CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - CIA Live

August 15, 2019
teenpatti.jpg
1min110

રાજકોટના રેસકોર્સ રીંગ રોડ પરના પોલીસ હેડ કવાર્ટરમાં કે જેમાં ફક્ત અધિકૃત વ્યક્તિઓને જ ઘનિષ્ઠ ચેકિંગ પછી પ્રવેશવા દેવામાં આવે છે એવા હેડક્વાર્ટરમાં આવેલા હાઇરાઇઝ બિલ્ડીંગના નવમા માળે પોલીસ પુત્ર બિન્ધાસ્ત જુગારની કલબ ચલાવતો હતો. પરંતુ, આ બાબત કેટલાક સંનિષ્ઠ પોલીસ જવાનોના ધ્યાને આવતા પોલીસે જ પોલીસ પુત્રની જુગાર ક્લબ પર દરોડો’ પાડીને ત્રણ મહિલા સહિત આઠને ઝડપી પાડ્યા હતા.

સાંકેતિક ચિત્ર

આતંકી હુમલાની દહેશતને પગલે રાજકોટ પોલીસ હેડ કવાર્ટરના દરવાજા પાસે તંબુ પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે. ચોકી પર ફરજ બજાવતા પોલીસમેન અને એસઆરપીમેન દ્વારા બહારની વ્યકિતને પોલીસ હેડ કવાર્ટરમાં દાખલ થવા દેવામાં આવતી નથી. બહારની કોઇ વ્યકિતને હેડ કવાર્ટરમાં જવું હોય તો સઘન ચેકીંગ કરવામાં આવે છે. પરંતુ આ ચેકીંગની કે પોલીસની પરવા કર્યા વગર હેડ કવાર્ટરના હાઇરાઇઝ બિલ્ડીંગના નવમા માળે પોલીસ પુત્ર રવિ જગદીશભાઇ વાઘેલા દ્વારા જુગારની કલબ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ હેડ કવાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીએસઆઇ હાથલિયા અને તેની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમવા અને રમાડવા અંગે લાઇન બોય રવિ જગદીશભાઇ વાઘેલા, હિતેષ ભરતભાઇ ઢાંકેચા, સુભાષ કાંતિભાઇ ઝાલા, શ્યામ ધનજીભાઇ પરમાર, ગટુ છગનલાલ મકવાણા, સમજુ ઉર્ફે ભાનુ બાબુભાઇ ઝાલા, આરૂષી ઉર્ફે આરતી પ્રવીણભાઇ પંડયા અને કારૂ બાબુભાઇ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 37 હજારની રોકડ રકમ કબજે કરાઇ હતી.

August 10, 2019
morbi.jpg
1min290

શનિવાર તા.10મી ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં મૂશળધાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું એ દરમિયાન એવા સમાચારોએ ગુજરાતમાં ગમગીની ફેલાવી દીધી હતી કે મોરબીમાં દિવાલ પડવાની દુર્ઘટનામાં એ 8 લોકોના જીવ લીધા હતા.

મળતી માહિતી મુજબ મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા કામધેનું પાર્ટી પ્લોટ પાસે દિવાલ પડવાની ઘટનામાં ચગદાઇ ગયેલા 8 લોકોના મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતા મોરબી SPની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી. ફાયર સેફ્ટી વિભાગે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું . સ્થાનિકો પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા . ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો બીજી બાજુ સ્થાનિકો રોષે ભરાયા છે અને જવાબદાર તંત્ર સામે પગલા લેવાની માગ કરી રહ્યાં છે.

August 10, 2019
nyari_rajkot.jpg
1min370

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતા ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ન્યારી-2 ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘરાજાએ સટાસટી બોલાવતા પાણી પાણી થઇ ગયું છે ખાસ કરીને સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, બોટાદ, રાજકોટ જીલ્લામાં મેઘરાજા વધુ મેહરબાન થઇ રહ્યા છે સુરેન્દ્રનગર જીલ્લાના ચુડામાં ૩૦ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. જયારે ચોટીલામા ૧૮ ઇંચ, વઢવાણ, સુરેન્દ્રનગરમાં સાડા ૧૭ ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત લીંબડીમાં ૧પ, બોટાદ જીલ્લાના બરવાળામાં પણ ભારે મેઘ ખાંગા થયા હોય  તેમ ૧પ ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે લખતરમાં સાયાલમાં ૧૪, ઇંચ, મુળી, ધ્રાંગધ્રામાં સાડા ૧૩ ઇંચ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ૮ ઇંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા શેહરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવા જણાવાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 5 ઈંચ, મોરબીમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. આ તરફ જૂનાગઢમાં પણ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

