CIA ALERT
29. March 2024

ગુજરાત Archives - Page 3 of 141 - CIA Live

October 30, 2022
PM_Modi.jpg
1min216

ગુજરાતના જે વિસ્તારોમાં ભાજપ ક્યાંય નબળો જણાઈ રહ્યો હોય એવા વિસ્તારોમાં પીએમ મોદી રેલી અને સભાઓ યોજીને માહોલ ભાજપ તરફી કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યાં છે. એના જ ભાગરૂપે વડાપ્રધાન મોદી તા.30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બપોરે વડોદરામાં રોડ શો કર્યા બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં રક્ષા ક્ષેત્રે કરોડોના રોકાણની જાહેરાત પણ કરશે. વડોદરાના કાર્યક્રમ બાદ તેઓ કેવડિયા રવાના થશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે.” વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરી કેવડિયા માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
કેવડિયાથી વડોદરા એરપોર્ટ અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદથી થરાદ જવા રવાના થશે. થરાદમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જનસભાને સંબોધન બાદ વડાપ્રધાન અમદાવાદ પરત ફરશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાન મોદી 1 નવેમ્બરે સવારે સચિવાલયથી માનગઢ જવા રવાના થશે. માનગઢમા’ જનસભાને સંબોધન કરશે. માનગઢ થી વડાપ્રધાન બપોરે જાંબુઘોડા પહોંચશે જ્યાં નવી મેડિકલ’ કોલેજ સહિતના કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જંગી જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. જાંબુઘોડાથી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે.

ગાંધીનગર મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમને વડાપ્રધાન સંબોધશે. સ્નેહમિલન કાર્યક્રમ બાદ રાત્રે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે.

October 30, 2022
ucc_gujarat.png
1min260

કેન્દ્રની સરકારે દેશના તમામ નાગરિકોને સમાન હક્ક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાના કરેલા નિર્ણયના અનુસંધાને ગુજરાત સરકારે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. એટલે કે ગુજરાતમાં ટૂંકસમયમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ શરૂ થઇ શકે છે.

રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કોમન સિવિલ કોડ માટે કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. 

આ બેઠકમાં કેબિનેટના તમામ મંત્રીઓએ મુખ્યમંત્રીને કોમન સિવિલ કોડનો અમલ કરવાનો અધિકાર આપ્યો છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આ કોડના કારણે જ્ઞાાતિ, જાતિ કે ધર્મ આધારિત કાયદાની વિસંગતતા દૂર થશે. સામાજીક સદભાવના વધશે. 

મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ થશે.

તેમણે કહ્યું કે જમીન, સંપત્તિ, વારસાઇ, દાન, લગ્ન, છૂટાછેડા તમામ જગ્યાએ ધર્મ આધારિતના બદલે માનવતા અને ન્યાય આધારિત નિર્ણયો સમાનતા લાવશે.  ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં અને ત્યારપછી ભાજપની સરકારો છે તે રાજ્યોમાં કોમન સિવિલ કોડની અમલીકરણના પ્રશ્ન પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ધ્યાન અપાયું છે. ગુજરાત પણ હવે તે દિશામાં આગળ વધી રહ્યું છે.

બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો કે નહીં તેનો નિર્ણય માત્ર સંસદ દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જ લઇ શકાય, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય ન લઇ શકાય ના તો તેનો અમલ થઇ શકે. ગુજરાતની ભાજપ સરકાર લોકોને મોંઘવારી, બેરોજગારીથી ધ્યાન ભટકાવીને મુર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી નજીક આવી રહી છે તેથી આ મામલો ઉછાળવામાં આવ્યો છે. 

October 18, 2022
cng.png
1min219

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી દિવાળી પહેલાં રાજ્ય સરકારે ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગના પરિવારોને વર્ષમાં એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે સીએનજી અને પીએનજીમાં ૧૦ ટકા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવામાં આવ્યો છે. આ બન્ને નિર્ણયમાં કુલ ૧૬૫૦ કરોડની રાહત આપવામાં આવી છે.

