ઇન્ડીયન પોલિટીક્સ Archives - CIA Live

March 24, 2020
shainbaug.jpeg
1min1750

સમગ્ર દેશમાં કોરોના વાઇરસ સ્પ્રેડને અટકાવવા માટે કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન પણ દિલ્હીના શાહીન બાગમાં ધરણા ચાલુ રહેતા આજે તા.24મીએ સવારે દિલ્હી પોલીસે શાહીનબાગનો ધરણાનો ટેન્ટ જ ઉખાડી નાંખ્યો હતો. ધરણા પર બેઠેલી મહિલાઓએ પ્રતિકાર કરવાની કોશીસ કરી હતી પરંતુ, નાકામ રહી હતી. ગઇ તા.15મી ડિસેમ્બર 2020થી દિલ્હીના શાહીનબાગ ખાતે ધરણા યોજાઇ રહ્યા હતા.

નાગરિકતા સુધારા કાયદો (CAA) સામે 15 ડિસેમ્બરથી શાહીન બાગમાં ધરણાં કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે હટાવી દીધા છે. દિલ્હી અને નોઈડાને જાડતા આ રોડ પર લાગેલા ટેન્ટને પણ પોલીસે ઉતારી લીધો છે.

કોરોના વાયરસનો ખતરો હોવા છતાં લોકો ધરણા પર ઉતર્યા હતા. કોરોનાના કારણે દિલ્હી સહિત ભારતભરમાં લોકડાઉન છે. આમ છતાં મંગળવારે મહિલાઓ ફરી એકઠી થઈ. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓને હટાવવા માટે ટેંટ ઉખાડી નાખવામાં આવ્યો. સાથે જ કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી. શાહીન બાગમાં મહિલાઓ પાછલા 100 દિવસથી ધરણા પર બેઠી હતી.

March 20, 2020
kamalnath-2.png
1min440

આજે તા.20મી માર્ચ 2020ની બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી કમલનાથે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દેતા મધ્યપ્રદેશની પોલિટીકલ ક્રાઇસીસનો અંત આવ્યો હતો. આ સાથે જ દોઢ વર્ષ જૂની મધ્યપ્રદેશ સરકારનું પતન થયું હતું.

હવે રાજ્યપાલ સંભવતઃ ભાજપને સરકાર રચવાનું નિમંત્રણ આપે એમ મનાય છે.

March 14, 2020
Gandhinagar-Gujarat.jpg
1min380

ગુજરાતમાં ૨૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ત્રણ ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીન અને કૉંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જોકે, આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા. આમ ચાર સીટની ચૂંટણી માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.

ભાજપે જૂનાં કૉંગ્રેસી નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની ઉમેદવાર તરીકે જાહેરાત કર્યા બાદ જૂના કૉંગ્રેસી ગોત્રના અને વષો પહેલા ભાજપમાં જોડાયેલાં નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કૉંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાને ઉતારતા ભાજપે તેમની સામે પાટીદાર ધારાસભ્યોને આકર્ષવા નરહરિ અમીનને મેદાને ઉતાર્યા છે.

ગુજરાત વિધાનસભામાં હાલની સ્થિતિએ ભાજપ પાસે ત્રીજા ઉમેદવારને જીતાડી શકાય તેટલા મતોમાં આઠ મત ખૂટે છે, પરંતુ કૉંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્યોને ક્રોસ વોટીંગ કરાવીને અમીનને જીતાડવા માટેની પંરપરાંત બની ગયેલી પોતાની રણનીતિ ભાજપે અપનાવી છે.

March 13, 2020
tokyo.jpg
1min730

મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને ૧૬મી માર્ચના રોજ વિશ્ર્વાસનો મત લેવા નિર્દેશ આપ્યા હતા.

શનિવારે મધ્ય રાત્રિએ ગવર્નરનો એક પત્ર મુખ્ય પ્રધાનને મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્ર્વાસનો મત લેવાનું કાર્ય પૂરું થવું જોઇએ અને તેમાં વિલંબ અથવા મોકૂફ રાખવાનું થવું જોઇએ નહીં. ગવર્નરના પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ૨૨ વિધાનસભ્યાએેે તેમના રાજીનામા સ્પીકરને મોકલી આપ્યા છે અને આ અંગે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા બંનેમાં જાણ કરી છે. બંને મીડિયા પર આ અંગેનું કવરેજ મેં ધ્યાનપૂર્વક વાંચ્યું છે અને જોયું છે.

