હેલ્થ Archives - CIA Live

February 21, 2020
kamalhassan.jpg
1min400

કમલ હાસનની નવી ફિલ્મના શૂંટિંગ વખતે સેટ પર ક્રેન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં અને નવ જણ ઘાયલ થયા હતા. કમલ હાસને મૃતકોના કુટુંબી અને ઘાયલો માટે એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત બુધવારે રાતે થયો હતો. કમલ હાસનની ફિલ્મ ‘ઇન્ડિયન-૨’નાં શૂટિંગ માટે સેટ ઊભો કરતી વખતે ક્રેન તૂટી પડયું હતું. એ વખતે શૂટિંગ ચાલું હતું.

આ દુર્ઘટનામાં સહાયક નિર્દેશક ક્રિશ્ર્ના, કલા સહાયક ચન્દ્રન અને પ્રોડ્કશન સહાયક મધુ મરણ પામ્યા હતા.

ક્રેન ઑપરેટર નાસી ગયો છે, પણ પોલીસે કેસ નોંધી એને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કમલ હાસન, ફિલ્મની હિરોઇન કાજલ અગરવાલ, ધનુષ અને પ્રોડયુશરોએ આ દુર્ઘટના બદલ દિલસોજી વ્યક્ત કરી હતી. કમલ ઘાયલોને મળવા બુધવારે રાતે હૉસ્પિટલમાં ગયો હતો.

કમલે જણાવ્યું હતું કે પોતે અને ફિલ્મનો ડિરેક્ટર શંકર જો થોડી ક્ષણો અગાઉ ત્યાંથી આઘા ન ખસ્યા હોત તો અમે પણ મરણ પામ્યા હોત. ડિરેક્ટર અને કૅમેરામેન ત્યાંથી આઘા ખસ્યા અને ચાર સેક્ધડ અગાઉ હું મારી હિરોઇન સાથે ત્યાં ઊભો હતો. અમે થોડાક માટે મરતા બચ્યા છીએ અને જો અમે એ વખતે ત્યાંથી થોડાક આઘા ન ખસ્યા હોત તો આજે અમારા વિશે અન્ય કોઇ દિલસોજી વ્યક્ત કરી રહ્યું હોત.

ગુરુવારે ટ્વિટર પર એણે આ અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં અનેક અકસ્માત જોયા છે અને એમાંથી પસાર પણ થયો છું, પણ આ અકસ્માત સૌથી ભયાનક હતો. મેં મારા ત્રણ સહકર્મી ગુમાવ્યા છે.

મારા દુ:ખ કરતા મૃતકોના કુટુંબીઓનું દુ:ખ અનેકગણું હશે અને હું એમના દુ:ખમાં સહભાગી છું.

February 8, 2020
coronavirus.jpg
1min430

ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં ૮૬નાં મોત થતાં કુલ આંકડો ૭૨૩નો થયો છે. આ વાઈરસથી ઈન્ફેકશનના કેસ ૩૪૫૪૬ થઈ ગયા છે, એમ ચીનના હેલ્થ મિશને જણાવ્યું હતું. વુહાન બાદ હુબેઈ પ્રાન્તમાં મોત વધી રહ્યા છે. નજીકના હોંગકોંગમાં પણ એક મરણ થયું છે. અમેરિકા-જાપાનમાં પણ આ વાઈરસથી ઘણા મોત થયા હતા.

૬૧૦૧ દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૯ લાખ લોકો નિગરાની હેઠળ છે. સિંગાપોરમાં ૩૩નાં મોત થયા છે. દર્દીને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા છે એવા ૨૦૫૦ લોકો છે જેેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.

કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓને શોધવા માટે ઘરે ઘરે જઈને તપાસ થઈ રહી છે. અમુક દર્દીઓ આ વાઈરસ વિશે છુપાવતા હોવાની ફરિયાદ પણ આવતી રહી છે. જેઓ સારવારનો ઈનકાર કરે તેને સમજાવવા પોલીસની મદદ લેવાય છે.