રાહતરૂપિયા કરોડમાં
વેટ ઘટાડાથીરૂ. ૧૦૦૦
મફત સિલીન્ડરરૃા. ૬૫૦
CNG ગ્રાહકો૧૪ લાખ પૈકી ૪.૫ રિક્ષાચાલકો
CNG માંકિલો દીઠ રૂ. ૬થી ૭ ઘટશે
PNG માંઘનમીટર દીઠ રૂ. ૫થી ૫.૫૦ ઘટશે
PNG ગ્રાહકો૨૪.૨૧ લાખ

ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને બજેટમાં રાહત થાય તે માટે સરકારે બે મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનામાં વર્ષ દરમ્યાન બે ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ ૩૮ લાખ પરિવારોને મળશે અને તેના થકી ૬૫૦ કરોડ રૂપિયાની બચત થશે.

રાજ્ય સરકારની એલપીજીપી અને પીએનજી સહાય યોજનાના અંદાજે ૨૦,૦૦૦ જેટલા લાભાર્થીઓ દ્વારા ગેસના સિલિન્ડરની રકમની ચુકવણી કર્યા બાદ રિફિલની પૂરેપૂરી ૧૦૫૦ની રકમ ગ્રાહકમાં બેંક ખાતામાં માત્ર ત્રણ દિવસમાં જમા કરવામાં આવશે.

બીજીતરફ સીએનજી અને પીએનજી ગેસમાં ૧૦ ટકા વેટ ઘટાડવાના કારણે સીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે ૬ થી ૭ રૂપિયા તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટરે અંદાજે ૫.૦૦ થી ૫.૫૦ રૂપિયાનો ઘટાડો થશે. મંત્રીએ કહ્યું કે આજે ગુજરાતમાં ઘરેલુ ગેસ જોડાણની સંખ્યા ૨૪.૨૧ લાખ તથા સીએનજી સ્ટેશનની સંખ્યા ૮૫૫ છે.

ગુજરાતમાં ૧૪ લાખથી વધુ સીએનજી વાહનધારકો છે જેમાં માલવાહક વાહન, મુસાફર વાહન અને કારચાલકોના વાહનનો સમાવેશ થાય છે. અંદાજે ૪.૫૦ લાખ જેટલા માત્ર સીએનજી રીક્ષાચાલકોનો સમાવેશ થાય છે. પીએનજી અને સીએનજીમાં વેટના દર ઘટાડવાથી ૧૦૦૦ કરોડ રૂપિયાની રાહત થશે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં બદલાવના કારણે નેચરલ ગેસની કિંમતમાં વધારો થયો હોવાથી નાગરિકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું ભાન સરકારને થયું છે. હકીકતમાં ચૂંટણી આવતી હોવાથી મોંઘવારીથી બચવા સરકારે આ બન્ને જાહેરાત કરી છે.

October 14, 2022
stc_election.png
1min237

દેશના ચૂંટણી પંચે આજે તા.14મી ઓક્ટોબરને શુક્રવારે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી હોઇ, સમગ્ર ગુજરાતમાં રાજકીય તખ્તે ભારે ચહલપહલ સર્જાવા પામી છે.

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સના એજન્ડા કે જાહેરાત અંગે કોઇ જ જાણકારી આપી નથી.

ગુજરાત અને હિમાચલ પ્રદેશ બન્ને એવા રાજ્યો છે જેની પાંચ વર્ષની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે. 

October 8, 2022
cia_edu-1280x925.jpg
2min543

ગુજરાતમાં રાજ્ય સરકારની એડમિશન કમિટીએ વર્ષ 2022-23 માટે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. રજિસ્ટ્રેશન સાથે જ એડમિશન કમિટીએ ચારેય અભ્યાસક્રમોમાં કોલેજો, સીટો, ફી સહિતની વિગતો પ્રકાશિત કરી છે. આ વખતે ગુજરાતમાં હાઇએસ્ટ 35 કોલેજોમાં 6 હજાર સીટો ઉપલબ્ધ બની શકી છે.

