સુરતીઓની દુનિયા Archives - CIA Live

January 20, 2020
jain.jpg
1min90

આગામી તા.1લી ફેબ્રુઆરી 2020ના રોજ સૂરતના 100 જૈન મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરીને સંસારનો ત્યાગ કરશે. સૂરત શહેરમાં 3 અલગ અલગ કાર્યક્રમ અંતર્ગત આ દીક્ષા સમારોહ યોજવા જઈ રહ્યો છે. જે પૈકી સૌથી મોટો સમારોહ સુરતના વેસુ ખાતે યોજાશે.

અંદાજીત 75 જેટલા દીક્ષાર્થીઓ વેસુ ખાતે યોજાનાર ભવ્ય દીક્ષા સમારોહમાં જૈન સાધુ અને સાધ્વી તરીકે દીક્ષા લેશે. જૈન મુની વિજય શ્રેયાંશપ્રભસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા લેશે. જે માટે 71 મુમુક્ષુના દીક્ષા મુહૂર્ત પણ નક્કી કરી દેવાયા છે. અન્ય બે દીક્ષા ગ્રહણ કાર્યક્રમો તા.1લી ફેબ્રુઆરી 2020ના રોજ સૂરતના અડાજણ અને પાલમાં યોજાશે.

આ દીક્ષા સમારોહમાં ભાગ લેવા માટે દેશભરમાંથી દીક્ષાર્થીઓ આવશે. જેમાં કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા શહેરોનો સમાવેળ થાય છે.

દીક્ષા ઉત્સવ સમિતિના નરેશ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુઓને દીક્ષા વિજય શ્રેયાંશ પ્રભસુરીશ્વરજી મહારાજ, તપોરત્નસુરિશ્વરજી મહારાજ અને કલ્યાણરત્નસુરીશ્વરજી મહારાજ દ્વારા આપવામાં આવશે.

દીક્ષા સમારોહના એક દિવસ પહેલા મુમુક્ષુઓની વર્ષદાન યાત્રા વરઘોડો કાઢવામાં આવશે.

આજ દિવસે સુરતના પાલમાં 20 દીક્ષાર્થીઓ સમસ્ત શ્રી વાવપંથક શ્વેતાંબર મૂર્તી પૂજક જૈન સંઘ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઓમકાર નગરી ખાતે દીક્ષા ગ્રહણ કરશે. જ્યારે અન્ય 5 દીક્ષાર્થી ગુરુરક પાવન ભુમી ખાતે આયોજીત એક સમારોહમાં દીક્ષા ગ્રહણ કરશે.

January 11, 2020
civil1-1280x960.jpg
4min2950

મજૂરાગેટ મેડીકલ કોલેજ કેમ્પસમાં આજે (શનિ) અને કાલે (રવિ) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન

સૂરતની સરકારી મેડીકલ કોલેજમાંથી તબીબ બનીને સૂરત, ગુજરાત, ભારત અને વિદેશોમાં સ્થાયી થયેલા તબીબો આ કોલેજ પ્રત્યેનું ઋુણ અદા કરવા માટે આજરોજ તા.11 અને 12ના રોજ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ સૂરત સરકારી મેડીકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા 6ઠ્ઠો મિલન સમારોહ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે તબીબોએ સહયોગ કરીને નવી સિવિલ હોસ્પિટલમાં હાલ અભ્યાસ કરી રહેલા અને ભવિષ્યમાં આવનારા વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સહઅભ્યાસિક તેમજ સ્પોર્ટસ એક્ટિવિટીનું અદ્યનતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે તે માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. તબીબોએ સ્વભંડોળથી વોલીબોલ ગ્રાઉન્ડ તેમજ અન્ય ફેસેલિટી વિકસાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે અને તેનું પ્રથમ સોપાન આજરોજ તા.11મી જાન્યુઆરી 2020ના રોજ સાકાર થઇ રહ્યું છે.

સરકારી મેડીકલ કોલેજોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા વોલીબોલ ગ્રાઉન્ડને વિદ્યાર્થીઓને સમર્પિત કરવાનો કાર્યક્રમ યોજાય રહ્યો છે. આ પ્રસંગે સૂરત ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ એલ્યુમ્નાય એસોસીએશનના 6ઠ્ઠા મિલન સમારોહમાં રાજ્યના હેલ્થ કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે ખાસ આવી રહ્યા છે અને તેમના હસ્તે જ ઉદઘાટન કરાવવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મેડીકલ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી આર.એન. દિક્ષિત, ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વર્તમાન ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ સમેત શહેરના અનેક ગણ્યમાન્ય તબીબો ઉપસ્થિત રહેશે.

રાજ્યના મેડીકલ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી આર.એન. દિક્ષીતે સૂરત સરકારી મેડીકલ કોલેજ કેમ્પસમાં વિકસાવાઇ રહેલા સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાત લીધી હતી

તબીબ તરીકેની વ્યવસાયિક કારકિર્દી જેના થકી બની છે એ સૂરતની મેડીકલ કોલેજ પ્રત્યે પોતાનું ઋુણ અદા કરવા માટે તબીબોએ જ પોતાની યથાશક્તિ ફંડિંગ કરીને મેડીકલ કોલેજ કેમ્પસમાં વોલીબોલ, બાસ્કેટબોલ, લોન ટેનિસ વગેરે સુવિધાઓસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે બીડું ઝડપ્યું છે.

તન, મન, ધનથી સહયોગ કરનારા તબીબો

વિશેષ સહયોગ

સૂરત મેડીકલ કોલેજ કેમ્પસમાં સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલના તબીબો સમક્ષ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ડો. વિનોદ શાહે ટહેલ નાંખી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર પ્રતિસાદ આપીને ખાસ્સું ભંડોળ એકત્રિત કરી આપ્યું હતું. અહીં વિશેષ સહયોગ આપનારા તબીબોને આવરી લેવાયા છે.

 • ડો. બક્ષી (વલસાડ) પોતે પણ સહયોગ આપ્યો અને બિલખીયા ગ્રુપ પાસેથી પણ અપાવ્યો
 • ડો. મનીષ પટેલ (શિવજ્યોતિ હોસ્પિટલ)
 • ડો. નિર્મલ ચોરારીયા (નિર્મલ હોસ્પિટલ, સૂરત)
 • ડો. વિષ્ણું પટેલ (આકાશ હોસ્પિટલ, વિસનગર)
 • ડો.ગૌતમ વ્યાસ (મમતા હોસ્પિટલ, બારડોલી)
 • ડો.બિનોદીનીબેન ચૌહાણ (સિનિયર મોસ્ટ ફિટલ મેડીસીન કન્સલ્ટન્ટ)

ખડે પગે સેવા બજાવી રહ્યા છે

 • ડો. નિમેષ દેસાઇ (પિડીયાટ્રીશન) સૂરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.
 • ડો. ચેતન પટેલ (માહી હોસ્પિટલ)
 • ડો. ફિરોઝખાન
 • ડો. કેતન જાગીરદાર
 • ડો. રોનક નાગોરીયા

રજિસ્ટ્રેશન એન્ડ કમ્યુનિકેશન

 • ડો. મીતા પાસવાલા
 • ડો. વિપુલ ચૌધરી (સેનેટ મેમ્બર, વી.એન.એસ.જી.યુ.)
 • ડો. કે.એન. ભટ્ટ (સેનેટ મેમ્બર, વી.એન.એસ.જી.યુ.)
 • ડો. નટુ પટેલ (સ્મીમેર)
 • ડો. હીરલ શાહ