News on 8 February

કોરોના વાઈરસ સામે ચીનમા જનયુદ્ધ

ચીનમાં નવા જીવલેણ કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૬૩૭ જણનો ભોગ લેતાં ચીને આ મહામારી વિરુદ્ધ જનયુદ્ધ આરંભ્યું છે.

કોરાના વાઈરસને કારણે ગુરુવારે વધુ ૭૩ જણનાં મોત સાથે ચીનમાં આ મહામારીનો મરણાંક ૬૩૭ પર પહોંચ્યો હતો.

મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના આ વાઈરસના મુખ્ય કેન્દ્ર ગણાતા હુબેઈ પ્રાન્તના હોવાનું ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું.

કોરોના વાઈરસના ક્ધફર્મ કેસનો આંક ૩૧૦૦૦ને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

ચીન અને ભારત સહિત વિશ્ર્વના ૨૭ કરતા પણ વધુ દેશ આ વાઈરસની સામે ઝઝુમી રહ્યા છે.

વુહાન અને હુબેઈ પ્રાન્તમાંથી આવતા પ્રવાસીઓને કારણે આ મહામારીનો વ્યાપ વધી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

વિદેશમાં કોરાના વાઈરસના કુલ ૨૨૦ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

કેરળમાં અત્યાર સુધીમાં કોરાના વાઈરસના ત્રણ કેસ નોંધાયા હોવા વચ્ચે ૬૪૭ ભારતીયને વુહાનમાંથી સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

હુબેઈ પ્રાન્ત અને તેની રાજધાની ગણાતા વુહાન શહેરમાં ગુરુવારે કોરોના વાઈરસને કારણે ૬૯ જણનાં તો જિલિન, હેનાન, ગ્વાન્ગડૉન્ગ અને હૈનાનમ પ્રત્યેકમાં એક જણનું મોત થયું હોવા ઉપરાંત ૩૧૪૩ નવા સેક નોંધાયા હોવાનાં અહેવાલ છે.

ચીનના આરોગ્ય અધિકારીઓએ દેશના શ્રેષ્ઠ આઈસીયુ સ્ટાફ સહિત તબીબી ક્ષેત્રના ૧૧૦૦૦ કર્મચારીઓને વુહાન મોકલ્યા હતા જેમાં ૩૦૦૦ ડૉક્ટર, નર્સ અને ઈન્ટેન્સિવ કૅઅર સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

January 28, 2020
Wuhan.jpg
2min530

 ચીનમાં આતંક મચાવતા ખતરનાક કોરોના વાયરસે અત્યાર સુધીમાં 170નો ભોગ લઈ લીધો છે. તો જેની દહેશત હતી એવો આ વાયરસ હવે ભારતમાં પણ પગપેસારો કરી ગયો છે અને પહેલો કેસ કેરળમાં નોંધાયો છે.’ ચીનથી પાછા ફરેલા કેરળના છાત્રમાં કોરોના વાયરસના ચેપને સમર્થન અપાયું છે. બીજીબાજુ બંગાળમાં કોરોનાના સંદિગ્ધ લક્ષણો ધરાવતી થાઈલેન્ડની એક મહિલાનું મૃત્યુ થયું છે. તો મેલેશિયામાં ત્રિપુરાના એક વ્યકિતનું કોરોનાથી મૃત્યુ થયું છે.

કેરળનો આ છાત્ર ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તેની તબિયત સ્થિર છે અને તબીબો તેની સારવાર અત્યારે કરી રહ્યા છે.’ બીજીતરફ, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં પણ કોરોના વાયરસના સંદિગ્ધ દર્દીઓના મામલા સામે આવ્યા છે. અગાઉ,’ જયપુર, મુંબઈ અને બિહારના છપરામાં આ દર્દીના કેસ સામે આવ્યા હતા.

