ચોંકાવનારી બાબત તો એ છે કે ઘાતક પતંગના દોરા નહીં વાપરવા અંગે કડકમાં કડક સૂચનાઓ અપાઇ હોવા છતાં એ ધૂમ વેચાયા અને તેના કારણે રાજ્યમાં 186 જેટલા કમનસીબ લોકોના ગળા કપાયા અથવા તો શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. આ તમામ લોકોને 108 એમ્બ્યુલન્સે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ સિવાય ખાનગી દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ લેનારા તો કેટલાય હશે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ આ દોરીએ અનેકને ઈજાગ્રસ્ત કર્યા હતાં.

પારીવારીક ઉત્સવ ઘોંઘાટીયો બન્યો, પાવરફૂલ ડીજેથી વૃદ્ધો આખો દિવસ ત્રસ્ત

ઉતરાયણ પર્વ સામાન્ય રીતે પારીવારીક ઉત્સવ તરીકે ઉજવાતો, પરંતુ, યુવા પેઢીના અણસમજુઓએ અગાસીઓ પર પાવરફૂલ ડીજે મૂકીને આખાને આખા વિસ્તારોને આખો દિવસ બાનમાં લીધા. ખાસ કરીને એપાર્ટમેન્ટોની અગાસીઓ પર એટલા મોટા અવાજે ડીજે મ્યુઝિક સિસ્ટમ પર ઘોંઘાટીયા ગીતો વાગ્યા અને તેને કારણે સમગ્ર વિસ્તાર તો બાનમાં લેવાયો પણ વૃ્દ્ધ નાગરિકોએ આખો દિવસ ભારે તકલીફ વેઠવી પડી હતી. કેટલાક વિસ્તારોમાં તો અગાસીઓ પર જાણે મ્યુઝિક વોર ખેલાયું હોય તે રીતે સામસામા ગીતોના અવાજો અથડાતા, સૂરતીઓને આ માહોલ જાણે ફેસ્ટિવલનો માહોલ લાગ્યો પણ અનેક લોકોને તકલીફ પડી તે વિસરી દેવાયું હતું.

સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના ધજ્જીયા ઉડ્યા

સરકારી તંત્રોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન મૂકવા માટે મહિનાઓથી ઝુબેશો હાથ ધરી. ખાસ કરીને શાકભાજી વેચતા ફેરીયાઓને મોટા પાયે દંડ કરવામાં આવ્યા. બીજી તરફ ઉતરાયણ પર્વે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના તો એવા ધજ્જીયા ઉડ્યા કે ન પૂછો વાત. સૂરતમાં દરેક ચાર રસ્તા પર સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલા રમકડાંઓ વેચાય રહ્યા હતા. વિવિધ આકારના પ્રાણીઓ, કાર્ટૂન પાત્રો એવા પ્લાસ્ટિકમાંથી બનાવેલા હતા કે જેનો કચરો 15મીએ અને 16મીએ દેખાશે. આ તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલા હતા અને ત્યારે સૂરત મહાનગરપાલિકા કે અન્ય કોઇ તંત્રોએ આ ઉપદ્રવ સામે કોઇ કાર્યવાહી કરી નહીં.

January 15, 2020
yoga.png
1min170

સરકારી સંસ્થાઓ કર્મચારીઓ રિફ્રેશ થાય અને એમનો સ્ટ્રેસ ઓછો થાય એ માટે ખાસ પાંચ મિનિટમાં થઇ શકે એવા આસનોની જોવગવાઇ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ યોગાસનો કરવા માટે એમને પાંચ મિનિટનો યોગ બ્રેક અથવા વાય બ્રેક આપવામાં આવશે.

આયુષ મંત્રાલયે મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા મારફત વિકસિત કરાયેલા યોગાસનો કરવા માટે પ્રયોગાત્મક ધોરણે વાય બ્રેક હાલ આયુષ મંત્રાલયમાં સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે.