૧૦મી માર્ચે તેમણે મને પત્ર પણ લખ્યો છે અને સ્પીકરને રાજીનામું આપતી વખતે વિધાનસભ્યોએ સુરક્ષાની પણ માગ કરી છે. આર્ટિકલ ૧૭૪ અને ૧૭૫ (૨) હેઠળ હું નિર્દેશ આપું છું કે વિધાનસભાનું સત્ર ૧૬ માર્ચે ૧૧ કલાકે મારા અભિભાષણથી ચાલુ કરવામાં આવશે અને તે પછી એકમાત્ર કામ વિશ્ર્વાસના મત પર મતદાન કરવાનું રહેશે. ડિવિઝન પ્રક્રિયા દ્વારા વિશ્ર્વાસનો મત લેવાનો રહેશે અને વિધાનસભાએ સ્વાયત્ત પ્રક્રિયા દ્વારા સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે. કમલનાથની ભલામણને આધારે અને સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા હોવાના આધારે છ પ્રધાનોની હાકલપટ્ટી કરી હતી જેનો ગવર્નરે ઉલ્લેખ કર્યો હતો. તમે તમારા ૧૩ માર્ચના પત્રમાં લખ્યું હતું કે ફ્લોર ટેસ્ટ માટે તમે તૈયાર છો અને ભાજપ પાસેથી પણ આ અંગે મને પત્ર મળ્યો છે. ઉપર જણાવેલી હકીકતોને આધારે પ્રથમદર્શી નજરે હું માનું છું કે તમારી સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવ્યો છે અને લઘુમતીમાં આવી ગઇ છે. આથી મારા અભિભાષણ પછી તમારે વિધાનસભામાં વિશ્ર્વાસનો મત લેવો જરૂરી છે.

ટોક્યો ઑલિમ્પિક્સની જ્યોત પ્રજવળીત

જાપાનના ટોક્યોમાં ૨૦૨૦માં રમાનારી ઑલિમ્પિક્સની જ્યોત ગુરુવારે ગ્રીસના પ્રાચીન શહેર ઑલિમ્પિયા ખાતે પૌરાણિક પરંપરા અને વિધિસર પ્રગટાવાઇ હતી.

વિશ્ર્વભરમાં કોરોના વાઇરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ટોક્યોમાં ઑલિમ્પિક્સ યોજાશે કે નહિ તે અંગે હજી શંકા સેવાઇ રહી છે. પૌરાણિક ગ્રીક પહેરવેશમાં સજ્જ એક અભિનેત્રીએ સૂર્યકિરણોનું અંત:ગોળ કાચથી ઝીલીને ઑલિમ્પિક્સની જ્યોત પ્રગટાવી હતી. આ પ્રસંગે દર્શકો પર પ્રતિબંધ મુકાયો હતો.

ટોક્યોમાંની ઑલિમ્પિક્સના આયોજકોને ૧૯મી માર્ચે આ જ્યોત સોંપાશે, પરંતુ તેની પહેલાં ગ્રીસમાં એક અઠવાડિયા સુધી ઑલિમ્પિક્સની મશાલને ફેરવવામાં આવશે. ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બાચે જણાવ્યું હતું કે ઑલિમ્પિક્સ જ્યોતની જાપાન સુધીની સફર શરૂ થઇ છે. જાપાનના ટોક્યોમાં ઑલિમ્પિક્સનું આયોજન ૨૪મી જુલાઇથી ૯મી ઑગસ્ટ સુધી થવાનું છે. આયોજનના દિવસો નજીક આવી રહ્યા હોવા છતાં તેને નિર્ધારિત સમયે જ યોજવી કે થોડા મહિના પાછળ મુલતવી રાખવી તે અંગે શંકા સેવાઇ રહી છે. ચીન, જાપાન, ઇટલી, ઇરાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં કોરોના વાઇરસનો ચેપ મોટા પાયે ફેલાયો છે અને તેના દુનિયાભરમાં કુલ એક લાખથી વધુ દરદી છે.

March 12, 2020
bjp_logo.png
1min520

રાજ્યસભાની ૧૭ રાજ્યની ૫ંચાવન બેઠક માટે ૨૬મી માર્ચે યોજાનારી ચૂંટણી માટે ભાજપે મધ્ય પ્રદેશ માટે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત પોતાના નવ ઉમેદવારના નામ બુધવારે જાહેર કર્યા હતા. ભાજપમાં જોડાવાના કલાકોમાં સિંધિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપે જાહેર કરેલા અન્ય ઉમેદવારમાં આસામ માટે ભુવનેશ્ર્વર કલીતા, બિહાર માટે વિવેક ઠાકુર, મહારાષ્ટ્ર માટે ઉદ્યનરાજે ભોસલે, રાજસ્થાન માટે રાજેન્દ્ર ગેહલોતના નામ જાહેર કર્યા હતા.