દિલ્હીની હોસ્પિટલ તેમજ એરપોર્ટ પર કોરોના વાયરસની પૂરી તપાસ કરવા માટેની વ્યવસ્થા કરી દેવાઈ છે.

દરમ્યાન, ભારતમાંથી ચીન તરફ ઉડાન ભરનારી બે ભારતીય એરલાઈન્સ ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ પોતાની મોટાભાગની ઉડાનો સ્થગિત કરવાની ઘોષણા કરી નાખી છે.
ભારતે હુબેઈ પ્રાંતથી પોતાના નાગરિકો પાછા લાવવા માટે બે ઉડાનો સંચાલિત કરવાની અનુમતિ આપવાનો ચીનને અનુરોધ કર્યો છે.

ભારતની સરકારે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરતાં પોતાના નાગરિકોને ચીનની યાત્રા હાલ પૂરતી ટાળવાની સલાહ આપી છે.

132ના મોત, 5974 કેસો : ઝડપથી પ્રસરી રહેલો રોગચાળો

ચીનમાં ફેલાયેલા કોરોનાવાયરસના પ્રકોપથી મરનારાની સંખ્યા વધીને 132 સુધી પહોંચી ગઇ છે. અહીના 30 રાજ્યોમાં કોરોનાવાયરથી સંક્રમિત 5974 જેટલા પોઝિટિ વ મામલાઓની પુષ્ટિ કરવામાં આવી છે. 

આ સિવાય ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ આયોગ મુજબ કોરોનાવાયરસથી પીડિત 976 દર્દીઓની સ્થિતિ ગંભીર છે અને આગામી અઠવાડિયા સુધી આ ખતરનાક વાયરસના ભરડામાં સાત હજાર લોકો આવી શકવાની આશંકા છે. 

સારવાર દરમિયાન સ્વસ્થ બનેલા 60 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ચીનના શિક્ષણ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે વાયરસના પ્રકોપને કારણે શાળાઓ માટે 2020ના સ્પ્રિંગ સેમેસ્ટરને રદ કરવામાં આવ્યું છે. 

ચીનના વુહાનમાંથી ભારતીયોને લાવવાની તૈયારીઓ

સરકારે સોમવારે ચીનની હુબેહી પ્રાંતના વુહાન શહેરમાંથી ભારતીયોને લાવવાની તૈયારી શરૂ કરવા નિર્ણય કર્યો હતો. ચીનમાં કોરોના વાઇરસથી ફાટી નીકળેલા રોગચાળાથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવાનો કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના વડપણ હેઠળની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય આ બાબતમાં ચીનના સત્તાવાળાઓની મદદ માગવા વિનંતી કરશે.

ચીનથી આવી રહેલા પ્રવાસીઓનો બંદરો પર સ્ક્રિનિંગ કરવાનું પણ શિપિંગ મંત્રાલય શરૂ કરશે એવી માહિતી આપવામાં આવી હતી. દરમિયાન ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ સોમવારે કહ્યું હતું કે કોરોના વાઇરસથી વૈશ્ર્વિક જોખમ ઊભું થયું છે અને અગાઉ આપેલા સંદેશમાં સામાન્ય શબ્દ કહેવામાં આવ્યો હતો તે એક ભૂલ હતી.

દરમિયાન કોરોના વાઇરસ રોગચાળાથી મૃતકોની સંખ્યા ૮૦ થઇ હતી અને ૨,૭૪૪ દર્દી છે તેવી ચીનના સત્તાવાળાઓએ જાણ કરી હતી. ૪૬૧ દર્દીઓની હાલત ગંભીર છે તેવું નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું.

ચીનમાં પ્રવાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા હોવાથી એશિયાના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો કારણ કે ચીનના પ્રવાસીઓની સંખ્યા ઘણી મોટી હોય છે.