ફેશન શૉ એન્ડ પ્રોગ્રામ મટિરીયલાઇઝેશન

 • ડો. દિપ્તીબેન પટેલ (લવ એન્ડ કેર હોસ્પિટલ)
 • ડો.રાજીવ પ્રધાન (મિશન હોસ્પિટલ)
 • ડો.દિવ્યાંગ ભટ્ટ (સર્જન)
 • ડો. પ્રશાંત નાયક (આભા ક્લીનીક)
 • ડો. પરાગ પરીખ (ઓર્થોપેડીક)
 • ડો. આભા પરીખ ( ઇ.એન.ટી.)
 • ડો. અનિલ પટેલ (ઉર્વી આઇ હોસ્પિટલ)

પોતાની સેવાઓ બદલ આ તબીબોનું જાહેર અભિવાદન કરાશે

 • ડો. વાય.બી. મહેતા
 • ડો.ગીતાબેન અગ્રવાલ
 • ડો.એસ.કે. બાજપાઇ
 • ડો.પ્રહલાદ રાય
 • ડો.એમ.કે. વાડેલ
 • ડો.જયમીન કોન્ટ્રાક્ટર
 • ડો.ગણેશ ગોવેકર
 • ડો.વિકાસબેન દેસાઇ
 • ડો.જયેશ બ્રહ્મભટ્ટ
 • ડો.પ્રીતિ કાપડીયા
 • ડો.ઋુતંભરા મહેતા
 • ડો. વંદના મહેતા

આ તબીબોએ પડદા પાછળ રહીને દરેક કાર્યક્રમોને આકાર આપ્યો

 • ડો. વિનોદ શાહ
 • ડો.ધનેશ વૈદ્ય
 • ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ
 • ડો.મહેન્દ્ર ચૌધરી
 • ડો.વિનેશ શાહ
 • ડો.લાલવાણી
 • ડો.નીતિન ગર્ગ
 • ડો.ગૌતમ રાવલ
 • ડો.દિપક પટેલ

અજાણતામાં કોઇનું નામ રહી ગયું હોય તો સી.આઇ.એ. લાઇવને જાણ કરવા વિનંતી

આ પ્રોગ્રામ સંદર્ભે સી.આઇ.એ. લાઇવને જે જાણકારી મળી છે એ અહીં પ્રસ્તુત કરી છે. શરતચૂકથી કે અજાણતામાં કોઇ તબીબનું નામ રહી ગયું હોય તો સી.આઇ.એ. લાઇવને જાણ કરશો જેથી તેમનો સમાવેશ કરી શકાય.

જેમણે હજુ પણ સહયોગ કરવો હોય તો ડો.વિનોદ શાહનો સંપર્ક કરવો

સૂરતની સરકારી મેડીકલ કોલેજમાં તબીબો માટે જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે અન્ય સુવિધાઓ વિકસાવવા માટેના પ્લાનમાં હજુ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી તન, મન, ધનનો સહકાર અપેક્ષિત છે. જે કોઇ તબીબો (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ) એ સહકાર આપવો હોય તે તેમને ડો વિનોદભાઇ શાહનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. વધુમાં વિદેશમાં સ્થાયી થયેલા તબીબો સહયાગ કરવા ઇચ્છે છે, આ માટે સત્તાવાર રીતે તેમનો સહયોગ સ્વીકારી શકાય એ સંદર્ભે પ્રોસીજર શરૂ કરવામાં આવી છે. તેમને પણ સહયોગ કરવા માટેની તક ઝડપભેર મળી શકશે.

January 5, 2020
manav.jpg
1min240

સુરતના હરમીત દેસાઈ બાદ હવે માનવ ઠક્કર ટેબલ ટેનિસની અન્ડર-૨૧ કૅટેગરીનો દુનિયાનો નંબર-વન ખેલાડી બન્યો છે, જેની જાહેરાત ખુદ ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશને કરી છે. અત્યાર સુધી માનવ રૅન્કિંગ્સમાં બીજા ક્રમે હતો, પણ નવા જાહેર થયેલા રૅન્કિંગ્સમાં તેણે ચાઇનીઝ તાઇપેઇના લી સિન યાંગને પાછળ ધકેલીને ટોચનો ક્રમ હાંસલ કરી લીધો છે.

૧૯ વર્ષનો માનવ ઠક્કર મૂળ સુરતનો છે. હાલમાં તે ટ્રેઇનિંગમાં હોવાથી તેની સાથે વાત થઈ શકી નહોતી, પરતું અમે તેના પપ્પા ડૉ. વિકાસ ઠક્કર સાથે વાત કરી હતી. ડૉ. વિકાસ કહે છે, ‘હું અને મારી પત્ની બન્ને ટેબલ ટેનિસ રમતાં હતાં, જેથી માનવ પણ શીખ્યો હતો. તે જ્યારે સાડાપાંચ વર્ષનો હતો ત્યારે અમે તેને પહેલી વખત ટેબલ ટેનિસનું રૅકેટ આપ્યું હતું. અમારા ઘરમાં જ ટેબલ હોવાથી શરૂઆતના ૬ મહિના તે ઘરે જ રમ્યો. એ સમય દરમ્યાન તેની ઝડપ અને શીખવાની ધગસ જોયા બાદ અમે તેને સુરતના એક પ્રાઇવેટ કોચિંગ સેન્ટરમાં મૂક્યો હતો, જ્યાં તે પાંચમા ધોરણમાં હતો ત્યાં સુધી શીખ્યો. આ સમય દરમ્યાન તેણે જિલ્લા સ્તરે રમવાનું પણ શરૂ કરી દીધું હતું. તેનામાં ટેબલ ટેનિસ પ્રત્યેનો લગાવ જોઈતે અમે તે છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે અજમેરની ઍકૅડેમીમાં મૂક્યો હતો, જ્યાં ઇન્ટરનૅશનલ કોચ ટ્રેઇનિંગ આપતા હતા. ત્યાં તે બારમા ધોરણ સુધી ભણ્યો. હાલમાં તે એફવાયબીએના બીજા વર્ષમાં છે અને તેણે મેન્સની તમામ કૅટેગરીમાં નંબર-વન હાંસલ કર્યો છે. અત્યારે તે ભારતીય ટેબલ ટેનિસ ટીમનો સભ્ય છે.’
 મહત્ત્વનું છે કે ૨૦૧૮માં માનવે અન્ડર-૧૮માં વર્લ્ડ નંબર-વનનો ખિતાબ હાંસલ કર્યો હતો. તેની રમત સતત સુધરી રહી હતી, પરતું એમ છતાં ડિસેમ્બરમાં તેનું રૅન્કિંગ્સ બગડ્યું હતું. ત્રીજા નંબર પરથી તે સીધો દસમા નંબર પર આવી ગયો હતો. જોકે તેનું ૨૦૧૯નું પ્રદર્શન ખૂબ સરસ હતું.

January 3, 2020
sgccisitme-1280x853.jpg
2min350

વિશ્વની સૌથી બેસ્ટ ફેબ્રિક પ્રિન્ટીંગ મશીનરીના માંધાતાઓ સૂરતમાં, સ્થાનિક ઉદ્યોગમાં વિપુલ તકો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલ મંદીનો માહોલ છે. સૂરતની ઇકોનોમી જેના થકી ચાલી રહી છે એ ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ જોઇએ એવો માહોલ નથી. આવી સ્થિતિમાં સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આજથી શરૂ થયેલો સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સુરત એમ્બોરઇડરી એસોસીએશન આયોજિત સીટમે 2020 એક્ષ્પો ટેક્ષટાઇલ વેલ્યુ એડિશન ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા અનેક લોકોનું જીવન બદલી નાંખશે.