આ સિવાય, ગુજરાત માટે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા, ઝારખંડ માટે દિપક પ્રકાશ અને મણિપુર માટે લેઇશેમ્બા સાનાજાઓબાના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપે જણાવ્યું હતું કે એમણે બે બેઠક પોતાના સાથી પક્ષના દલિત નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેને મહારાષ્ટ્રમાંથી ફરીથી ચૂંટાઇ આવે એ માટે અને આસામના બોડોલૅન્ડ પીપલ્સ ફ્રન્ટના બિશ્ર્વજીત ડાઇમેરીને ફાળવી છે.

આ બધાય રાજ્યોમાં ભાજપની બહુમતિ હોવાથી નવેનવ ઉમેદવાર જીતે એવી પૂરી શક્યતા છે. 

March 9, 2020
pm_modi.png
1min1270

ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાડોશી દેશ બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ થયો છે. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશમાં શેખ મુજીબ ઉર રહમાનની જયંતીની શતાબ્દી સમારોહ રદ્દ કર્યો છે. વડાપ્રધાન મોદી આ સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા.

આ અઠવાડિયે બાંગ્લાદેશી સંસદના સ્પીકર શિરીન ચૌધરીએ પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો. તેઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ પર 18 સભ્યોના પ્રતિનિધિમંડળની આગેવાની કરવાના હતા.

March 3, 2020
modi-1280x720.jpg
1min390

સોશિયલ મીડિયાએ જેમની રાજનીતિને એક નવી જ દિશા આપી અને જેમણે સોશિયલ મીડિયાને શત્ર બનાવીને ભારતીય રાજકારણમાં એક નવા યુગનો આરંભ કરાવ્યો તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ચોંકાવનારી વાત કરતાં ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ હવે ફેસબૂક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાને અલવિદા કરવા વિચારી રહ્યા છે. મોદીએ આ સંભાવના વ્યક્ત કરવા સાથે જ તેમનાં ચાહકો અને સમર્થકોમાં આઘાતની લાગણી ફરી વળી હતી.

તેમણે 2 માર્ચે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, આ રવિવારથી હું ફેસબૂક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા છોડવાનું વિચારું છે. તેમણે સાથે એમ પણ ઉમેર્યુ હતું કે, તેઓ પોસ્ટ કરતાં રહેશે. તેમણે આ જાણકારી પોતાનાં વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ ઉપરથી આપી હતી. તેમણે આ ટ્વિટર કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે 10000થી વધુ વખત રિટ્વિટ થઈ ગયું હતું. લોકો તેમને પોતાનાં નિર્ણય ઉપર ફેરવિચાર કરવાં અપીલો કરવાં લાગ્યા હતાં.

મોદી સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતાઓ પૈકી એક છે. તેઓ પત્રકાર પરિષદ યોજીને લોકો સુધી પહોંચવાને બદલે સોશિયલ મીડિયાથી લોકોનાં સીધા સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. મન કી બાત રેડિયો કાર્યક્રમ પણ તેમનાં આ અભિગમનો જ એક હિસ્સો છે.

February 29, 2020
kanhaiya-kejriwal.jpg
1min430

દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટીમાં કથિત દેશ વિરોધી નારાના કેસમાં સ્પેશિયલ સેલને કેજરીવાલ સરકાર તરફથી મંજૂરી મળતા હવે જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.

સ્પેશિયલ સેલને મંજૂરી આપવાની ફાઈલ લાંબા સમયથી વિલંબમાં હતી.’ આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલીદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલિદ બસીર સામે પણ રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

થોડો સમય પહેલા પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી મળવાની બાકી છે. જેના કારણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે દિલ્હી સરકારને પત્ર લખીને વલણ સ્પષ્ટ કરવા કહેવામાં આવે.

February 21, 2020
uddhav.jpg
1min600

મુખ્ય પ્રધાનપદ સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે પહેલીવાર દિલ્હી જઈ રહ્યા છે અને અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલા નવા સમીકરણો બાદ આ મુલાકાતે સૌના ભવાં ઊંચા કરી દીધા છે. આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટરના માધ્યમથી કરી હતી.