દરમિયાન કેન્દ્ર સરકારે નેપાળની ભારત સાથે સરહદ પર ચોકસાઇ વધારી દીધી છે. પ.બંગાળના પાણીટંકી અને ઉત્તરાખંડના ઝૂલાઘાટ અને જાવલીબીમાં ડૉક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. નેપાળની સરહદ પર આવેલા પાંચ રાજ્ય યુપી, ઉત્તરાખંડ, બિહાર, પ.બંગાળ અને સિક્કિમના ચીફ સેક્રેટરી અને પોલીસવાળા સાથે કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી પ્રિતી સુદાને વીડિયો કોન્ફરન્સ કરી હતી.

દરમિયાન કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયને વડા પ્રધાન મોદીને પત્ર લખી ચીનમાં અટવાયેલા ભારતીયોને ઍરલિફ્ટ કરવા વિનંતી કરી હતી. ચીને નવા વર્ષનું રજાનું વેકેશન શુક્રવારે પૂરું થતું હતું તે વધારીને રવિવાર સુધી કર્યું હતું. રજા પછી પણ શાળાઓ ખોલવાનું લંબાવવામાં આવ્યું હતું. ચીનના વડા પ્રધાન લી કેકિયાંગ વુહાનમાં ગયા હતા અને રોગચાળાના નિયંત્રણ માટેના પગલાંની સમીક્ષા કરી હતી.

January 27, 2020
kobe.jpg
1min520

રિટાયર્ડ બાસ્કેટબોલ સ્ટાર કોબી બ્રાયંટ(41)નું રવિવારે હેલિકોપ્ટર ક્રેશમાં મોત નિપજ્યું હતું. કેલિફોર્નિયાના કેલાબેસસમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં કોબી સહિત 9 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના એટલી ગમખ્વાર હતી કે હેલિકોપ્ટરમાં બેઠેલું કોઈ બચી શક્યું નહીં. કોબી પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA)માં 20 વર્ષ સુધી રમ્યો હતો અને 5 ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. તેના મોતથી ખેલાડીના ફેન્સમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

લોસ એન્જલસથી લગભગ 65 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ કોબીનું પ્રાઈવેટ હેલિકોપ્ટર હતું. કહેવાય છે કે હેલિકોપ્ટર હવામાં હતું ત્યારે જ આગ લાગી ગઈ હતી અને પછી તે ચક્કર ખાતા નીચે પડી ગયું હતું. ક્રેશના કારણે નીચે જંગલી વિસ્તારમાં પણ આગ લાગી ગઈ હતી જેથી દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર સુધી પહોંચવામાં બચાવ દળને પણ ખૂબ જ મુશ્કેલી પડી હતી.

અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ સિકોરસ્કાઈ એસ-76 કરી છે. બ્રાયન કોબી લોસ એન્જલસ લેકર્સના સ્ટાર પ્લેયર હતા તે સમયે પણ પોતે ગમે ત્યાં જાય હેલિકોપ્ટર મારફત જ જતા હતા. પોતાની 20 વર્ષની કરિયરમાં બ્રાયન કોબી 18 વાર NBA ઓલસ્ટાર રહ્યા. કોબીની પાછળ હવે તેમની પત્ની અને ચાર દીકરીઓ પરિવારમાં છે.

January 25, 2020
coronavirus.jpg
1min600

ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કૉરોના વાઈરસને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહેલા ચીને શનિવાર તા.25મી જાન્યુઆરી 202ના રોજ કહ્યું હતું કે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 41 વ્યક્તિનો ભોગ લેનારાં આ જીવલેણ વાઈરસનો ભોગ બનેલા દરદીઓ માટે શરૂ કરવામાં આવેલી ૧૦૦૦ પલંગ ધરાવતી હૉસ્પિટલમાં 1500 કરતા પણ વધુ દરદી ભરતી થયા હોવાનાં અહેવાલને સમર્થન આપ્યું હતું. દરદીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી હોવાનું તેમણે કહ્યું હતું.