MBBSની 35 કોલેજોમાં 6000 સીટ

ડેન્ટલની 13 કોલેજોમાં 1255 સીટ

હોમિયોપેથીની 28 કોલેજોમાં 2289 સીટ

આયુર્વેદિકમાં 37 કોલેજોમાં 3930 સીટ

October 8, 2022
rainingujarat-1.jpg
2min220

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો છે. આજે રાજ્યના ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગ જિલ્લાના સુબિરમાં બે કલાકમાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી ચાર દિવસ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આજે ડાંગના સુબિરમાં સાંજે ૪ થી ૬ એમ બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય આજે જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં ખેડાના માતર, સુરતના ઉમરપાડા, આણંદના તારાપુર-પેટલાદ, ખેડાના મહેમદાવાદ-કઠલાલ-મહુધા, નર્મદાના ગરૃડેશ્વર, સાબરકાંઠાના પ્રાંતિજ, ગાંધીનગરના માણસા, પંચમહાલના કલોલ, અરવલ્લીના મેઘરજ, નર્મદાના નાંદોદ, વડોદરાના દેસરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહી શકે છે. જેમાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે  રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

ચોમાસું વિદાય લેવાની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યાં જ વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કૃષિ નિષ્ણાતોના મતે કાપણીની અવસ્થામાં હોય તેવા તમામ પાકને આ વરસાદથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે. જે પાકને નુકસાન થઇ શકે તેમાં કપાસ, મગફળી, ડાંગર, મકાઇ, બાજરી, તલ, સોયાબિનનો સમાવેશ થાય છે. હજુ વરસાદ પડે અને ખેતરમાં પાણી ભરાયેલા રહે તો પાક કોહવાઇ જાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. વરસાદથી કપાસ કાળું પડવું-રૃ ખરી પડવું, અન્ય પાકમાં ઉત્પાદન ઘટ-ગુણવત્તા ઘટની સમસ્યા નડે તેવી સંભાવના છે.

દરમિયાન આજે અમદાવાદમાં ૩૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અનેક વિસ્તારમાં સાંજે વરસાદ પડયો હતો.

ગુજરાતમાં શુક્રવારે ક્યાં વધારે વરસાદ?

તાલુકો જિલ્લો  વરસાદ

સુબિર  ડાંગ    ૩.૦૦

માતર  ખેડા    ૨.૨૫

ઉમરપાડા      સુરત   ૨.૦૦

મહેમદાવાદ    ખેડા    ૧.૭૫

કઠલાલ ખેડા    ૧.૫૦

ગરૃડેશ્વર        નર્મદા  ૧.૫૦

પ્રાંતિજ સાબરકાંઠા      ૧.૨૫

માણસા ગાંધીનગર      ૧.૨૫

કલોલ  પંચમહાલ      ૧.૨૫

October 3, 2022
Gujarat-map.jpg
1min237

ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ ગયો છે ત્યારે આગામી 15′ અથવા 16 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતાને પગલે દેશના ગૃહ મંત્રી અમિત શાહ તાત્કાલિક ધોરણે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યાર બાદ તેમણે ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે ચૂંટણીલક્ષી બેઠકનો શરૂઆત કરી હતી. આ બેઠકમાં પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ હોદ્દેદારો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપે 182 બેઠકની ચાર ભાગમાં વહેચી દીધી છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપે 182 બેઠકનો ચાર વિભાગ એટલે કે એ, બી, સી અને ડીમાં વહેંચી દીધી છે. જેમાં એમાં 100 ટકા જીતી શકાય તેવી બેઠકો, બીમાં 75 ટકા જીતી શકાય તેવી બેઠકો, સીમાં 50 ટકા જેટલી જીતી શકાય તેવી બેઠકો તેમજ ડીમાં જેમાં ભાજપ ક્યારે જીતી શક્યું નથી તેવી બેઠકોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું.’

ભાજપનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આગામી 13 અને 14 ઓક્ટોબરના રોજ રાજ્યમાં ગરીબકલ્યાણ મેળા રાખવામાં આવ્યા છે. ત્યાર પછી 18થી 22 ઓક્ટોબરના ગુજરાતમાં ડિફેન્સ એક્સ્પો થવાનો છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે રાખવામાં આવ્યું છે.

કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં શરૂ થયેલા બેઠકોના દૌરમાં સરકાર અને સંગઠનના સમન્વય, બૂથ સ્તરની કામગીરી પર ભાર મૂકવા, વર્તમાન પરિસ્થિતિની અંદર જે પણ જે આંતરિક વિરોધ છે તેને ખાળવા મુદ્દે નબળી બેઠકો ઉપર કયા સંયોજકો કે વિસ્તારકો મોકલવાની તે અંગે તેમજ’ ટીમ વર્કથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

October 2, 2022
tulsitanti.jpeg
1min214

દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવી તે શરૂ કરનાર સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે અવસાન થયું છે. 