ચેમ્બર અને સૂરત એમ્બ્રોઇડરી એસોસીએશન આયોજિત સીટમે એક્ષ્પોમાં વિશ્વભરમાં એમ્બ્રોઇડરી ક્ષેત્રે તેમજ ડિજિટલ પ્રિન્ટીંગ ક્ષેત્રે જે કંપનીઓ ખ્યાતનામ છે એ ચાઇનીઝ કંપનીના માંધાતાઓ હાલ સૂરત આવ્યા છે. આજે સીટમે એક્ષ્પોના ઉદઘાટનમાં તમામને નિમંત્રિત કરવામાં આવ્યા છે. જે રીતે સીટમે એક્ષ્પોના ત્રણ દિવસ માટે વિશ્વની ખ્યાતનામ કંપનીઓની આખેઆખી ટીમો સૂરત આવી છે એ જોતા સ્પષ્ટ જણાય આવે છે કે સૂરતમાં એમ્બ્રોઇડરી તેમજ ડિજિટલ પ્રિન્ટીંગ ઉદ્યોગ માટેની વિપુલ તકો રહેલી છે.

આજથી તા.5મી જાન્યુઆરી સુધી યોજાઇ રહેલા સીટમે એક્ષ્પોમાં એબ્રોઇડરી, ડિજિટલ પ્રિન્ટીંગ તેમજ ફેબ્રિકમાં વેલ્યુ એડિશન માટે જે પ્રકારે અધતન મશીનરી પ્રદર્શનમાં મૂકવામાં આવી છે એ આ ઇન્ડસ્ટ્રઝને બળ આપનારી નિવડશે. ક્ષમતા, સ્પીડ, ટેક્નોલોજી, લૉકોસ્ટ આ બધી બાબતો નવી મશીનરી તરફ સ્થાનિક ઉદ્યોગકારોને આકર્ષિત કરી રહી છે.

ચેમ્બરના સીટમે એક્ષ્પોમાં જે રીતે વિશ્વની સૌથી બેસ્ટ પ્રિન્ટીંગ મશીનરી, ડિજીટલ પ્રિન્ટ મશીનરીના ઉત્પાદકો સૂરત આવ્યા છે એ જોતા એવું જણાય છે કે સૂરતનો કાપડ ઉદ્યોગ નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે. સીટમે એક્ષ્પોમાં પ્રદર્શિત મશીનરીઓ સ્થાનિક કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકો અને તેમના પરિવારોનું જીવન ધોરણ નવી ઉંચાઇએ લઇ જશે એમાં બે મત નથી.

ફેબ્રિક પર એબ્રોઇડરી અને ડિજિટલ પ્રિન્ટીંગ એ વેલ્યુ એડિશન ગણાય છે, થોડા મહિનાઓ પૂર્વે સુધી એબ્રોઇડરી અને ડિજિટલ પ્રિન્ટીંગને સાઇડ બિઝનેસ ગણાતો પરંતુ, હવે વેલ્યુ એડિશન ક્ષેત્ર પણ મેઇન બિઝનેસ બની ચૂક્યો છે એની પ્રતીતિ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સૌપ્રથમ વખત આયોજિત સીટમે એક્ષ્પોના પહેલા દિવસે મળેલા જંગી પ્રતિસાદ પરથી થઇને રહે છે.

સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૦’નું તા.3જી જાન્યુઆરી 2020ના રોજ બપોરે ૧રઃ૦૦ કલાકે કરવામાં આવ્યુ હતુ.

સમારોહમાં ચાઇના અને કોરીયાની વિવિધ કંપનીથી પધારેલા હોદ્દેદારો શ્રી વાન્ગ, શ્રી પીન્ગ, શ્રી ચેન, શ્રી સની લુ અને શ્રી રુ શુકીન્ગે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યુ હતુ. દીપ પ્રાગટયવિધી સાથે સમારોહની શરૂઆત થઇ હતી.

ફેબ્રિક વેલ્યુ એડિશન સૂરતની ઓળખ બનશે : ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇ

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સર્વેને નવા વર્ષની શુભેચ્છા પાઠવી પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, ટેક્ષ્ટાઇલમાં હાઇસ્પીડ મશીનરી થકી ઉત્પાદીત થતુ કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે. જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સુરત એમએસએમઇનું હબ છે ત્યારે આગામી દિવસોમાં ટેક્ષ્ટાઇલમાં વેલ્યુ એડીશન કરવાનું છે. ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રીયલ ફેબ્રિકની ઓળખ થશે. ભવિષ્યમાં ડિજીટલ પ્રિન્ટીંગની ડિમાન્ડ રહેશે. આ પ્રદર્શનથી ઇન્ડસ્ટ્રીને નવી દિશા મળશે. પ્રદર્શનમાં પ્રથમ દિવસથી જ બાયર્સનો ખૂબ જ મોટી સંખ્યામાં ધસારો જોવા મળી રહયો છે.

સૂરત બ્રાન્ડને પ્રમોટ કરવામાં એમ્બ્રોઇડરીનું મોટું યોગદાન : દેવેશ પટેલ

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, ટેક્ષ્ટાઇલમાં સુરતની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે એમ્બ્રોઇડરીનું મોટુ યોગદાન છે. એમ્બ્રોઇડરી રજવાડાના સમયથી આજ સુધી આગવું સ્થાન ધરાવે છે. હવે એમ્બ્રોઇડરીમાં નવી ટેકનોલોજી આવી રહી છે. જેથી સુરતની ઇન્ડસ્ટ્રીને વેગ મળશે.

સૂરત એમ્બ્રોઇડરી ક્ષેત્રનું હબ બની ચૂક્યું છે : સંદીપ દુગ્ગલ, પ્રમુખ એમ્બ્રોઇડરી એસોસીએશન

સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ શ્રી સંદીપ દુગ્ગલે જણાવ્યુ હતુ કે, સુરતમાં વર્ષ ર૦૦૧થી એમ્બ્રોઇડરી મશીનરીનો સિનારીયો જોવા મળી રહયો છે. દર વર્ષે પાંચ હજાર જેટલા નવા મશીનો સુરતમાં આવી રહયા છે ત્યારે હાલ આશરે સવા લાખથી દોઢ લાખ સુધી એમ્બ્રોઇડરી મશીન ધમધમી રહયાં છે. દેશમાં સૌથી વધુ સુરતનો જીડીપી ગ્રોથ ૯.૧૭ ટકા છે. એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રી આ ગ્રોથને હજી આગળ વધારવા માટે પ્રયાસ કરશે.

અતિથિ વિશેષ શ્રી સની લુએ જણાવ્યુ હતુ કે, બિઝનેસ માટે છેલ્લા વીસ વર્ષથી સુરત આવી રહયો છુ. વિશ્વભરમાં સૌથી લેટેસ્ટ એમ્બ્રોઇડરી મશીનરીનું માર્કેટ સુરત બની ગયુ છે. એમ્બ્રોઈડરીની મોટાભાગની મશીનરી સુરતમાં જોવા મળી રહી છે. સુપર હાઇસ્પીડ અને સુપર કવોલિટીવાળી મશીનરી સુરતમાં છે. તેમણે એકઝીબીશનને સફળતા મળે તેવી આશા વ્યકત કરી હતી.