ટાટા કેમિકલ્સ, ઍક્સિસ બૅંક સહિત ૧૫ જેટલી સંસ્થા અને કંપનીએ આ માટે રસ દાખવ્યો હોવાની વાત આયુષ મંત્રાલયે જણાવી હતી. આ માટે બુકલેટ છાપવામાં આવી છે અને યોગ્ય રીતે આસન કરી શકાય એ માટે ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મંત્રાલય કોર્પોરેટ સેક્ટરને આ માટે બધી રીતે મદદ કરશે.

યોગ બ્રેકમાં પાંચ મિનિટમાં કરી શકાય એવા કેટલાક યોગાસનોનો દસેક નિષ્ણાતો દ્વારા વિચારપૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે યોગા બ્રેક એ યોગ શીખવા માટેનો કોર્સ નથી, પણ એમાં ટૂંકમાં કેટલીક પ્રાથમિક કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

January 10, 2020
coldest-day.jpeg
1min280

દક્ષિણ-પશ્ર્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાન ૫થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ત્રણ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આમ ગુરુવારનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

રાજ્યમાં બુધવારની સરખામણીએ ગુરુવારે સવારથી જ કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો હતો. અમદાવાદ અને વડોદરામાં ૧૦ ડિગ્રી, ગાંધીનગરમાં ૭ ડિગ્રી, ભુજ, કંડલા ઍરપોર્ટ અને ડીસા-૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકવાના શરૂ થઇ ગયાં હતા.

હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુતમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે.

January 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min1000

રીલાયન્સના Jio થી ભરાઇ ગયા લોકોના મન, Jioથી સસ્તા નેટ અને ટીવી પેક તરફ લોકો વળ્યા

રીલાયન્સ જીઓ Jio જ્યારે લોંચ કરવામાં આવ્યું ત્યારે એવું કહેવાયું હતું કે તેનાથી સસ્તું નેટ આખી દુનિયામાં કોઇ આપી શકશે નહીં. પરંતુ, હવે જ્યારે રીલાયન્સ જીઓ Jio ફાઇબરની મફત સ્કીમ પૂરી થઇ ગયા પછી વપરાશકારોને ખબર પડવા માંડી કે રીલાયન્સ જીઓ Jio ના ડેટા પેકમાં કંઇક લોચો છે. કેમકે રીલાયન્સ જીઓ Jio ફાઇબરનો પહેલા છ મહિના ફ્રી વપરાશ કરનારાઓએ અનુભવ્યું કે 100 જીબી જેટલું નેટ તો એક મહિનો શું એક અઠવાડીયામાં ખલાસ થઇ જાય છે. હવે જયારે રીલાયન્સ જીઓ Jio ફાઇબર મફતની જગ્યાએ સ્કીમ લોંચ કરવા માંડી એટલે વપરાશકારો ગણતરી કરવા માંડ્યા છે કે મહિને 500 જીબીનો પ્લાન લેવામાં આવે તો જ પારીવારીક જરૂરીયાત પૂરી થઇ શકે અને મહિને 500 જીબી ડેટાની રીલાયન્સ જીઓ Jio ફાઇબરની સ્કીમ માટે વર્ષે રૂ.13000 જેટલો ખર્ચ કરવો પડે તેમ છે.

લોકોનો ડેટા વપરાશ વધ્યો એ વાત માની શકાય પરંતુ, 100 ગણો વપરાશ વધે એ વાત ગળે ઉતરે એવી નથી