આજથી 27 વર્ષ પહેલાં પોતાના ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવન ચક્કી શરૂ કરી હતી. 

તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. આ 27 વર્ષમાં કંપનીએ દેશ અને દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે.

શનિવારે તુલસી ભાઈ અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ શો કર્યા હતા તેમજ પત્રકારો સાથે વાતચીત કરી હતી. 

કેન્દ્ર સરકારના રીન્યુએબ્લ એનર્જી ટાસ્ક ફોર્સના તેઓ અધ્યક્ષ હતા અને સરકારને આ ડિશમાં કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપતા હતા.

મૂળ રાજકોટના તુલસીભાઇએ વ્યવસાય માટે અમદાવાદ પસંદ કર્યું હતું અને છેલ્લે 2004માં પુના સ્થાયી થયા હતા. તેમના પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયા છે.

September 30, 2022
mbbs_student_mysy.jpg
1min587

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી

રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રા કન્યા કેળવણી નિધિ યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીને પોતાના સ્વપ્ન સમાન MBBSના ઉચ્ચ અભ્યાસ માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના સાર્થક નિવડી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા લાભાર્થી બરીરાએ જણાવ્યું કે, MYSY અંતર્ગત રૂ. બે લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂ. ચાર લાખની સહાય મળી છે. અને એમ.બી.બી.એસમાં અભ્યાસ દરમ્યાન બંન્ને યોજનાના લાભ થતી કુલ રૂ.૨૭ લાખની શિષ્યવૃતિની સહાય સરકારશ્રી તરફથી મળશે.

વધુમાં બરીરાએ કહ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજની સેવા કરવાનું મારૂ અને પરિવારનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહી તેના  પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા-સ્વાવલંબન યોજનામાં મલ્ટી ઉપયોગી સહાયની જાણકારી મળી એટલે હિંમત આવી અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મીમેર)માં MBBSમાં એડમિશન લીધું. આ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં મને કુલ રૂ.૧૨ લાખની શિષ્યવૃતિ સહાય મળી છે.

 હાલ હું એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી તબીબી ક્ષેત્રની કારકિર્દી પાછળ રાજ્ય સરકારની યોજનાઓ મદદરૂપ બની છે. MYSY યોજના થકી મારૂ ડોક્ટર બનવાનું સપનું હવે હું પુરૂ કરી શકીશ. આ યોજના ન હોત તો મારા માટે ડોક્ટર બનવાનો વિચાર કરવો પણ પોસાય તેમ ન હતો. મારો પરિવાર સરકારનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ એમ બરીરાએ ઉમેર્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે એવો સ્પષ્ટ મત બરીરાએ વ્યક્ત કર્યો હતો.

September 30, 2022
vande-bharat.jpeg
2min209

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાની સાથે ગુજરાતને વધુ એક હાઈસ્પિડ ટ્રેનની ભેટ આપી છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ રૂટ માટેની વંદે ભારત ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આ સુવિધાઓ મળશે

– GSM અથવા GPRS

– ટચ-ફ્રી સ્લાઈડિંગ ડોર

– સીસીટીવી કેમેરા

– પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર

– વેક્યૂમ બાયોટોયલેટ્સ

– સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ

– 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર

– વાઈફાઈની સુવિધા

– દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ્સ

KAVACH ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન

ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેનમાં પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઈડ કેમેરા, તમામ કોચમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો વાપરવામાં આવ્યા છે.

વડાપ્રધાન બપોરે 11:30 કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલના પહેલા ફેઝને લીલી ઝંડી આપશે. સાથે જ તેઓ કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરશે. બપોરે 12:00 કલાકે તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5:45 કલાકે અંબાજી પહોંચશે.

અંબાજીમાં તેઓ 7,200 કરોડથી પણ વધુના કામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. બાદમાં સાંજે 7:00 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરીને સાંજે 7:45 કલાકે ગબ્બર ઉપર મહાઆરતીમાં હાજરી આપશે.