શ્રી રુ શુકીન્ગે જણાવ્યુ હતુ કે, સુરત ભારતનું એકમાત્ર એમ્બ્રોઇડરી મશીનનું મોટું માર્કેટ છે. હુ ચોથી વખત સુરત આવ્યો છુ. દર વખતે સુરતમાં નવો બદલાવ જોવા મળી રહયો છે. સુરત કલીન અને સુંદર ઇન્ડસ્ટ્રીવાળુ શહેર બની ગયુ છે. વિશ્વ માટે સુરત મહત્વનું માર્કેટ છે. આખા વિશ્વની નજર હવે સુરત ઉપર છે. છેલ્લા દસ વર્ષથી એમ્બ્રોઇડરી મશીનરીમાં સારી સર્વિસ લઇ રહયો છુ. ઇન્ડસ્ટ્રીને સારો બિઝનેસ અહીંથી મળી રહયો છે. એમ્બ્રોઇડરીમાં હવે નવી ટેકનોલોજી અને નવી પ્રોડકટ જોવા મળી રહી છે. વર્ષ ર૦ર૦માં ચોકકસ જ સારો બિઝનેસ મળી રહેશે.

ટેક્ષ્ટાઇલ મશીનરીનું હબ બનાવવાની દિશામાં પ્રયાસો : દિનેશ નાવડીયા

સમારોહને અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતુ કે, એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીને કારણે પણ સુરતમાં રોજગારીની તક ઉભી થઇ છે. આ ઇન્ડસ્ટ્રીમાં નવી ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે અને માર્કેટમાં સારી પ્રોડકટ મળી રહી છે. ચેમ્બર સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવાની દિશામાં પણ પ્રયાસ કરી રહી છે તેમ જણાવી તેમણે સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયુ હતુ.

January 2, 2020
sitme.jpg
1min520

ફેબ્રિક પર વેલ્યુ એડિશન હવે સાઇડ બિઝનેસ રહ્યો નથી : SGCCI & SEA આયોજિત એક્ષ્પો SITME

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ૩/૧/ર૦ર૦ થી પ/૧/ર૦ર૦ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૦’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝને લગતી એમ્બ્રોઇડરી, ડિજીટલ પ્રિન્ટીંગ/ઇન્ક, નોન વુવન, સકર્યુલર નિટીંગ, સુઇન્ગ, લેસર, સ્પેરપાર્ટ્‌સ અને થ્રેડ્‌સ/જરી મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બર પ્રમુખ શ્રી કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત, ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવાની દિશામાં પણ ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. થોડા દિવસો પહેલાં જ ચેમ્બરના પ્રતિનિધિ મંડળે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા માટે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનશ્રીને વિનંતિ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘સીટમે’ના આયોજનમાં ચેમ્બરની સાથે સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન પણ જોડાયુ છે. પ્રદર્શનના આયોજનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગની સાથે સંકળાયેલા લોકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે કારણ કે તેનાથી સુરતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે. આ પ્રદર્શન માટે ચેમ્બર અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.

Picture of the Press Conference held at SGCCI on 1 January for SITME 2020

પ્રમુખશ્રીએ વધુમાં કહયુ હતુ કે, સીટમે પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવારે તા. ૩/૧/ર૦ર૦ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.

સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ શ્રી સંદીપ દુગ્ગલે જણાવ્યુ હતુ કે, ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રાજય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરી રહી છે. આથી ચેમ્બરની સાથે મળીને આ એકઝીબીશન યોજવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. સુરતમાં પ્રથમ વખત આટલા મોટાપાયે ટેક્ષ્ટાઇલ મશીનરી એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ટેક્ષ્ટાઇલની અત્યાધુનિક મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવશે. મોટાભાગે ચાઇના અને કોરીયન કંપની દ્વારા બનાવવામાં આવેલી મશીનરી આ પ્રદર્શનમાં જોવા મળશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આ એકઝીબીશનથી સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓના જુના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે. ડિજીટલ પ્રિન્ટીંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડીશન કરી વેપારીઓ કાપડમાં સારુ માર્જીન મેળવી શકશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થશે. આ એકઝીબીશનથી ટેક્ષ્ટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે.

ચેમ્બરના એકઝીબીશન સેલ હેડ શ્રી દેવેશ પટેલે એકઝીબીશન વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, સરસાણા ખાતે ૧ લાખ રપ હજાર સ્કવેર ફૂટ એરીયામાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરત અને અમદાવાદના ૬૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. દેશની ૩ર જેટલી મોટી બ્રાન્ડ દ્વારા આ એકઝીબીશનમાં પોતાનો સ્ટોલ મુકવામાં આવ્યો છે. પ્રદર્શનને સફળ બનાવવા માટે સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કર્યો છે. વોટ્‌સઅપના માધ્યમ દ્વારા છેલ્લા ચાર મહિનાથી ખૂબ એગ્રેસિવ માર્કેટીંગ કરવામાં આવ્યુ હતુ. જેના પરીણામે ભારતભરમાંથી મોટી સંખ્યામાં બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.

આ એકઝીબીશન શુક્રવાર તા. ૩ જાન્યુઆરીથી સોમવાર તા. પ જાન્યુઆરી ર૦ર૦ દરમિયાન સવારે ૧૧:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

December 30, 2019
31st.jpg
1min230

૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીની આડમાં દારૂ પીને છાકટા થતાં દારૂડીયાઓ સામે ગુજરાતના મોટા શહેરો જેવા કે સૂરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરે શહેરોમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખવાય એ માટે નાગરીક સુરક્ષાને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સૂરતમાં દારૂડીયાઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. રેવ પાર્ટીઓ અને નાકોર્ટિક્સ પર ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ક્રાઈમ ખાસ નજર રાખશે.

થર્ટીફર્સ્ટની ઉજવણી અઠવાલાઇન્સ, ડુમસ રોડ. વી.આઇ.પી. રોડ, ગૌરવપથ, અડાજણ રોડ, પાલ, સિટીલાઇટ, યુનિવર્સિટી રોડ વગેરે મેઇન રોડ પર તેમજ ડુમસ કાંઠા વિસ્તાર, ઓલપાડ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસોમાં શોખીનો ભેગા થઇને પાર્ટી કરવાનો રિવાજ છે. થર્ટી ફર્સ્ટની સાંજથી જ અનેક રોડને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

સ્થાનિક પોલીસ દ્વારા ભીડવાળા વિસ્તારમાં અને ઉજવણીના જગ્યાએ ‘મે આઈ હેલ્પ યૂ’ના કિઓસ્ક ઊભા કરવામાં આવશે. ૧૦૦૦ સીસીટીવી કૅમેરાથી તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. સ્થાનિક પોલીસ સ્ટેશનના વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. પોલીસ કંટ્રોલરૂમમાંથી સતત ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. હોક બાઈક, ૮૫ જેટલી પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરશે.

મહલિા ક્રાઈમ બ્રાન્ચ અને ૫૨ ખાસ ટીમો પણ ખાનગી કપડામાં પાર્ટીઓ અને ભીડવાળા વિસ્તારમાં બંદોબસ્તમાં રહેશે. ૩૦૦ જેટલા બ્રેથ એનેલાઈઝર દ્વારા પોલીસ લોકોનું ચેકિંગ કરશે. ૩૧ જેટલી પાર્ટીઓ માટે પાર્ટી પ્લોટ અને ક્લબના માલિકો દ્વારા અરજી આવી છે જેની પરમિશન આપવામાં આવી છે. મંજૂરી પાર્ટી પ્લોટના માલિકોએ પોલીસની તમામ શરતોનું પાલન કરી આયોજન કરવાનું રહેશે. પાર્કિંગને લઈ પણ તકેદારી રાખવાની રહેશે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં રાતે ૧૦ વાગ્યા સુધી જ પાર્ટી અને માઇક વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.