અમરેલીમાં જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ છલકાય ગયા છે. તો મોરબીમાં પણ 7 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને મચ્છુ 2 ડેમમાં જળ સપાટી 21.56 ફૂટ પહોંચી છે. ભારે વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવમાં આવી છે.

ભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે અને ગઇકાલ સાંજથી ધોધમાર અવિરત વરસાદ વરસતા  ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું છે. સુરેન્દ્રનગર અને બોટાદ જીલ્લામાં આભ ફાટયું હોય તેમ સુરેન્દ્રનગર જીલ્લામાં સર્વત્ર ૮ થી ૩૦ ઇંચ વરસાદ પડયો છે. જયારે બોટાદ જીલ્લામાં પણ મેઘતાંડવ યથાવત છે.અને બોટાદના બરવાળામાં ૧પ ઇંચ ગઢડામાં ૧ર, બોટાદમાં ૧૧ અને રાણપુરમાં ૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે.

August 2, 2019
junagadh_mayor.jpg
1min100

મહાનગર પાલિકાની આજે નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. મેયર પદે ધીરૂભાઈ ગોહેલ તથા ડે.મેયરપદે હિમાંશુ પંડયા. જ્યારે સ્ટેન્ડીગ ચેરમેન તરીકે રાકેશ ધૂલેશિયાની વરણી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા મહિલા સશકિતકરણ અંગેની વાતો કરાઈ રહી છે. હાલ મહિલા સશકિતકરણ પખવાડિયાની પણ ઉજવણી થઈ રહી છે. પરંતુ જૂનાગઢ મનપામાં મહિલાઓને એકપણ હોદ્દા પર સ્થાન આપ્યુ નથી.’ કમિશનર તુષાર સુમેરાએ તમામ સભ્યોનું સ્વાગત કર્યુ હતું. બાદમાં મેયર તરીકે ધીરૂભાઈ ગોહેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે ડે.મેયર તરીકે હિમાંશુભાઈ પંડયાના નામની દરખાસ્ત થઈ હતી. જે સર્વાનુંમતે મંજૂર થઈ હતી. શાસક પક્ષના નેતા તરીકે નટુભાઈ પટોળિયા તેમજ દંડક તરીકે ધરમણ ડાંગરની વરણી થઈ હતી.
જૂનાગઢ મનપામાં આ વખતે પ0 ટકા મહિલા અનામતનો અમલ થયો હતો અને પ0 ટકા મહિલાઓ ચૂંટાઈ છે. ભાજપ દ્વારા મહિલા સશકિતકરણ વાતો થાય છે. અને હાલ તો મહિલા સશકિત કરણ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. પરંતુ ભાજપ દ્વારા જૂનાગઢ મનપાના કોઈ પણ હોદ્દા પર મહિલાઓને સ્થાન આપ્યુ ન હતું. આ ઉપરાંત જે નામ ચર્ચામાં હતાં પરંતુ પદ પર નવા જ નામોની પસંદગી થતા આશ્ચર્ય છવાયું હતું.
મેયરની વરણી બાદ એન.સી.પી.ના સભ્યો અદ્રેમાન પંજાએ મેયરને પત્ર આપ્યો હતો. જેની મેયરે નોંધ લીધી હતી.

July 31, 2019
sarurashtra-1280x720.jpg
1min110
Symbolic Pic of Rain

સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ રૂસણા જાણે છોડયા હતાં. સર્વત્ર એકથી આઠ ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ થતાં અપાર આનંદ છવાઇ ગયો છે. સોમવાર સાંજથી મેઘરાજાએ ઠેકઠેકાણે ધોધમાર સ્વરૂપે વરસવાનું શરૂ કર્યું હતું. રાત્રી દરમિયાન અને આજે મંગળવારે દિવસભર હેત અવિરત રહ્યું હતું. સિઝનનો સર્વત્ર વરસાદનો આ પ્રથમ રાઉન્ડ છે.

