CIA ALERT

ગુજરાત Archives - Page 2 of 51 - CIA Live

September 9, 2019
narmada_dam.jpg
1min200

કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં આઠ સપ્ટેમ્બર રવિવારના રોજ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૬.૧૭ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. નર્મદા ડેમના ૧૨ દરવાજા ખોલાવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા ડેમે ૧૩૬.૧૭ મીટરની સપાટી પાર કરી હતી. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ૪,૪૦,૨૮૯ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩,૨૦,૮૧૯ ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. નવમી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે છ યુનિટ સતત વીજ ઉત્પાદન કરી રહ્યા છે અને આઠ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સુધી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૭૫૦૪ મેગાવોટ વીજ ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ. નર્મદા નિગમના ચીફ ઈજેનરે જણાવ્યું હતું કે હાલ ડેમની ૧૩૬.૧૭ મીટર સપાટી જે આટલા વર્ષોમાં ઐતિહાસિક સપાટી છે અને ૧૩૮.૬૮ મીટર જે ડેમની મહત્તમ સંપત્તિ છે જ્યાં સુધી ડેમ ભરવામાં આવશે ત્યારે આવનારા સમયમાં ગુજરાતને ચોક્કસ ફાયદો થશે.

September 4, 2019
ukai.jpg
1min270

મધ્યપ્રદેશમાં આવેલા ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદના પાણીના થઇ રહેલા આવરાને પગલે ઉકાઇ ડેમની ઉપરવાસમાં સ્થિત હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમની સપાટી ૩૩૯.૫૧ ફૂટ પર પહોંચી ગઈ છે.

આજરોજ તા.4 સપ્ટેમ્બર 2019ના રોજ ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૪૦ ફુટ છે અને ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૨૪૫ ફૂટ છે. જેથી હાલ તંત્ર દ્વારા વરસાદ અને પાણીની આવક પર નજર રાખવામાં આવી છે.

ઉકાઈ ડેમમાં ૫૩૮૩૬ ક્યૂસેક પાણીની આવક થઈ કરી છે અને પાણીની આવક જેટલો જ ચાર દરવાજા ખોલી આઉટ ફ્લો રાખવામાં આવ્યો હતો. ઉકાઇ ડેમનું રૂલ લેવલ અને સપાટી મેન્ટેઇન રાખવા માટેની મથામણ શરૂ કરી દેવામાં આવી હતી. હાલનું રૂલ લેવલ ૩૪૦ ફૂટથી સપાટી એકદમ નજીક હોવાની સાથે જ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે. શુક્રવારથી જ સપાટી ૩૪૦ ફૂટની નજીક ૩૩૯.૭૨ ફૂટની આજુબાજુ નોંધાઇ હતી. ડેમ એલર્ટ લેવલ પર હોવાથી પાણી છોડી દેવું પડે તેમ હતું. 

September 4, 2019
laddu-1280x960.jpg
1min1640

લાડુ આરોગવાની સ્પર્ધા ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસમાં અભિન્ન અંગ ગણાય. લુપ્ત થતી જતી આ પરંપરાને જીવંત રાખવા માટે જામનગર સ્થિત સંસ્કૃત પાઠશાળાએ લાડુ આરોગવાની સ્પર્ધા યોજી હતી. જેમાં 58 વર્ષના એક બ્રાહ્મણએ 100 ગ્રામના એક એવા 13 લાડુ (1 કિલો 300 ગ્રામ) અને સાથે બીજા એટલા જ વજનની દાળ પી ને સ્પર્ધા જીતી લીધી હતી.

નવીનભાઇ દવે નામના એક બ્રાહ્મણે સ્પર્ધા જીતવા માટે 3250 કેલેરી લાડુમાંથી અને 750 કેલેરી દાળમાંથી મળીને કુલ 4000 કેલેરી એક જ ઝાટકે પેટમાં ઉતારી દીધી હતી. આટલી કેલેરીની વાત સાંભળીને ડાયેટીંગ કરતા લોકો કે ડાયેટીશ્યન્સ પણ અચંબામાં પડી જાય. 100 ગ્રામના એક લાડુમાં 250 કૈલેરી અને દાળની એક વાટકીમાં 100 કૈલેરી મળીને કુલ 4000 કૈલેરી ધરાવતો ખોરાક જામનગરના નવીન દવે એક ઝાટકે આરોગી ગયા અને તેમને હજમ પણ થઇ ગયો હતો.

જામનગર સંસ્કૃત પાઠશાળાએ ગણેશ ચતુર્થીના ઉપલક્ષમાં યોજેલી લાડુ આરોગવાની સ્પર્ધામાં 100 ગ્રામના વજનનો એક લાડુ અને સાથે દાળ પીરસવામાં આવી હતી.