December 29, 2019
IMG-20191229-WA0002.jpg
1min1820

ટેકસ્ટાઇલ ઉદ્યોગનું કલંક : કૂમળા હાથે કાળી મજૂરી કરાવવાનું કૌભાંડ સૂરતના પૂણાથી પકડાયું

સૂરતમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સૂરતના પૂણા વિસ્તારમાં દિલ્હી અને સૂરત પોલીસ બેડાના આઇ.બી. ડિપાર્ટમેન્ટ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળમજૂરી માટે ગોંધી રાખવામાં આવેલા 135 જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા હતા. દિલ્હીના એક એન.જી.ઓ. જેનું નામ બચપન છે, એની ચોક્કસ બાતમીના આધારે દિલ્હી અને રાજસ્થાન પોલીસની ટીમો સૂરત આવી પહોંચી હતી અને બાળકોને બચાવવાનું અભિયાન હાથ ધરીને એક મસમોટા રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો. સવારે પાંચ વાગ્યાના અરસામાં બહુલ સૌરાષ્ટ્રવાસી વસતિ ધરાવતા સૂરત શહેરના પૂણા વિસ્તારમાં પોલીસને જોઇને લોકોમાં કંઇક અજુગતું થયાની ભીંતી પ્રવર્તી રહી હતી. જોકે, અફવાઓ ઉડે એ પહેલા સોશ્યલ મિડીયામાં માનવ તસ્કરી અંગેના સમાચારો વહેતા થયા હતા.

રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 135થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાડીઓમાં વેલ્યુ એડિશન માટે બાળમજૂરો સૌથી સસ્તા લેબર

Symbolic Photo

સૂરતમાં ફૂલીફાલી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ સાડીઓ પર વેલ્યુ એડિશન કરાવવા માટે જરદોષી વર્ક, આર્ટીકલ સ્ટીચીંગ વગેરે કરાવવાનો ટ્રેન્ડ છે જેથી સાડીની કિંમત બેથી ત્રણ ઘણી વધી જાય છે. આ કામ માટે પ્રોફેશનલ કારીગરોનો ચાર્જ પણ તોતિંગ હોય છે એટલે કેટલાક જોબવર્કર્સ દ્વારા બાળમજૂરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળમજૂરો પાસે ટેક્સટાઇલમાં ખાસ કરીને સાડી અને ડ્રેસ મટિરીયલ પર વર્ક કરાવવામાં આવે છે. સાડીની વેલ્યુ વધારવા માટે ઓછા લેબર ચૂકવવા માટે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. આ બાળકોને દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાંથી બાળમજૂરી માટે લવાયા હોવાનું કહેવાય છે.

સૂરતના પૂણા વિસ્તારમાંથી વહેલી સવારે દિલ્હી, રાજસ્થાન અને સૂરત પોલીસે હાથ સવાસો જેટલા બાળકોને છોડાવવાની ઘટના સાથે જ માનવ તસ્કરી રેકેટનો સૌથી મોટા રેકેટનો પણ પર્દાફાશ થયો છે.

સુરતના પુણા વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ દરોડામાં સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમો પણ સાથે હતી.

સ્થાનિક લેબર વિભાગની જવાબદારી ફિક્સ કરવાનો વખત

સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સમેત એવા અનેક ધંધા રોજગાર છે જ્યાં દેખિતી રીતે જ બાળકો પાસેથી કામ લેવામાં આવે છે. ઓછો પગાર આપીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાના પ્રથમદર્શી પુરાવાઓ જોવા જાણવા મળે છે આમ છતાં સૂરતના લેબર વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ વિભાગ સામે હવે જવાબદારી ફિક્સ કરવાનો વખત આવી ચૂક્યો છે.

December 27, 2019
sg1.jpg
3min2280

સાંસદોની ગેરહાજરીમાં પી.એમ. મોદીએ ચેમ્બરના પ્રતિનિધિઓને સાંભળ્યા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કેતન દેસાઇ અને દિનેશ નાવડીયાના નેતૃત્વવાળી વર્તમાન ટીમને આજરોજ તા.27મી ડિસેમ્બર 2019ના રોજ મોટી ઉપલબ્ધિ સાંપડી છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળની અપેક્ષા બહાર વડાપ્રધાન શ્રી મોદીએ તેમને ધીરગંભીરતાપૂર્વક સાંભળ્યા, પ્રશ્નો અને સૂરતની ચર્ચા કરી અને યોગ્ય પ્રતિસાદ આપ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ આપેલી માહિતી મુજબ આજે તા.27મી ડિસેમ્બરની સવારે 11.45 કલાકે તેઓ પી.એમ. હાઉસમાં કોન્ફરન્સ રૂમમાં પહોંચ્યા હતા. એ પછી વડાપ્રધાન શ્રી મોદીએ સૂરતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળને 20 મિનિટ સાંભળ્યા હતા. સૂરતના ઉદ્યોગો વતી થઇ રહેલી રજૂઆતોમાં પી.એમ.શ્રી મોદીએ કેટલાક સવાલો પણ કર્યા અને તેના સંતોષકારક ખુલાસા ચેમ્બરના પ્રતિનિધિમંડળે પણ કર્યા હતા. શ્રી મોદીએ સૂરતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ સાથે બિલકુલ ગુજરાતી ભાષામાં વાતચીત કરી હતી.

શ્રી મોદીનો રિસ્પોન્સ જોરદાર હતો એ વાતની પ્રતીતિ ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા વડાપ્રધાનની મુલાકાત બાદ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી સોશ્યલ મિડીયા એક્ટિવિટી પરથી થઇ રહી હતી.

ચેમ્બરના પ્રતિનિધિમંડળમાં આ લોકો સામેલ હતા

 • કેતન દેસાઇ પ્રેસિડેન્ટ
 • દિનેશ નાવડીયા વાઇસ પ્રેસિડેન્ટ
 • હેતલ મહેતા ઇમિડ્યેટ પાસ્ટ પ્રેસિડેન્ટ
 • પરેશભાઇ પટેલ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ
 • શૈલેષ દેસાઇ
 • દેવેશ પટેલ, એક્ઝિબિશન કમિટી કન્વીનર
 • ધિરેન થરનારી
 • અતુલ પાઠક
 • મૃણાલ શુક્લ
 • રાકેશ જૈન
 • હેમંત દેસાઇ
 • અમિત શાહ

નીચેનું લખાણ ચેમ્બરની ફેસબુક પોસ્ટ પરથી લેવાયેલું છે.

આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઈના નેજા હેઠળ ૧૨ જણાના પ્રતિનિધિ મંડળ કે જેમાં અન્ય હોદેદારો, ભૂતપૂર્વ પ્રમુખ અને ચેમ્બરના વિવિધ સેલ હેડે નવી દીલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. સુરત અને સાઉથ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં એરપોર્ટ, કાર્ગો, હજીરા પોર્ટ અને તેની સાથે રેલ્વેની કનેક્ટિવિટી તેમજ ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, એમ.એસ.એમ.ઈ, ફૂડ અને એગ્રિકલ્ચરના વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ચેમ્બરની વિવિધ પ્રવુત્તિ ઉપર ચર્ચા કરી ચેમ્બરમાં આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

સાંસદોની ગેરહાજરીમાં પી.એમ. મોદીએ ચેમ્બરના પ્રતિનિધિઓને સાંભળ્યા

જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સૂરતના કોઇ ઉદ્યોગપતિઓ ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ વડાપ્રધાન, નાણા પ્રધાન કે અન્ય કોઇ મંત્રીઓ કે અધિકારીઓને મળવા, રજૂઆત કરવા જાય ત્યારે તેમની સાથે દર્શના જરદોષ કે સી.આર. પાટીલ અવશ્ય હોય જ. આ એક ટ્રેડિશન કહો કે ટ્રેન્ડ સેટ થઇ ગયો હતો. સાંસદ વગર સૂરતના કોઇ મોટા માથા પી.એમ.ને મળી જ ન શકે તેવી સિસ્ટમ જાણે ગોઠવાય ગઇ હતી. એ આજે તૂટી હોવાનો આભાસ થયો છે. આજે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળ સાથે પી.એમ. શ્રી મોદીની વીસ મિનિટ સુધીની ચર્ચામાં ક્યાંય દર્શના જરદોષ કે સી.આર. પાટીલ પીક્ચરમાં દેખાયા કે ચર્ચાયા ન હતા.