ધ્રોળની બાવની નદીમાં ઘોડાપુર : મચ્છુ-2 ડેમમાં બે ફૂટની આવક

ભારે વરસાદના કારણે ચેકડેમ તો છલકાયા હતાં. નવા નીરની આવક શરૂ થઇ હતી. મોટા ડેમોમાં પણ પાણી ઠલવવા શરૂ થઇ ગયા હતાં. આ વખતનો વરસાદ જરૂરિયાત સમયે જ વરસી જતાં કિસાનો કાચું સોનું વરસ્યાનો આનંદ વ્યક્ત કરે છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

કાળુભાર નદીના બે ચેકડેમ છલકાયા: દામોદર કૂંડ છલકાયો: સોનરખ નદીમાં પૂર

મેઘરાજાની વિશેષ કૃપા જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હતી. જામનગરના ધ્રોળ તાલુકામાં સર્વત્ર આઠ ઇંચ જેવા વરસાદથી બાવની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીરનાર ઉપરના પગથિયા ઉપરથી જાણે ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો હતાં. જંગલમાં તમામ ઝરણાં વહેતા થઇ ગયા છે. વનરાજી ખીલી ઉઠી છે.

આ વરસાદથી અત્યારે પાક, પાણી અને ઘાસચારાનું ચિત્ર બદલાઇ જશે તેવી સંપૂર્ણ આશા છે. સૌરાષ્ટ્રમાં સર્વત્ર આનંદદાયક વરસાદ હતો. સ્વરૂપ શાંત હતું અને તંત્ર પણ સજ્જ હતું એટલે જામનગર અને ધ્રોળ જેવા વિસ્તારમાં મુશળધાર વરસાદ છતાં કોઇ નુકસાની કે જાનહાની થઇ ન હતી.’

July 29, 2019
vithal_radadiya.jpg
1min250
શ્રી વિઠ્ઠલ રાદડીયા, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલ રાદડીયાનું આજરોજ તા.29મી જુલાઇ 2019ના રોજ નિધન થયું હોવાની માહિતી તેમના પુત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ આપી હતી.

જયેશ રાદડીયાએ તેમના ફેસબુક વોલ પર આ મુજબનો સંદેશો લખ્યો છે.

મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે,

ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના,

અંતિમ દર્શન : 
તા.૩૦/૭/૧૯ મંગળવાર
સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે
કન્યા છાત્રાલય-જામકંડોરણા,

સ્મશાન યાત્રા :
તા.૩૦/૭/૧૯ મંગળવાર
બપોરે ૧ કલાકે 
અમારા નિવાસસ્થાનેથી 
પટેલ ચોક,જામ કંડોરણા.

July 24, 2019
narmada_dam.jpg
1min260

સરદાર સરોવર ડેમ કે જે નર્મદા નદી પર બનેલો છે તેની પાણીની સપાટીમાં તોતીંગ વધારો જોવા મળ્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે ઉપરવાસમાંથી 68,023 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 121.96 મીટર પર પહોંચી ગઈ છે.

Sardar Sarovar

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી વધીને 121 મીટરને પાર કરી જતા ગુજરાતને ભારે હાશકારો વર્તાયો છે.

ભરૂચ નજીક રાજપીપળા ખાતે નર્મદા નદી પર બનેલા સરોવરની પાણીની સપાટીમાં અસાધારણ વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશ સ્થિત ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદના પાણીને લીધે ડેમમાં 68,023 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી.

બુધવારે સવારે નર્મદા ડેમ સરદાર સરોવરમાં પાણીની સપાટી 121.96 મીટર નોંધવામાં આવી છે. છે. હાલ, 24 કલાકમાં 24 સેમીનો વધારો થઈ રહ્યો છે. એક વર્ષ બાદ ડેમના CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 1,12,357 પાવર ઉત્તપન્ન થયું.