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારના રોજ જાહેર કર્યું હતું કે, વાયરસની લપેટમાં આવેલા 1287 મામલાઓમાંથી 237 લોકોની સ્થિતિ ગંભીર છે. ન્યૂમોનિયા જેવા આ વાયરસના કારણે અત્યારસુધીમાં 41 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ચીનના મધ્ય હુબેઈમાંથી 39 મોત નિપજ્યા છે જ્યારે એક મોત ઉત્તરપૂર્વીય હીલોંગજિયાંગમાં થયું છે. આયોગે જણાવ્યુ કે કુલ 1965 સંદિગ્ધ મામલાઓ નોંધાયા હોવાનો અહેવાલ છે. વુહાન અને હુબેઈમાં તમામ સાર્વજનિક અવરજવર સદંતર રીતે બંધ કરી દેવામાં આવી છે. 

બીમારીને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ ચીને જીવલેણ વાઈરસનું મુખ્ય કેન્દ્ર ગણાતા શહેરની આસપાસના વધુ ચાર શહેરમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લાદતા કુલ ૧૩ શહેરના ૪.૧ કરોડ લોકો પર તેની અસર થઈ છે.

વાઈરસ સૌપ્રથમ જ્યાં જોવા મળ્યો હતો તે સેન્ટ્રલ હુબેઈ પ્રાન્તમાં આવેલા ઝિયાનિંગ, ઝિયાગાન, ઍન્શી અને ઝિજિયાન્ગ શહેરના અધિકારીઓએ કહ્યું હતું કે આ શહેરોમાં બસ અને રેલવે સહિતની તમામ પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે.

૮૦૦ કરતા પણ વધુ લોકોને ચેપ લગાડનાર નવા કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા છેલ્લા ૨૪ કલાક દરમિયાન જે ચાર શહેરમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો તેમાં ઉપરોક્ત શહેરોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

હુબઈ પ્રાન્તની રાજધાની ગણાતા વૂહાન શહેરમાં સૌપ્રથમ આ વાઈરસ દેખાયો હતો.

આ શહેરની સીફૂડ અને ઍનિમલ માર્કેટ આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું.

સાડાપાંચ લાખની વસતિ ધરાવતા ઝિજિયાન્ગમાં ફાર્માને બાદ કરતા તમામ બિઝનેસ તો આઠ લાખની વસતિ ધરાવતા ઍન્શીમાં મનોરંજનનાં તમામ સ્થળો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

January 15, 2020
108.jpg
1min2120

અકસ્માતજન્ય અને ભારે ઉપદ્રવી બન્યો પતંગોત્સવ : સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના ધજ્જીયા ઉડ્યા

મકરસંક્રાંતિ સમગ્ર ભારતનો તહેવાર છે પરંતુ, ગુજરાતમાં આ તહેવારે પતંગ ચગાવવાનો રિવાજ પણ વિશ્વભરને ગુજરાતમાં આકર્ષિત કરે છે, મકરસંક્રાંતિએ ઉજવાતો ગુજરાતના આ પતંગોત્સવના પરીમાણો પણ આઘાતજનક રીતે બદલાયા છે. 2020નો પતંગોત્સવ ગુજરાતમાં અકસ્માતનો ઉત્સવ બની ગયાની અનુભૂતિ થઇને રહે છે.

આ વાતની પ્રતીતિ અને હદ તો ત્યારે થઇ કે 14મી જાન્યુઆરીની રાત્રે જાણવા મળ્યું કે પતંગોત્સવના 24 કલાક દરમિયાન રાજ્યમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ સેવા 108 એમ્બ્લ્યુલન્સને 3478 કોલ્સ મળ્યા અને આ કોલ્સમાં પતંગના દોરાથી ગંભીર રીતે ઇજા પામેલા રાહદારોઓ, વાહનચાલકોને તત્કાળ હોસ્પિટલ પહોંચાડવાના હતા, અગાસીઓ, ધાબાઓ પરથી પડવાના હતા, મારામારીમાં ઇજા પામેલાઓને હોસ્પિટલ પહોંચાડવાના હતા. ખરેખર 2020ની ઉતરાણ (પતંગોત્સવ) અકસ્માતોનો ઉત્સવ બન્યો હોય એવું એટલા માટે માનવું પડે કેમકે 2019માં પતંગોત્સવના પર્વે 108 એમ્બ્યુલન્સ સેવાઓના રાજ્યભરમાંથી 3055 કોલ્સ મળ્યા હતા. જેમાં 2020 400 પ્લસ ઇમરજન્સી કોલ્સ વધુ હતા.