ઠાકરે અગાઉ માત્ર પ્રોટોકોલ નિભાવવા માટે પુણે ખાતે મોદીને વિમાનમથકે મળ્યા હતા. તે જોતા આ તેમની પહેલી મુલાકાત છે, તેમ કહી શકાય. મુલાકાતમાં ઠાકરે ખેડૂતો માટે તેમ જ રાજ્યના વિવિધ પ્રોજેક્ટ માટે ફંડની વાત કરશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર વચ્ચે જોવા મળતા ઉતાર-ચડાવ જોતા આ મુલાકાત જૂના સંબંધોને ફરી તાજાં કરી નવાં સમીકરણોના રૂપમાં સામે આવશે કે શું, તે અંગે તર્કવિતર્ક ચાલી રહ્યા છે. જોકે રાઉતે જણાવ્યું હતુ કે આ માત્ર સદિચ્છા ભેટ છે અને આ મુલાકાત મામલે વધારે ઊંડુ ઉતરવાની જરૂર નથી.

મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડ, દિલ્હીમાં પણ સત્તા ગુમાવી ચૂકેલા ભાજપ માટે થી જૂનો સાથીપક્ષ ફરી સાથે આવે તે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે તેમ છે. જોકે આ બન્ને મહાનુભાવોની મુલાકાતના પરિણામો સામે આવતા સમય નીકળી જશે, પરંતુ આજની મુલાકાત રાજકીય વાતાવરણ ગરમાવશે, તે વાત નક્કી છે.

February 16, 2020
Arvind-kejriwal.jpg
2min580

 આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન પર કેજરીવાલની સાથે અન્ય 6 ધારાસભ્યોએ પણ શપથ લીધા. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈસલે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા. ઉપરાંત, મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહેલોતે પણ મંત્રી પદના શપથ લીધા. 

 • સીએમના શપથ ગ્રહણ કર્યા બાદ નિવેદનમાં કેજરીવાલ બોલ્યા, તમે ગમે તે જાતિ, ધર્મ કે પાર્ટીના હો, કામ હોય તો મારી પાસે આવજો.
 • કેજરીવાલે કહ્યું કે, હું દિલ્હીને નંબર વન શહેર બનાવવા માંગુ છું. કેન્દ્ર સરકારની સાથે મળીને દિલ્હીને આગળ વધારીશું.
 • તેમણે કહ્યું ચૂંટણી દરમિયાન અમારા વિરોધમાં બોલનારાઓને અમે માફ કર્યા.
 • તમે કોઈને પણ વોટ આપ્યો હોય પણ હું બધાનો મુખ્યમંત્રી છું. આપ, બીજેપી કે કોંગ્રેસ તમે ગમે તેને વોટ આપ્યો હોય પણ હું તમારો મુખ્યમંત્રી રહીશ.
 • કેજરીવાલે કહ્યું કે, પીએમના આશિર્વાદ માંગુ છું.
 • આપ પક્ષે વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ પાઠવ્યું હતું પરંતુ પીએમનો બનારસનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવાથી તેઓ ઉપલસ્થિત રહી શક્યા નહોતા.
 • રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં આપ સમર્થકો પહોંચ્યા છે.
 • કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે જીત અને સફળતાનો મંત્ર હોય છે ઝૂકીને ચાલવુ. જનતા માટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર સાથે મળીને કામ કરશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યુ કે ભારતીય લોકતંત્રમાં નફરતની રાજનીતિનું કોઈ સ્થાન નથી. કેજરીવાલે જૂની ટીમને પોતાના વિશ્વાસને બેવડ્યો છે કેમ કે લોકો તેમની પર વિશ્વાસ કરે છે. 
 • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાએ શપથ ગ્રહણ કર્યા. આ શપથગ્રહણમાં સામેલ થવા અસંખ્ય દિલ્હીવાસીઓ રામલીલા મેદાનમાં ઉપસ્થિત રહ્યા.
 • અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં 50 એવા નાયકોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેઓએ પોતાના આપબળે દિલ્હીની તસવીર બદલવાનું બીડું ઉપાડ્યું છે. તેઓ સાધારણ લોકો છે, પરંતુ તેઓએ પોતાની અસાધારણ ઈચ્છાશક્તિથી દિલ્હીમાં પરિવર્તનનો પાયો નાંખ્યો છે.
 • કેજરીવાલ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં નાના બાળકો અરવિંદ કેજરીવાલની વેશભૂષમાં પણ જોવા મળ્યા. આ ઉપરાંત દિલ્હીના અનેક ભાગોગી આપ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ.
 • શપથગ્રહણ સમારોહમાં આશરે એક લાખથી વધારે લોકો હાજરી આપશે તેવો આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. શપથ સમારોહમાં પીએમ મોદી, છોટે મફલર મેન, દિલ્હીના સાતેય સાંસદ અને ચૂંટાયેલા ભાજપના આઠ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યુ છે