રીલાયન્સ જીઓ Jio ફાઇબરના વપરાશકારો એવું કહી રહ્યા છે કે એના કરતા તો કેબલ ટીવીના મહિને રૂ.350 આપેલા સારા. સૂરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને જીઓ ફાઇબર નેટ યુઝ કરનાર ગોપાલભાઇ પટેલે કહ્યું કે અમે જ્યારે રીલાયન્સ જીઓ Jio ફાઇબર કનેકશન લીધું ત્યારે કહેવાયું હતું કે 100 જીબી ડેટા એક મહિનાની વેલિડીટી રૂપે મળશે. પરંતુ, પરીવારમાં 4 મોબાઇલ અને એ પણ ઘરે હોઇએ ત્યારે જ યુઝ કરતા હતા તો પણ 100 જીબી ડેટા 4-5 દિવસમાં પૂરો થઇ જતો હતો. એ સમયે તો ટીવી ચેનલ્સ પણ લોંચ થઇ ન હતી. હવે જ્યારે રિલાયન્સ જીઓ ટીવી ચેનલ સેટઅપ બોક્સ આપી રહ્યા છે ત્યારે ગણતરી માંડીએ તો મહિને રૂ.1100 જેટલો ખર્ચ ઇન્ટરનેટ અને ટીવી બન્ને માટે થાય છે. એના કરતા તો પહેલા ચાલતું હતું એ કેલબ ટીવી અને ચારેય મોબાઇલમાં અલગ અલગ નેટ લઇએ તે સ્કીમ સસ્તી અને પોષણક્ષમ છે.

એવી જ રીતે ઘોડદોડ રોડ પર રહેતા અલ્કેશભાઇ કહે છે કે પહેલા જ્યારે રીલાયન્સ જીઓ Jio લોંચ નહતું થયું ત્યારે એક જીબી ડેટા મહિને વાપરવા મળતો હતો અને તેમાંથી પણ 200-300 એમ.બી. ડેટા વધતો હતો. પરંતુ, હવે જીઓ આવ્યા પછી તો એવું લાગે છે કે ડેટામાં જ કંઇક પ્રોબ્લેમ છે. રીલાયન્સ જીઓ Jio મોબાઇલમાં હોય કો ફાઇબરમાં નિર્ધારિત ડેટા ક્યારે પૂરો થઇ જાય છે અને રોજ સવારે મોબાઇલ શરૂ થાય અને અડધો કલાકમાં તો મેસેજ આવી જાય કે ડેટા વપરાશ 50 ટકા થઇ ચૂક્યો છે. બપોર સુધીમાં તો મોબાઇલ પર જીઓનું ડેટા પેક પૂરુ થઇ જાય.

ગોપાલભાઇ કહે છે કે એવું જ જીઓ ફાઇબરમાં છે. 100 જીબી ડેટા એટલો મોટો જથ્થો કહેવાય કે મહિનો આરામથી ચાલવો જોઇએ તેની જગ્યાએ એક સામાન્ય ફેમિલી કે જેમનો પહેલા જેટલો જ વપરાશ હતો તેનાથી 25 ટકા વધ્યો એવું માની લઇએ તો પણ 100 જીબી ડેટા ખલાસ થઇ જાય એ વાત માનવામાં આવે એવી નથી.

રીલાયન્સ જીઓ Jio કસ્ટમર કેરમાં કોઇ સાંભળતું નથી

ધડાધડ ખલાસ થઇ રહેલા રીલાયન્સ જીઓ Jioના નેટ પેક અંગે સૂરતમાંથી અનેક લોકો કસ્ટમર કેર પર કોલ કરે છે પરંતુ, કસ્ટમર કેરમાંથી સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આ અંગે રીંગરોડ પર મોબાઇલ શોપ ધરાવતા શૈલેષ શાહ કહે છે કે કસ્ટમર કેરમાંથી અષ્ટમ પષ્ટમ સમજાવવામાં આવે છે કે તમારો વપરાશ, એપ્લીકેશન વગેરેમાં ડેટા યુઝ થાય છે. કસ્ટમર પહેલા જે એપ્લિકેશન યુઝ કરતા હતા એ જ કરતા હોય પહેલા કરતા વપરાશ વધ્યો એમ માની શકાય પરંતુ, સીધો 100 ગણો વપરાશ વધે તે કેવી રીતે માની શકાય

રીલાયન્સ જીઓ Jio ફાઇબર દ્વારા ફ્રી સ્કીમ બંધ કરવામાં આવતા જ હવે લોકો ફરીથી મોબાઇલ નેટ તેમજ ટીવી ચેનલ્સ માટે લોકલ કેબલ ઓપરેટર તરફ વળ્યા છે.