ચેમ્બર ઓફ કોમર્સની સત્તાવાર અખબારી યાદી

ચેમ્બરની નવી દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત, ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરની વધુ સવલતો આપવા રજૂઆત સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇની આગેવાની હેઠળ અન્ય હોદ્દેદારો, સેલ હેડ તથા ભુતપુર્વ પ્રમુખશ્રી સહિત ૧ર જણાંના પ્રતિનિધી મંડળે તા. ર૭ ડિસેમ્બર ર૦૧૯ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. જીડીપી ગ્રોથમાં ભારતમાં સુરતનુ રહેલ અગ્રસ્થાન અને સરકારની વિવિધ સ્કીમના લાભને કારણે વેપારના વિકાસને મળેલ ગતિ વિશે ચેમ્બરે સૌપ્રથમ માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરી તેના વિકાસ માટે વિગતવાર ચર્ચા કરી હતી.

ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રજૂઆત….

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરત એરપોર્ટથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઇટો તેમજ કાર્ગોની ફેસિલીટીને વધારવા માટે રજૂઆત કરી કરવામાં આવી હતી. સુરતમાં હજીરા ખાતે અદાણી પોર્ટને વધારે ડેવલપ કરવા માટે સાયણથી કૃભકો સુધીની રેલવે લાઇનને અદાણી પોર્ટ સુધી લંબાવવાની માંગ કરવામાં આવી હતી. જેથી કરીને પોર્ટથી ઇમ્પોર્ટ–એક્ષ્પોર્ટ થતા કન્ટેનરોની અવરજવર વધી શકે. તદુપરાંત ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી ટેકનીકલ કારણોસર બંધ થઇ ગઇ છે તેને ફરીથી શરૂ કરાવી હજીરા સુધી લંબાવવા માટે રજૂઆત કરી હતી.

એમએસએમઇ ક્ષેત્રે રજૂઆત….

સુરત સહિત દક્ષિણ ગુજરાત એમએસએમઇનું હબ હોવાથી ઉદ્યોગોમાં એફીશિયન્સી, સ્કીલ, માઇન્ડસેટ અને એથીકલ બિઝનેસના અપગ્રેડેશન માટે લાંબી ચર્ચા થઇ હતી. ટેક્ષ્ટાઇલ માટે ખૂબ જ જરૂરી એવા કોમન ફેસિલીટી સેન્ટરો ઉભા થાય તેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. એમએસએમઇ ઉદ્યોગોને લેવલ પ્લેઈંગ ગ્રાઉન્ડ મળી રહે તેવી રજૂઆત કરી હતી. સાથે જ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા માટે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા વિનંતિ કરવામાં આવી હતી.

ડાયમંડ ક્ષેત્રે રજૂઆત….

ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઇનપુટ ટેક્ષ ક્રેડીટ અને લીકવીડીટીના પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં વેલ્યુ એડીશન માટે જવેલરી ઉદ્યોગને વધારે વિકસાવવા માટે સરકાર દ્વારા સહયોગ આપવામાં આવે તે વિશે રજૂઆત થઇ હતી. સુરતમાં લેબગ્રોન ડાયમંડ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે રજૂઆત….

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ અને પ્રોસેસિંગમાં લીકવીડીટી અને ક્રેડીટ રીફંડની પ્રોસેસ ઝડપથી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાવર ટેરીફના પ્રશ્ને પણ રજૂઆત થઇ હતી. સુરતના ફેબ્રિકના નિકાસ માટે વેલ્યુ એડીશન ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. સુરતનુ કાપડ વિશ્વની સ્પર્ધામાં ટકી રહે એ માટે પણ સરકાર દ્વારા જરૂરી પ્રયત્નો થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

વિવિધ ક્ષેત્રે રજૂઆત….

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના પ્રશ્ને તથા તેમના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત એકવા કલ્ચર, કેમિકલ અને રીયલ એસ્ટેટ સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.

ચેમ્બરના ‘દિવ્યાંગ એક્ષ્પો’ વિશે વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા….

ચેમ્બર દ્વારા એકસકલુઝીવ ‘દિવ્યાંગ એક્ષ્પો’ કરવાનું પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. આ અંગે માનનીય વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. દિવ્યાંગોના વિકાસ માટે તેમણે અંગત રસ દાખવ્યો હતો અને ચેમ્બરને કેટલાક સૂચનો પણ કર્યા હતા.

વડાપ્રધાનશ્રીને ચેમ્બરનું આમંત્રણ….

ચેમ્બરનું ફલેગશીપ એકઝીબીશન ‘ઉદ્યોગ’ જાન્યુઆરી ર૦ર૦માં યોજાશે. મે ર૦ર૦માં ચેમ્બરની વાર્ષિક સાધારણ સભા અને ઇન્સ્ટોલેશન સેરેમની યોજાશે. જયારે ડિસેમ્બર ર૦ર૦માં વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે. આ ત્રણ પ્રસંગોમાં પધારવા માટે માનનીય વડાપ્રધાનશ્રીને ચેમ્બર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જગજાગૃતિ માટે ચેમ્બર દ્વારા સરકારશ્રીને સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.

December 20, 2019
liquor.jpg
1min2940

સૂરત સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના કામમાં ધરબાયેલા કોઠાકબાડા

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ઠેકઠેકાણે કોન્ટ્રાક્ટ, ટેન્ડર અને કામો કરાવવામાં જે પ્રકારે ભ્રષ્ટ રીતરસમો અપનાવવામાં આવી રહી છે તેના કારણે સમગ્ર સૂરતનું નામ બદનામ થઇ રહ્યું છે. સૂરતની સિવિલ હોસ્પિટલમાં દારૂના (હેલ્થ પરમિટ) પરવાના માટે જરૂરી સિવિલ સુપરિટેન્ડન્ટના પ્રમાણપત્ર પર સહી સિક્કા કરી-કરાવી આપવાની આડમાં કેટલી તોતિંગ રકમનો ભ્રષ્ટાચાર છેલ્લા ત્રણ મહિનામાં આચરવામાં આવ્યો તેની સિલસિલાબદ્ધ વિગતો જેની સરકારમાં રજૂઆત કરવામાં આવી છે એ અંગેની વિગતો પ્રકાશમાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે નશાબંધી અને આબકારી વિભાગની નીતિમાં ફેરફારમાં દસેક મહિના જેટલો સમય લિકર પરમિટનું કામ બંધ રખાવ્યા બાદ ગત ઓગસ્ટ 2019થી નવી લિકર પરમિટ કાઢી આપવા તેમજ જૂની લિકર પરમિટ રિન્યુઅલની કાર્યવાહી ફરીથી શરૂ કરાવી હતી. સૂરતની વાત કરીએ તો સૂરતમાં નવેમ્બર 2019 સુધીમાં કહેવાય છે કે 1820 પરમિટ રિન્યુ કરી આપવામાં આવી જ્યારે 250 જેટલા અરજદારોને નવી લિકર પરમિટ ઇશ્યુ કરવામાં આવી.