સરદાર સરોવર ડેમમાં અત્યારે 1690 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

ગુજરાતમાં સિંચાઇ માટે પણ કેનલમાં પાણીનો વધારો કરવામાં આવ્યો છે. તા.23મી જુલાઇથી કેનાલમાં 12,872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દરવાજા સુધી પાણી પહોંચ્યું છે, જ્યારે 121.92 મીટર સુધી સીમેન્ટ કોન્ક્રીટ છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

July 24, 2019
Gandhinagar-Gujarat.jpg
1min210

,

ચાલુ અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો-છવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને ક્ચ્છમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

25, 26 અને 27મી જુલાઈની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટો-છવાયો વરસાદ થશે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આકાશ સાફ રહેશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો સારો વરસાદ થાય તેવી મીટ માંડીને બેઠા છે. 26, 27 તારીખોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સાથે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અમરેલી, ભાવનગર, કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે. આ તારીખો દરમિયાન કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

27 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને હિંમતનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તોફાની વરસાદ વરસવાની સંભાવના છે. અમદાવાદમાં આજે તથા 28મી તારીખે વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

July 23, 2019
junagadh_mc.png
1min130

સવારે 11 સુધી ભાજપ બહુમતિ, કોંગ્રેસ માંડ માંડ એક બેઠક જીતી – ફટાકડા ફોડી ભાજપે જશ્ન મનાવ્યો

જુનાગઢ મનપાને ભાજપે ફરીથી કબજે કરી લીધી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 59 બેઠકો ચૂંટણીમાં માટે મતગણતરી સાડા બાર વાગ્યે અંતિમ પરિણામ જાહેર થયું હતું. જુનાગઢ મનપાના અંતિમ પરિણામ મુજબ 54 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

ભાજપમાંથી એનસીપીમાં ગયેલા પાટીદાર આંદોલનના પૂર્વ નેતા રેશમા પટેલની આગેવાનીમાં એનસીપી 4 બેઠકો પર જીત સાથે બીજો સૌથી મોટો પક્ષ રહ્યો હતો. કોંગ્રેસ માંડ-માંડ એક બેઠક પર ખાતું ખોલાવી શકી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પણ ભાજપે જીતી લીધી છે.

કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકમાંથી ભાજપ ત્રણ, કોંગ્રેસ બે પર વિજયી

કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બે બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપની જીત થઈ છે. ડેગી, ખાગેશ્રી અને કોટડા બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે વિજયદેવડા અને ચૌટા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

June 29, 2019
rajkot_new-water.jpg
1min360

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી મેઘ મહેરથી હવે રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ડેમો અને જળાશયોમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ છે.

રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં છેલ્લી 24 કલાકમાં 36 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 99 એમએમ વરસાદ નોંધાયો હતો. ન્યારી-1 ડેમમાં 24 કલાકમાં 26 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 56 એમએમ વરસાદ નોંધાયો હતો. છાપરવાડી-2 ડેમમાં 24 કલાકમાં 03 એમએમ વરસાદ નોંધાયો હતો.

શુકવાર સવાર સુધીમાં કુલ 68 એમએમ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં વાયુ વાવાઝોડા બાદ અત્યાર સુધીમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વાવાઝોડા બાદ પડેલા વરસાદને લઇને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી. ઉપરવાસના વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની ત્રણ નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. નદીના પાણીમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

સિઝનનો વરસાદ હજુ બાકી હોય ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડતા જ જિલ્લાની તમામ નદીઓ છલકાઇ જશે તેવી ખેડૂતોમાં આશા સેવાઇ રહી છે. ઉપરવાસનો વરસાદ અને જિલ્લામાં 6 ઇંચ વરસાદ પડતા મધુવંતી, ઓઝત-2 અને વૃજમી નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. મધુવંતી 1.425, ઓઝત-2 7.045 અને વૃજમીમાં 0.229 મીટર સપાટી વધી છે.

દરમિયાન ગીરગઢડા પંથકમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે આ પંથકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે શુક્રવારે સવારે ફરી ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડતા ગીરના તમામ ઝરણાઓ પુનર્જીવિત થયા છે. ગીરગઢડાના કાણકીયા, કણેરી, ફાટસર, ધાબાવડ, દ્રોણ, ઇટવાયા, સહિતના ગામડાઓમાં સવારે મેઘરાજાનું આગમન થયું હતું.