જામનગર શહેરમાં ગણેશચોથના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા સંસ્કૃત પાઠશાળામાં યોજવામાં આવી હતી.

ત્રણ વિભાગમાં વહેંચાયેલી લાડુ ખાઉ સ્પર્ધામાં ચુરમાના લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી.

લાડુ ખાઉ સ્પર્ધામાં જામનગર, મોરબી, ખંભાળિયા, જામજોધપુર, જામકંડોરણા, ધ્રોલ, નડીયાદ, પાટણ શહેરોમાંથી સ્પર્ધકો આવ્યાં હતાં.

કુલ ૧૯ ભાઇઓ, ૫ બહેનો તથા ૫ બાળકો મળીને કુલ ૩૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં ભાઇઓના વિભાગમાં ૫૮ વર્ષના જામકંડોરણાના નવીન દવેએ ૧૦૦ ગ્રામનો એક એવા ૧૩ લાડુ આરોગી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

૧૨ લાડુ આરોગી નાનજી મકવાણા દ્વિતીય સ્થાને રહ્યા હતા.

બહેનોના વિભાગમાં મિતલ રૂપાપરા ૬ લાડુ આરોગી પ્રથમ, ક્રિષ્ના ચોક્સી ૫ લાડવા સાથે દ્વિતીય સ્થાને રહ્યા હતાં.

બાળકોમાં કેવીન વાઢેર ૫ લાડવા સાથે પ્રથમ, આદિત્ય આણદાની ૪ લાડવા સાથે દ્વિતીય રહ્યા હતા. વિજેતાઓને સંસ્થા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં.

September 3, 2019
gujrat-012.jpg
1min190

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા રવિવારે મળી હતી, જેમાં ‘કાયઝાલા’ એપ્લિકેશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત, બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી માટે પણ શિક્ષકોએ પોતાના મોબાઈલ ફોનમાં એપ ડાઉનલોડ ન કરવી તેવું એલાન અપાયું હતું.

હાલમાં જે શિક્ષકોએ ‘કાયઝાલા’ એપ ડાઉનલોડ કરી છે તે તથા BLO માટેની એપ પણ અનઈન્સ્ટોલ કરવા માટે સૂચના અપાઈ છે. છેલ્લા કેટલાક સમયથી એપને લઈને ચાલતા વિવાદમાં રવિવારની બેઠક બાદ પૂર્ણવિરામ મૂકાયું છે. 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની હાજરી સહિતની બાબતો માટે કાયઝાલા એપ પાંચ સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાની જાહેરાત બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જેમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલા અઢી લાખ જેટલા શિક્ષકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ એપને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જેના પગલે શિક્ષક સંઘે રવિવારે સંકલન સભા યોજવાનું નક્કી કર્યું હતું અને તેમાં આ અંગે નિર્ણય લેવાશે તેવી જાહેરાત કરી હતી. 

August 28, 2019
Gandhinagar-Gujarat.jpg
1min490

છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૪૭ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે, જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૯૩ મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો અને કવાંટમાં ૮૯ મિ.મી., મોરવા હડફમાં ૭૯ મિ.મી., ગોધરામાં ૭૮ મિ.મી., દાહોદમાં ૭૭ મિ.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઈંચથી 

વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર તા. ૨૭/૦૮/૨૦૧૯ સવારે ૬.૦૦ કલાક સુધીમાં ખાનપુર તાલુકામાં ૭૨ મિ.મી., ઉમરપાડામાં ૭૦ મિ.મી., ડભોઇમાં ૫૭ મિ.મી., બોડેલીમાં ૫૪ મિ.મી. અને ભીલોડામાં ૫૨ મિ.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય ૩૮ તાલુકાઓમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૦.૯૨ ટકા જેટલો નોંધાયો છે. 

રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે આજ સુધીમાં ૨૦૪ જળાશયોમાં હાલ ૩,૯૭,૮૧૭.૪૬ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે એટલે કે ૭૧.૯૪ ટકા જેટલો જળસંગ્રહ તમામ જળાશયોમાં થઇ ગયો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ ૨,૮૧,૨૪૧.૬૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૮૪.૧૮ ટકા છે. રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે.

August 27, 2019
narmada.jpg
1min520

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના તવા, ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી 4.55 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાંથી 3.94 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

તવા, ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમનું મહત્તમ લેવલ પાર થતા ડેમનાં પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. અને તમામ ડેમના ગેટ ખોલવામાં આવતા હાલ 4.55 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેથી નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ 133.73 મીટર ઉપર પહોંચી છે. અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ફરીથી  ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ગોરા બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

પાણીની આવક વધતા નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને 3,94,432 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવરમાં હાલ 4226 ળભળ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અને 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ 24 કલાક ચાલુ છે.

ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 21.75 ફૂટ ઉપર પહોંચી ગઇ છે. ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની ભયજનક સપાટી 22 ફૂટ છે. જેથી ભયનજક સપાટીની નજીક નર્મદા નદી વહી રહી છે.

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા
નર્મદા જિલ્લામાં આજે કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર 23 દરવાજા ખોલાયા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં નર્મદા ડેમ સૌ પ્રથમ વાર 133.83 મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયા છે.

Ukai Dam News

ઉકાઈ ડેમના ઉપવાસમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. ડેમના જળાશયમાં ફરી પાણીની આવકમાં વધારો થવા માંડતા ઉકાઈ ડેમમાંથી 1.11 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ શરૂ કરાયો છે. સોમવારે ઉકાઈ ડેમની સપાટી 336.24 ફુટ ઉપર પહોંચી હતી. હથનુર ડેમમાંથી પણ દોઢલાખ ક્યૂસેક ડિસ્ચાર્જ શરૂ કરાતા પાણીની આવકની સામે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરી દેવાઈ છે.

ઉપરવાસમાં વરસાદ અને હથનુર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા ઉકાઇ ડેમમાં ફરી પાણીની આવકમાં વધારો થયો છે. હાલ 1.26 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે 1.11 લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

હથનુર ડેમમાંથી પાણી છોડાતા અને ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી 336.20 ફુટ પર પહોંચી છે. હાલમાં ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે. એટલે, ડેમની સપાટી નિયંત્રણમાં રાખવા માટે ઉકાઈ ડેમમાંથી પાણીની જાવક શરૂ કરી દેવામાં આવી છે. હાલ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલીને 1.11 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરાયુ છે. 

August 26, 2019
gold2.jpg
1min860

ઓગસ્ટ 2019ના મહિનામાં સોનાના ભાવો જે રીતે ઉછળ્યા છે એ જોતા આવી તેજી અગાઉ ક્યારેય નોંધાઇ નથી. એક જ મહિનાના સમયગાળામાં એક તોલા સોનાના ભાવમાં રૂ.4 હજારથી વધુનો ઉછાળો નોંધાયો છે અને હવે સોનું મધ્યમવર્ગીય પરિવારોથી પણ દૂર થઇ રહ્યું છે.

સોનાના ભાવમાં આવી અભૂતપૂર્વ તેજી અગાઉ ક્યારેય નથી જોવા મળી. જન્માષ્ટમીના એક દિવસ અગાઉ ગઇ તા. 23 ઓગસ્ટ 2019ના રોજ શુક્રવારે ગુજરાતના અમદાવાદ શહેરમાં 24 કેરેટ ગોલ્ડ (સોનુ)નો ભાવ પ્રતિ તોલાએ 38,920 રૂપિયા પર બંધ થયો હતો. એ પછી આજે તા.26મી ઓગસ્ટ 2019ના રોજ માર્કેટ શરૂ થતાં જ સોનાના ભાવમાં રૂ. 1215 રૂપિયાનો ઉછાળો થયો હતો અને ગુજરાતના અમદાવાદમાં ઇતિહાસમાં પહેલી વખત 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ તોલાએ રૂ.40 હજારના માઇલસ્ટોનને પાર કરીને એક તબક્કે 40,175ની સપાટી વટાવી ગયો હતો.

અમદાવાદ સમેત મુંબઇ અને સુરતના વેપારીઓને ચિંતા પેઠી છે કે હવે તહેવારો ખાસ કરીને પુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારોમાં લોકોની સોનાની ખરીદી ઘટી જશે અને ધંધો સાવ મંદ પડી જશે.

ગત જુલાઈ 2019માં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.36,000 પ્રતિ 10 ગ્રામ હતો. એક જ મહિનામાં સોનાના ભાવમાં સીધો રૂ 4000નો વધારો જોવા મળ્યો છે.

August 26, 2019
magic-1280x1771.jpg
1min1240

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલા એક તાજા પરિપત્રમાં તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં જાદુગરના ખેલો બતાવવા કે જાદુગરના ખેલ બતાવવા વિદ્યાર્થીઓને લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. શાળાઓમાં જાદુના ખેલોના નામે એક મોટો વેપાર પણ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓને 30થી 50 ટકા કન્સેશન આપીને આખીને આખી સ્કુલોમાં જાદુના ખેલો બતાવીને રોકડી કરવાનો ધંધો લાખો રૂપિયા રળી આપતો હોય, ગુજરાતમાં અનેક જાદુગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા હતા. જાદુગરોના શો આમેય ફક્ત શાળાઓ પૂરતા સિમીત બની ચૂક્યા હતા.