CIA Live દ્વારા રીલાયન્સ જીઓ Jioના અધિકૃત અધિકારી સાથે વાતચીત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ, કોઇ જવાબ આપવા માટે આગળ આવ્યા ન હતા. રીલાયન્સ જીઓ Jio તેમના ખુલાસા માટે અમારો સંપર્ક કરી શકે છે.

January 8, 2020
startup.jpg
1min130

વિશ્ર્વમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સની સંખ્યા ધરાવવાના સંદર્ભે ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું છે અને ખાસ કરીને ડિસરપ્શન ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. રિટેલ, ફૂડ, લોજિસ્ટિક, હોસ્પિટાલિટી, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ જેવા ઉદ્યોગમાં તો સ્ટાર્ટઅપ્સ છવાઇ જ ગયા છે, પરંતુ હવે વિશ્ર્વની ટોચની કંપનીઓ પણ તેમને આવકારી રહી છે. ભારતમાં અંદાજે ૫૦,૦૦૦ સ્ટાર્ટઅપ્સ છે અને દતેમનો વાર્ષિક વિકાસ દર ૧૨થી ૧૫ ટકા જેવો છે. એ જ સાથે ૩૧ યુનિકોર્ન છે જેનું વેલ્યુએશન એક અબજ ડોલર કરતા વધુ છે.

વૈશ્ર્વિક સંસ્થાકીય રોકાણકારો પાસેથી તેમને ફંડીંગ તો મળી રહ્યું છે પરંતુ જો યોગ્ય પ્રવેશ મળે તો ભારતીય સ્ટાર્ટઅપ્સને તેમના ઇનોવેશન થકી વિશ્ર્વબજારનો મોટો હિસ્સો હસ્તગત કરી શકે છે, એમ ટોરંટો બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર (ટીબીડીસી) અને કોર્પજીની વચ્ચે સંયુક્ત સાહસ સાધવા સંદર્ભે ભારત આવેલા કેનેડાના બ્રેમ્પ્ટન સિટીના મેયર પેટ્રીક બ્રાઉને કહ્યું હતું કે કેનેડામાં ઇનોવેશન અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ માટે પુષ્કળ અવકાશ છે.

કેનેડાની ટીબીડીસી, સિટી ઓફ બ્રેમ્પ્ટન અને કોર્પજીની વચ્ચેના આ મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગને પગલે વિદેશમાં વિસ્તરણ કરવા ઇચ્છનારા સ્ટાર્ટઅપ્સને માર્ગ મળશે અને કેનેડાના કોર્પોરેટ જગત સાથે સંપર્કિત થવાની તક મળશે. આ સંદર્ભે જ તેઓ મુંબઇ, બેંગ્લોર અને દિલ્હી જેવા સ્ટાર્ટઅપ્સ હબની મુલાકાતે આવ્યાં છે. કેનેડા સરકાર ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે ઇનેોવેશન એક્સચેન્જ ઇચ્છે છે.

January 5, 2020
patdi.jpg
1min290

દર વર્ષે હજારો કિ.મી. દૂરથી વિદેશી નયનરમ્ય પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા ચાર મહિના રણમાં પડાવ નાખે છે. પાટડીના રણવિસ્તારમાં એક લાખથી વધુ પક્ષીઓનો અનોખો જમાવડો જામ્યો છે. વેરાન રણમાં દર વર્ષે સાઇબિરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.

આ સિવાય પેંગ્વિન, ફ્લેમિંગો અને પેન્ટાસ્ટોક સહિતના વિદેશી પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. ગઇ વખતની પક્ષી ગણતરી અનુસાર રણકાંઠામાં ૧૦૦થી વધારે જાતિના ૯૯,૭૪૦ પક્ષીઓ આવેલા નોંધાયા હતા.