ચોંકાવનારી બાબત તો એ છે કે ઘાતક પતંગના દોરા નહીં વાપરવા અંગે કડકમાં કડક સૂચનાઓ અપાઇ હોવા છતાં એ ધૂમ વેચાયા અને તેના કારણે રાજ્યમાં 186 જેટલા કમનસીબ લોકોના ગળા કપાયા અથવા તો શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. આ તમામ લોકોને 108 એમ્બ્યુલન્સે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ સિવાય ખાનગી દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ લેનારા તો કેટલાય હશે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ આ દોરીએ અનેકને ઈજાગ્રસ્ત કર્યા હતાં.

પારીવારીક ઉત્સવ ઘોંઘાટીયો બન્યો, પાવરફૂલ ડીજેથી વૃદ્ધો આખો દિવસ ત્રસ્ત

ઉતરાયણ પર્વ સામાન્ય રીતે પારીવારીક ઉત્સવ તરીકે ઉજવાતો, પરંતુ, યુવા પેઢીના અણસમજુઓએ અગાસીઓ પર પાવરફૂલ ડીજે મૂકીને આખાને આખા વિસ્તારોને આખો દિવસ બાનમાં લીધા. ખાસ કરીને એપાર્ટમેન્ટોની અગાસીઓ પર એટલા મોટા અવાજે ડીજે મ્યુઝિક સિસ્ટમ પર ઘોંઘાટીયા ગીતો વાગ્યા અને તેને કારણે સમગ્ર વિસ્તાર તો બાનમાં લેવાયો પણ વૃ્દ્ધ નાગરિકોએ આખો દિવસ ભારે તકલીફ વેઠવી પડી હતી. કેટલાક વિસ્તારોમાં તો અગાસીઓ પર જાણે મ્યુઝિક વોર ખેલાયું હોય તે રીતે સામસામા ગીતોના અવાજો અથડાતા, સૂરતીઓને આ માહોલ જાણે ફેસ્ટિવલનો માહોલ લાગ્યો પણ અનેક લોકોને તકલીફ પડી તે વિસરી દેવાયું હતું.

સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના ધજ્જીયા ઉડ્યા

સરકારી તંત્રોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન મૂકવા માટે મહિનાઓથી ઝુબેશો હાથ ધરી. ખાસ કરીને શાકભાજી વેચતા ફેરીયાઓને મોટા પાયે દંડ કરવામાં આવ્યા. બીજી તરફ ઉતરાયણ પર્વે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના તો એવા ધજ્જીયા ઉડ્યા કે ન પૂછો વાત. સૂરતમાં દરેક ચાર રસ્તા પર સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલા રમકડાંઓ વેચાય રહ્યા હતા. વિવિધ આકારના પ્રાણીઓ, કાર્ટૂન પાત્રો એવા પ્લાસ્ટિકમાંથી બનાવેલા હતા કે જેનો કચરો 15મીએ અને 16મીએ દેખાશે. આ તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલા હતા અને ત્યારે સૂરત મહાનગરપાલિકા કે અન્ય કોઇ તંત્રોએ આ ઉપદ્રવ સામે કોઇ કાર્યવાહી કરી નહીં.