હેલ્થ પરમિટ માટે સર્ટિફિકેટના રિન્યઅલના રૂ.1500 અને નવીના રૂ.2500નો ધારો પાડી દેવામાં આવ્યો હતો

સૂત્રો જણાવે છે કે સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા વચેટીયાઓએ લિકર હેલ્થ પરમિટ માટે જરૂરી સિવિલ સુપરિટેન્ડન્ટના તબીબી પ્રમાણપત્ર, ફાઇલ પ્રોસેસિંગ માટેના ભાવો બાંધી દીધા હતા એ મુજબ રિન્યુ પરમિટ માટે રૂ.1500 જ્યારે નવી પરમિટ માટે રૂ.2500 પ્રતિ અરજદાર ખંખેરી લેવામાં આવતા હતા. શોખીન સૂરતીઓ માટે ભલે આ રકમ નાની હોય. પણ જ્યારે આનો સરવાળો કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં કહેવાય છે કે રિન્યુ કરાયેલી 1820 પરમિટ માટે રૂ.27 લાખ 30 હજાર જ્યારે નવી પરમીટ પેટે રૂ.6 લાખ 25 હજાર મળીને રૂ.33.55 લાખ રૂપિયાનો મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ રૂપિયાની વહેંચણીમાં વચેટીયા ગણેશના કડીરૂપ વ્યક્તિના ઇશારે મોટી ગોલમાલ થઇ અને સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચતા આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને એ પછી સૂરતની સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના નામે ચાલતા કૌભાંડને ડામી દેવા માટે શ્રેણીબદ્ધ આવકારદાયક પગલાં ભરવાનો આરંભ કરવામાં આવ્યો હતો.

કડીરૂપ ગણેશ પરમિટ કહે નહીં ત્યાં સુધી રોગી કલ્યાણ સમિતિના સ્ટાફર રશીદો પણ ન ફાડતા

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ પરમિટ કે ગણેશ સાઇકલના નામથી જાણીતા એક કડીરૂપ વ્યક્તિને એટલો પાવર આપી દેવામાં આવ્યો હતો કે સિવિલ સુપરિટેન્ડન્ટની કચેરીમાં લિકર પરમિટના કામ માટે જતા અરજદારો કંઇપણ પૂછો તે કહેવાતું કે ગણેશને મળો, એ કહેશે પછી જ કામ થશે. એ ત્યાં સુધી કે પ્રોસેસ થયેલી ફાઇલના રોગી કલ્યાણ સમિતિમાં નાણા જમા કરાવવા જતા લોકોને પણ સ્ટાફ, કેશીયર એવું કહે કે ગણેશ કહેશે પછી જ રૂપિયા જમા લઇને રશીદ આપવામાં આવશે. સિવિલમાં હંગામી સ્ટાફર પણ ન હોવા છતાં આ કડીરૂપ વ્યક્તિ ગણેશ સિવિલ સુપરિટેન્ડન્ટની ઓફિસની બાજૂમાં બેસીને પરમિટની ફાઇલોનું કામ કરતો, નોટિંગ કરતો, રૂપિયા ઉસેટતો, વહેવારો કરતો હતો. આટલો પાવર કડીરૂપ વ્યક્તિ ગણેશને આપવામાં આવ્યો હોવાના વિડીયો સ્ટીંગ સરકારને મોકલવામાં આવ્યા હતા. એ પછી સરકારે સિવિલ સુપરિટેન્ડન્ટને કહીને કડીરૂપ વ્યક્તિ ગણેશને સુપરિટેન્ડન્ટની કચેરીની આસપાસ ફરકવા પણ ન દેવાની સૂચના આપી હોવાનું કહેવાય છે.

લિકર પરમીટ કૌભાંડ : પ્રોસેસિંગ વગર 30 ફાઇલો સિવિલ હોસ્પિટલથી નશાબંધી ખાતામાં પહોંચી ગઇ

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી આચરવામાં આવી રહેલા લિકર પરમિટના મહાભ્રષ્ટાચારમાં રોજેરોજ નવા ફણગાં ફૂટી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરના સમયમાં ગણેશ નામના વચેટીયાએ દારુની પરમિટના અરજદારો પાસેથી ઉઘરાવેલા રૂપિયા વહેંચવાની તકરાર છેક રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પહોંચી જતા રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડ પર સ્ટીમ રોલર ફેરવીને ડો.ગણેશ ગોવેકરને તાત્કાલિક અસરથી બદલી કરી દીધી હતી.

પરમિટ કૌભાંડમાં એક એવી પણ વિગત પ્રકાશમાં આવી છે એ મુજબ ગઇ તા.1લી ડિસેમ્બર 2019ના રોજથી તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગોવેકરે રાજ્ય સરકારની કડક સૂચના બાદ એવી સિસ્ટમ અમલમાં મૂકી કે લિકર પરમિટના દરેક અરજદારોએ ફિઝિકલ વેરિફિકેશન માટે રૂબરૂ નવી સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડટની કચેરીમાં આવવું અને ત્યાંથી પ્રોસેસિંગ થાય બાદ જ અરજી પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવી સૂચના છતાં લિકર પરમિટની 30 ફાઇલો કે જેના અરજદારો નવી સિવિલ હોસ્પિટલમાં રૂબરૂ આવ્યા નથી, ફિઝિકલ વેરિફિકેશન થયું નથી આમ છતાં વચેટીયા ગણેશના કડીરૂપ વ્યક્તિના ઇશારે નવી સિવિલ હોસ્પિટલમાંથી નશાબંધી ખાતામાં પંહોચી ચૂકી છે. જો તા.1લી ડિસેમ્બર 2019થી તા.16મી ડિસેમ્બર 2019 સુધીના સીસી ટીવી ફુટેજિસ ચેક કરવામાં આવે તો 30 પરમિટ ધારકો ક્યાંયે હાજર નહીં થયાનું ફલિત થઇ જાય તેમ છે.

આમ તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે ખુદ સૂચના બહાર પાડી અને પડદા પાછળ સૂચનાનો જાતે જ ભંગ કરીને અરજદારો રૂબરૂમાં હાજર નહીં થયા હોવા છતાં તેમની પરમિટ પર સહીસિક્કા કરીને નશાબંધી વિભાગમાં મોકલી આપવામાં આવી હતી. આ ગેરકાનૂની કામની પાછળ પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ રાજ્યના આરોગ્ય વિભાગને કરવામાં આવી છે.

December 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11400

સૂરતમાં દારૂની પરમિટમાં વચેટીયાઓના લાખોના ભ્રષ્ટાચાર પર સરકારનું સ્ટીમ રોલર

સૂરતમાં કેટલાક લોકો દારુના શોખીન છે અને એ વાતમાં કોઇ નાનમ કે શરમ નથી. ગુજરાતમાં દારુબંધી છે એટલે શોખીનો એકયા બીજા કારણોસર દારુની પરમિટ લઇને પોતાનો શોખ, ટેવને પૂરી કરે છે. દારુની પરમિટ અપાવવાના નામે નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા કેટલાક લોકોએ રીતસર પરમિટ અપાવવાનો ધંધો શરૂ કરી દીધો હતો અને આ વચેટીયાઓ એટલી હિંમત કરી કે સિવિલ હોસ્પિટલમાં જ પોતાના માણસને બેસાડીને પરમિટ દીઠ રૂ.15-20 હજારની પોતાની કટકીના ઉઘરાણા શરૂ કરી દીધા હતા અને આ અંગે એક નહીં બબ્બે વખત સ્ટીંગ ઓપરેશન કરીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓને સૂરતમાં દારૂની પરમિટમાં થતાં ભ્રષ્ટાચારથી વાકેફ કર્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઇને દારૂની પરમિટ માટે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની પુરાવા સમેતની ફરીયાદોને પગલે એ પોસ્ટ પર ડો. ગણેશ ગોવેકરને રાતોરાત ખસેડીને બાહોશ અને પ્રમાણિક એવા ડો.પ્રીતિ કાપડીયાની નિમણૂંક કરી દઇને લિકર પરમીટમાં વચેટીયાઓ દ્વારા આચરવામાં આવતા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર પર સ્ટીમ રોલર ફેરવી નાંખ્યું છે.