ચાલું વર્ષે વેરાન રણના વિવિધ વેટલાઇન વિસ્તારમાં લાખો વિદેશી પક્ષીઓએ ધામાં નાખ્યા છે. રણકાંઠા વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા પાંચ આંકડા પાર કરી એક લાખને પણ આંબી જવા પામી છે.

નામશેષ થવાના આરે પહોંચેલા અને કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતા ગીધની સંખ્યા ગુજરાતમાં નોંધપાત્ર રીતે ઘટી છે, જ્યારે રણકાંઠામાં ગીધની સખ્યાં ૪થી વધીને ૮૮એ પહોંચ્યાં બાદ હાલમાં ૪૮એ પહોંચી છે. રણમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શીયાળો ગાળવા આવે છે. ગત વર્ષે છેક લદ્દાખથી આવેલા ૫૦૦થી વધુ બાજપક્ષીઓએ રણમાં ધામાં નાખતા પક્ષીપ્રેમીઓ ઝૂમી ઊઠ્યા હતા.

January 2, 2020
patidar.jpg
2min3950

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020’ 3 જાન્યુઆરીથી અમદાવાદમાં

ગુજરાતમાં પાટીદારો પ્રભાવશાળી રહ્યા છે અને રહેશે. ગુજરાતમાં સામાજિક, રાજકીય દ્રષ્ટીએ પાટીદાર પાવર જબરદસ્ત રીતે કાર્ય કરે છે. પણ જો પાટીદારોને બિઝનેસ પાવર કેટલો, એ બાબતની અનૂભુતિ કરવી હોય તો તા.3થી 5 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ ખાતે યોજાઇ રહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020ની મુલાકાત લેવી પડે. અહીં અનેક જાણ્યા અજાણ્યા પાટીદાર બિઝનેસ મેન, ધંધા રોજગાર્થીઓનો મેળાવડો જામશે.

સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા ‘સરદાર ધામ’ના ઉપક્રમે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) તા.૩થી ૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે.

પાટીદારોની મેગા બિઝનસ ઇવેન્ટ : 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગપતિ : 1000થી વધુ સ્ટોલ્સ

સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’(GPBS-2020)માં દેશ-દુનિયાના પ્રથમ હરોળના ૧૦,૦૦૦થી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓ, ૧,૦૦૦થી વધુ સ્ટોલ્સ, સર્વ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર સમિટ દરમિયાન સાત લાખથી વધુ વિકાસપ્રેમ, રાષ્ટ્રવાદી ભાઈ-બહેનો મુલાકાત લેશે. આ સમિટનો હેતુ સમાજનાં નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. સમાજમાં નવા ઉદ્યોગપતિ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું તથા સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવાનો છે. 

સૂરતથી હજારો પાટીદારો જોડાશે

અમદાવાદ ખાતે યોજાઇ રહેલી પાટીદારોની સૌથી મોટી બિઝનેસ મીટમાં સૂરતથી ખાસ કરીને સૂરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવકો આ સમીટમાં જોડાઇ રહ્યા છે. અનેક ઉદ્યોગપતિઓ, રોજગારોના સ્ટોલ્સ પણ અહીં જોવા મળશે. સૂરતના અનેક ઉદ્યોગપતિઓ આ સેશનમાં પોતાનું વક્તવ્ય પણ આપવાના છે.

ઉદ્ઘાટન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે સવારે ૧૦ વાગ્યે કન્વેન્શન હોલ નં.૫ ખાતે થશે. સાથે જ દીકરી સ્વાવલંબન યોજનાનો શુભારંભ થશે. ઉદ્‌ઘાટનના સમારોહમાં અંદાજે ૧૦,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેશે.