December 11, 2019
assam.jpg
1min540

નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ આવી રહ્યા છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પ્રદર્શન વધતા દિબ્રુગઢમાં સેના પણ બોલાવવામાં આવી છે અને ઘણી ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે અને કેટલાકના રૂટ બદલી દેવામાં આવ્યા છે. ઘણી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં વિરોધ પ્રદર્શન વધારે ઉગ્ર બની રહ્યું છે. બુધવારે પ્રદર્શનકારીઓએ રાજધાની દિસપુરમાં જનતા ભવન નજીક બસોમાં આગ ચાંપી દીધી હતી. અહેવાલ પ્રમાણે વિરોધ પ્રદર્શન હિંસક બનતા સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને પ્રદેશના 10 જિલ્લામાં બુધવારે સાંજે સાત વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

ઈન્ટરનેટ સેવાઓ 12 ડિસેમ્બર સાંજે સાત વાગ્યા સુધી લખીમપુર, તિનસુકિયા, ઢેમાજી, દિબ્રુગઢ, ચરાયદેવ, શિવસાગર, જોરહાટ, ગોલઘાટ, કામરૂપ મેટ્રો અને કામરૂપ જિલ્લામાં બંધ કરવામાં આવી છે.

રાજધાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓને સચિવાલય તરફ આગળ વધતા જોયા બાદ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થીઓએ જીએસ રોડ પર રાખવામાં આવેલા બેરિકેડ્સ તોડી દીધા હતા અને તે જોતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

November 7, 2019
crop_insurance.jpg
1min540

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહા વાવાઝોડું અને અકુદરતી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કૃષિપ્રધાન આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય વીમા કંપનીઓએ 10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહશે. પછીના 15 દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે. ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે.

ફળદુએ કહ્યું કે, ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો. માવઠાને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાનીનો સામનો કરવો પડયો છે. વીમા કંપનીઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ વીમા કંપનીના ફોન લાગતા ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે. જેને અનુલક્ષીને ચારેય કંપનીઓને 10 દિવસમાં સર્વે કરી 15 દિવસમાં વળતર ચૂકવવા જણાવવામાં આવ્યું છે.

કૃષિપ્રધાને કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનના અંદાજિત આંકડા આપતા કહ્યું કે, અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી 1.57 લાખ અરજી મળી છે. જે પ્રમાણે 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય.

અમરેલી જિલ્લામાં ખેડૂતો પાસે સર્વેની કામગીરી માટે પૈસા લેવાનો વીડિયો વાયરલ થવા અંગે ફળદુએ કહ્યું કે, સરકારે અમરેલી જિલ્લાના અધિકારીઓને તેની સામે પગલાં લેવાની સૂચના આપી દીધી છે. એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ તેમણે મગફળી સહિત ટેકાના ભાવે ખરીદી 15મી નવેમ્બરથી રાજ્યમાં શરૂ કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.’

November 3, 2019
maha.jpg
1min1230

ગુજરાત પર મંડળાય રહેલા મહા વાવાઝોડાના ખતરામાં રોજેરોજ નવા ડેવલપમેન્ટ થઇ રહ્યા છે. મહા વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં સક્રિય છે, આજે આ વાવાઝોડું ગંભીર સ્વરૂપ ઘારણ કરશે. હાલમાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના બંદરો પર બે નંબરનું ભયજનક સિગ્નલ યથાવત છે. વેરાવળ બંદર પર બોટના ઢગલા જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ હજુ પણ કેટલીક બોટ મધદરિયામાં છે.

તા. 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે ટકરાય તેવી સંભાવના તા.3 નવેમ્બર 2019ના રોજ દેશના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

તા.3 નવેમ્બર 2019ની બપોરે જ્યારે આ લખાઇ રહ્યું હતું ત્યારે મહાવાવાઝોડું પૂર્વ સમુદ્ર તરફ જઈ રહ્યું છે પરંતુ, તેની પેટર્ન જોતા સોમવાર તા.4 નવેમ્બરે તે કર્વ લઈને ગુજરાત તરફ ફરી ફંટાશે.