દિલ્હી રાજ્યને પૂર્ણ કદનો દરજ્જો મળ્યો ન હોવાથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકેની મંજૂરી આપતાં કેજરીવાલ તેમના ૬ ધારાસભ્યો સાથે આવતી કાલ ૧૬ ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાન પર આયોજિત ભવ્ય સમારોહમાં સીએમ પદનો હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે.

દિલ્હી વિધાનસભાની પ્રતિષ્ઠાના જંગ સમાન ૭૦ બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં આપ પાર્ટીને સતત બીજી વખત પ્રચંડ બહુમતી મળી હતી. આપ પાર્ટીએ ૭૦માંથી ૬૨ બેઠકો જીતી છે જે બહુમતી માટે ૩૬ બેઠકો કરતાં વધારે છે. સરકારના જાહેરનામા મુજબ રાષ્ટ્રપતિએ છ ધારાસભ્યોની પણ મુખ્ય પ્રધાનની સલાહ પર પ્રધાન તરીકે નિમણૂક કરી છે. તેઓ પણ આજે પ્રધાનપદના શપથ લેશે.

કેજરીવાલ સાથે ૧૬ ફેબ્રુઆરીએ શપથ લેનારા છ પદનામિત પ્રધાનોમાં ભૂતપૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ‘રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલની નિમણૂક કરતાં રાષ્ટ્રપતિ હર્ષની લાગણી અનુભવે છે. શપથ લેવાના દિવસથી તેમની નિમણૂક અસરકારક રહેશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપએ ૭૦માંથી ૬૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને બીજેપીને માત્ર આઠ બેઠકો મળી હતી. કૉન્ગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લઈને હૅટ-ટ્રિક નોંધાવશે. તેઓ ૨૦૧૩માં ૪૯ દિવસ માટે અને ૨૦૧૫માં પાંચ વર્ષ સુધી સીએમ પદે રહ્યા હતા. દિલ્હીના મતદારોએ સતત ત્રીજી વાર આપને સત્તા સોંપી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાનોની યાદી

ચૌધરી બ્રહ્મ પ્રકાશ (કૉન્ગ્રેસ)
૧૭ માર્ચ ૧૯૫૨થી ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૫ (બે વર્ષ ૩૩૨ દિવસ)

ગુરુમુખ નિહાલ સિંહ (કૉન્ગ્રેસ)
૧૩ ફેબ્રુઆરી ૧૯૫૫થી ૩૧ ઑક્ટોબર ૧૯૫૬ (૧ વર્ષ ૨૬૧ દિવસ)

મુખ્ય પ્રધાનપદ હટાવવામાં આવ્યું: (૧ નવેમ્બર ૧૯૫૬થી ૧ ડિસેમ્બર ૧૯૯૩) દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો.

મદનલાલ ખુરાના (બીજેપી)
બીજી ડિસેમ્બર ૧૯૯૩થી ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ (૨ વર્ષ ૮૬ દિવસ)

સાહિબસિંહ વર્મા (બીજેપી)
૨૭ ફેબ્રુઆરી ૧૯૯૬થી ૧૨ ઑક્ટોબર ૧૯૯૮ (બે વર્ષ ૨૨૭ દિવસ)

સુષમા સ્વરાજ (બીજેપી)
૧૩ ઑક્ટોબર ૧૯૯૮થી ૩ ડિસેમ્બર ૧૯૯૮ (૫૧ દિવસ)

શીલા દીક્ષિત (કૉન્ગ્રેસ)
૪ ડિસેમ્બર ૧૯૯૮થી ૨૭ ડિસેમ્બર ૨૦૧૩ (૧૫ વર્ષ ૨૪ દિવસ)

અરવિંદ કેજરીવાલ (એએપી-આપ)
૨૮ ડિસેમ્બર ૨૦૧૩થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ (૪૮ દિવસ)

રાષ્ટ્રપતિશાસન :
૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (૩૬૩ દિવસ)

અરવિંદ કેજરીવાલ
(એએપી-આપ) : ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ (પાંચ વર્ષ એક દિવસ)