રાજ્ય સરકાર જો દારૂની પરમિટ અપાવતા વચેટીયાઓને તાબે નહીં થાય તો એ દિવસો દૂર નથી કે શોખીન સૂરતીઓને દારૂની પરમિટ રૂ.8-10 હજાર જેટલી રકમમાં મળતી થાય. હવે સૂરતીઓએ જોવાનું છે કે સરકાર દબાણમાં આવીને નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે દારુની પરમિટ કઢાવી આપતા વચેટીયાઓના માનીતા ને ન બેસાડી દે.

જો સરકાર સૂરતની નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેડન્ટ પદે ફરીથી કોઇ વચેટીયાઓના માનીતાને બેસાડી દેશે તો દારુની પરમિટ માટે સૂરતીઓએ બિનજરૂરી રૂ.30 હજાર સુધીની રકમ ખર્ચવી પડશે.

હાલ તુરત તો રાજ્યના આરોગ્ય વિભાગે કોઇપણ પ્રકારના દબાણોથી પર રહીને સૂરત સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ અપાવવાના નામે ચાલતા ગોરખધંધો પર સ્ટીમ રોલર ફેરવતું હિંમતભર્યું પગલું લીધું છે એ કાબિલેતારીફ છે, અત્યાર સુધી કોઇએ દારૂની પરમિટમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ગંભીર ફરીયાદો હતી છતાં સિસ્ટમમાં સુધારા કર્યા ન હતા. પરંતુ, હાલના ઉચ્ચાધિકારીએ સૂરત સિવિલમાં દારૂની પરમિટમાં થતો બેરોકટોક અને બેફામ ભ્રષ્ટાચાર પર રાતોરાત બંધ કરાવી દઇને રાજ્ય સરકારની પણ છબી ખરડાતી બચાવી છે.

File Photo liquor Permit

રાજ્ય સરકારે સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટમાં આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ભરેલા પગલાંથી દારૂની પરમિટ અપાવવાનો ગેરકાનૂની ધંધો કરી રહેલા તત્વોના પેટમાં તેલ રેડાયું છે. તેમણે સૂરત સિવિલમાં તેમજ તબીબી જગત સાથે સંકળેયાલા કેટલાક લોકો મારફતે સરકાર પર દબાણ લાવવાનું શરૂ કરીને ફરીથી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે પોતાના માનીતાને બેસાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વચેટીયાઓએ દારૂની પરમિટનો ભાવ રૂ.30 હજારે પહોંચાડી દીધો

ધનવાન, શોખીન સૂરતીઓને દારુની પરમિટ અપાવવાના ધંધામાં મહિને લાખો રૂપિયાની કમાણી જોઇ ગયેલા કેટલાક વચેટીયાએએ રાજ્ય સરકારનું ભારે દબાણ છે, પરમિટ નહીં મળે એવો ડોળ ઉભો કરીને તાજેતરમાં નવી હેલ્થ લિકર પરમિટનો ભાવ રૂ.30 હજાર પર પહોંચાડી દીધો છે. હકીકતમાં કાયદેસર રીતે લિકર પરમિટ માટે રાજ્ય સરકારને ફક્ત રૂ.2000 અને રોગી કલ્યાણ ફંડમાં નવી પરમિટના રૂ.8,000 અને રિન્યુઅલના રૂ.4,000 ચૂકવવાના થાય અને એ સિવાય પ્રોસેસિંગના ખર્ચ થાય પરંતુ, દારૂની પરમિટ અપાવતા વચેટીયાઓએ પોતપોતાના હિસ્સાઓ ભેગા કરીને એક પરમિટ પર વાસ્તવિક ખર્ચ કરતા ચાર ગણા રૂપિયા લેવાનું શરૂ કરી દેતા પાપ છાપરે ચઢીને પોકાર્યું છે.

રોગી કલ્યાણ ફંડમાં જાય તેનાથી 3 ગણા રૂપિયા વચેટીયાઓ હજમ કરી જાય છે

કેટલાક સૂરતીઓ દારૂના શોખીન છે અને પોતાના શોખ, ટેવને લીધે ક્યારેક પોલીસ અડફેટે ન ચઢી જવાય એ માટે કાયદેસર લિકર પરમિટ રાખવાનું મુનાસિબ માને છે. એટલે લિકર પરમિટ નવી લેવા કે રિન્યુ કરાવવા માટે વચેટીયાએ જેટલા રૂપિયા માંગે તેટલા સૂરતીઓ ખુશી ખુશી આપે દે છે. સૂરતના ધનવાનો, શોખીનોની આ કમાણીમાંથી નવી સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ ફંડમાં જેટલા રૂપિયા જાય છે તેનાથી ત્રણ ગણા રૂપિયાઓ પરમિટ અપાવવાનો ધંધો કરતા લોકો હજમ કરી જાય છે.

સૂરતના બે ધારાસભ્યો, બે તબીબો સૂરત સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડટ બદલવા માટે સરકારને રજૂઆત કરી ચૂક્યા છે

દારુની પરમિટ માટે જરૂરી હેલ્થ રિપોર્ટ આપવાના બદલામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાનું પ્રકરણ છાપરે ચઢીને પોકારતા રાજ્યના આરોગ્ય વિભાગે સૂરત સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે બાહોશ અને પ્રમાણિક તબીબની છાપ ધરાવતા ડો. પ્રીતિ કાપડીયાની ઇન્ચાર્જ તરીકે નિયુક્તિ કરી છે. હજુ ત્રણ દિવસ પૂર્વે નવી સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડન્ટ પદે થયેલી આ બદલીને દૂર કરાવવા માટે સૂરતના બે ધારાસભ્યો અને બે તબીબો રાજ્ય સરકારને રજૂઆત કરી ચૂક્યા છે. અમે હાલ તુરત અહીં એમના નામ પ્રકાશિત નથી કરી રહ્યા.

સરકારે સિવિલ હોસ્પિટલના કેટલાક સ્થાપિત હિતોને આઇસોલેટ કરવાનો વખત આવી ગયો છે

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ટેન્ડરથી લઇને દારૂની પરમિટ અપાવવા જેવા અનેક કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની સંગીન ફરીયાદોને પગલે રાજ્ય સરકારે હવે નવી સિવિલ હોસ્પિટલમાં સ્થાપિત હિતોની સાફસૂફીનું મન બનાવી લીધું હોવાનું જણાય છે. હકીકતમાં રાજ્ય સરકારે આવા સ્થાપિત હિતોને ઓળખી કાઢીને વીણી વીણીને તેમને આઇસોલેટ કરવાનો સમય આવી ગયો છે. યોગાનુંયોગ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી ખુદ સૂરતના છે. નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા તત્વોએ આરોગ્ય મંત્રી તેમજ ડો.નીતિન પટેલને પણ ગેરમાર્ગે દોરીને પોતાના સ્થાપિત હિતોને નુકસાન ન થાય એ માટે પ્રયાસો કરી જોયા છે. પરંતુ, આરોગ્ય મંત્રી શ્રી કાનાણીએ આવા તત્વોની એક કારી ચાલવા દીધી નથી. હવે એ સમય આવી ગયો છે કે નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા લોકોને દૂર કરીને તંત્રને ચોખ્ખું કરી દેવામાં આવે.