ગુજરાત પર હવે ફરીથી વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. જ્યારે વાવાઝોડું ગુજરાત પર ટકરાશે ત્યારે પવનની ઝડપ 100 કિ.મીથી 110 કિ.મી. રહેશે. હવામાન વિભાગના મતે 6 નવેમ્બરના મધરાતે તેમજ 7મીના વહેલા વાવાઝોડું ગુજરાતને ઘમરોળી શકે છે.

November 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min530

ક્લાઉડી ક્લાઇમેટથી કંટાળ્યા, લોકો હરવા-ફરવાનો મૂડ બગડી ગયો

દિવાળી, નવા વર્ષ જેવા પર્વો વરસાદી માહોલ અને સતત ક્લાઉડી ક્લાઇમેટમાં ગુજાર્યા બાદ હવે લાભ પાચમ અને દિવાળી વેકેશનના છેલ્લા ફેઝમાં પણ સતત વાદળછાયું વાતાવરણ, ઝરમરીયા વરસાદી માહોલથી લોકો કંટાળી ચૂક્યા છે. સમગ્ર પશ્ચિમ ભારતમાં આ માહોલ છે. શનિવારે સવારે સૂરતીઓ ઉઠ્યા ત્યારે એટલો વરસાદ હતો કે જાણે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હોય. સતત ક્લાઉડી ક્લાઇમેટને કારણે સૂરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રવાસીઓ, મુંબઇગરા સમેતના લોકો કંટાળ્યા છે અને સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી રહ્યા છે કે હવે આ વરસાદ ક્યારે બંધ થશે

દિવાળી પછી લોકો હરવા ફરવાની મજા ઉઠાવતા હોય છે પણ સમગ્ર પશ્ચિમ ભારતમાં પહેલા ક્યાર નામનું વાવાઝોડું અને હવે મહા નામનું વાવાઝોડું વરસાદ, વાદળછાયું વાતાવરણ અને સૂસવાટા ભર્યા પવનનો માહોલ સર્જી રહ્યું હોઇ, હરવા ફરવાની મજા ફિક્કી પડી રહી છે.

ગુજરાત, મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હજુ ચોમાસું પૂરું થયું જ નથી એ રીતે આ વર્ષે વરસાદથી રાહત મળવાના કોઈ ચિહ્નો હાલ તુરત દેખાતા નથી. પાછોતરા વરસાદે મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ ‘ક્યાર’ વાવાઝોડું આવ્યું. અને મુંબઈ-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો. હવે અરબી સમુદ્રમાં ફરી ‘મહા’ વાવાઝોડું સર્જાયું છે અને આ વાવાઝોડું ૧થી ૮ નવેમ્બર સુધી સક્રિય રહેવાનું છે. શુક્રવાર તા.1લી નવેમ્બર 2019 પછી બપોર પછી રાયગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. મોડી સાંજે મુંબઈમાં પણ વરસાદ ત્રાટક્યો હતો અને આને કારણે નાગરિકોને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સમુદ્ર તોફાની હોવાથી માછીમારોને સમુદ્રમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. આ વાવાઝોડાની અસર આગામી સાત દિવસ સુધી મહારાષ્ટ્ર-ગુજરાત, કર્ણાટક અને ગોવા રાજ્યમાં અનુભવવા મળશે.

ચાર દિવસ પહેલાં જ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને ક્યાર વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. પાછોતરા વરસાદઅને ‘ક્યાર’ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના હજી સુધી પંચનામા થયા નથી, ત્યાં ફરી એક વખત ‘મહા’ નામનું વાવાઝોડું ત્રાટક્યું છે. પુણે વેધશાળાએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે પુણેમાં ૬ અને ૭ નવેમ્બરે વરસાદની શક્યતા છે. મહા વાવાઝોડું ૪૦-૬૦ કિલોમીટરની ગતિએ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને સમુદ્રમાં ૮-૧૨ ફૂટ ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.