સેશન વાઇઝ

ઉદઘાટનના સાથે જ કન્વેન્શન હોલ નં.૫ ખાતે સેશન-૧માં ઉદ્‌ઘાટન સમારોહ અને દીકરી સ્વાવલંબન યોજનાનો પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સર્સ તથા દેશ-વિદેશના બિઝનેસમેન ઉપસ્થિત રહેશે.

સેશન-૨માં વિવેક બિન્દ્રા (બિઝનેસ કોસચ)નું વ્યાખ્યાન બપોરે ૧.૩૦થી ૨.૩૦ દરમિયાન થશે. ત્યારબાદ સફળતાના સૂત્રો જયંતીભાઈ પટેલ(મેઘમણી ગ્રૂપ) અને ગોવિંદભાઈ ધોળકિયા(રામકૃષ્ણ એક્સપોર્ટ) દ્વારા રજૂ થશે.

સેશન-૪માં પ્રખર વક્તા કુમાર વિશ્વાસ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૫માં સાંજે ૪.૩૦ વાગ્યાથી ‘પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ’ અપાશે. સવજીભાઈ ધોળકિયા, પ્રખર વક્તા જય વસાવડા ઉપસ્થિત રહેશે.

જ્યારે સેશન-૬માં સ્ત્રી-સશક્તિકરણ અંગે કાઝલ ઓઝા-વૈદ્ય પોતાના વિચારો  રજૂ કરશે.

બીજા દિવસની ઇવેન્ટ્સ

સમિટના બીજા દિવસે તા.૪ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સેશન-૭ બિઝનેસમાં ચેતન ભગત પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૮માં ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અંગે જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૯ બિઝનેસમાં ડિસિપ્લિન અંગે પેનલ ડિસ્ક્શન થશે.

સેશન-૧૦માં અસરકારક બ્રાન્ડ બિલ્ડિંગ અંગે ડિસ્કશન થશે. જ્યારે સેશન-૧૧માં એગ્રિકલ્ચરમાં ઇનોવેશન અંગે તજજ્ઞો ગોપાલ સુતરિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૧૨ અંતર્ગત સાંજે ૫.૩૦ વાગ્યાથી સમાપન સમારોહ યોજાશે.જ્યારે એક્ઝિબિશન તા.૫મી જાન્યુઆરીના રોજ ખુલ્લું રહેશે. 

400 કરોડ ફંડ એકઠું કરવાનું ધ્યેય

GPBS 2020 અંતર્ગત પ્રથમ દિવસે, તા.૩ જાન્યુઆરીએ એક વિશેષ રિબિન-કટિંગ સમારોહનું આયોજન થશે. જેનો હેતુ “એકતાથી સમૃદ્ધિ તરફ”ના અનુસંધાનમાં રહેશે. જે અંતર્ગત 1000 પ્રદર્શકો એક સાથે 1000 ફૂટ લાંબી રિબિન કાપીને સમિટની શરૂઆત કરશે. આ સમિટની અન્ય વિશેષતા ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ હશે.  જે યુવા ઉદ્યોગસાહસિકોને રોકાણકારો સાથે જોડાવા એક અદ્વિતીય તક પુરી પાડશે. ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ દ્વારા પસંદ પામેલ 50 બિઝનેસ મોડેલ્સનું ~ 400 કરોડ ફંડ એકઠું કરવાના ધ્યેય સાથે પ્રદર્શન કરાશે. 


સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે નવનિર્મિત સરદારધામ, વૈષ્ણોદેવી સર્કલ, એસ.જી.હાઈવે ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૫૦ ફૂટની ૧૭,૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાનું અનાવરણવિધિ 
તા.૩ જાન્યુઆરીના રોજ સવારે ૮.૩૦ વાગ્યે થશે. અનાવરણ વિધિ પ્રતિમાના દાતા રણછોડભાઈ જોઇતારામ પટેલ પરિવાર(રણજિત બિલ્ડકોન) તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સરર્સની ઉપસ્થિતિમાં યોજાશે.