સૌરાષ્ટ્રના અમરેલીના એક જાદુગરે શિક્ષણમંત્રીને કરેલી ફરીયાદના અનુસંધાને સમગ્ર રાજ્યમાં શાળાકીય સ્તરે જાદુગર કે જાદુના ખેલો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાદુગરના ખેલમાં કેટલાક આગ સાથે રમતો, તિક્ષ્ણ હથિયાર સાથેના ખેલો હોઇ, સેફ્ટી સિક્યુરિટીના કોઇ પગલાં લેવાતા નથી તેમજ જાદુના ખેલોથી મનોરંજન સિવાય કશું ઉપલબ્ધ થતું  ન હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને બહાર લઈ જઈને પણ જાદુનો ખેલ નહીં બતાવી શકાય

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં જાદુના ખેલ બતાવવા પર તેમજ જાદુના ખેલ બતાવવા માટે જાદુગરના ટેન્ટ સુધી વિદ્યાર્થીઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક પરિપત્રનો માત્ર સરકારી જ નહીં પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં પણ અમલ કરવા માટે આદેશ અપાયો કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આ અંગે પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે.

અમરેલી જિલ્લાના એક જાદુગરે રાજ્યના શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જાદુગરો દ્વારા સ્કૂલનો સમય બગાડી જાદુના ખેલ બતાવતા હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે, રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા જાદુગરો પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને જાદુ બતાવી મનોરંજન પૂરું પાડવું છે તેમ જણાવી અધિકારી-કચેરી ખાતે ખોટી વિગતો રજૂ કરી પરિપત્ર કરાવી કાર્યક્રમો યોજતા હોય છે. આવા જાદુગરો શાળાઓમાં બે કલાકનો ખેલ બતાવી સ્કૂલનો અને વિદ્યાર્થીનો શિક્ષણનો અમૂલ્ય સમય બરબાદ કરતા હોય છે.

આ ઉપરાંત ઘણી જગ્યાએ જાદુગરો ખૂલ્લામાં મોટા ટેન્ટ બાંધી જાદુના ખેલ બતાવતા હોય છે. ત્યાં તાલુકા શિક્ષણને લગતા સ્થાનિક અધિકારીઓ પાસેથી ખોટી વિગતોના આધારે મંજૂરી લઈ વિદ્યાર્થીઓને માલવાહક વાહનોમાં ખૂલ્લામાં શાળામાંથી જાદુના સ્થળ સુધી જીવના જોખમે લાવી જાદુ બતાવતા હોય છે. આવા સ્થળો સુધી પહોંચવા માટે જાદુગર દ્વારા ટ્રેક્ટર અથવા તો ખૂલ્લા ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ભરીને લાવવામાં આવે છે. ઉપરાંત જાદુના સ્થળ પર પણ સુરક્ષાની કોઈ સુવિધા હોતી નથી. ટેન્ટ પણ કપડાનું હોય છે અને આગ જેવી ઘટનામાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ રહેલું હોય છે.

જાદુનો ખેલ બતાવવા માટે સ્કૂલમાં આવતા જાદુગર ખોટી રજૂઆતો કરતા હોય છે. જેમાં તેઓ વિદ્યાર્થીઓના શો દ્વારા આવેલા પૈસા ગાયોના ઘાસચારા માટે અથવા તો અનાથ આશ્રમમાં અપાશે તેમ જણાવતા હોય છે. ત્યારબાદ તેઓ બે કલાકના જાદુના શો માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૩૦થી ૫૦ સુધી પડાવતા હોય છે. આ પૈસા આવ્યા બાદ જાદુગરો પોતાના હિત માટે જ આ રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે. આમ, જાદુગરો અધિકારીઓ સમક્ષ પણ ઈમોશનલ રજૂઆતો કરી તેમને ભોળવી મંજૂરી લેતા હોય છે.

August 26, 2019
Gandhinagar-Gujarat.jpg
1min340

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન ખાતાએ કરી છે. તા.25 રવિવારથી લઇને આવનારા પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉપરોક્ત સ્થળે તથા તા.26 અને 17 ઓગસ્ટે રાજ્યના અનેક પ્રાંતમાં ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાની આગાહી મુજબ 26-27 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 26મીએ’ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. જ્યારે 27 ઓગસ્ટે અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત જિલ્લામાં વરસાદની આગાહી છે.

28 ઓગસ્ટે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

August 24, 2019
gst.jpg
1min250

જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાનો સમય પૂરો થવા આડે ફક્ત આઠ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હજુ 72.5 ટકા ટેક્સપેયરોએ રિટર્ન ફાઇલ કર્યા નથી ! ગુજરાતમાં 7.7 લાખ ટેક્સપેયર છે, એમાંથી 2.11 લાખ ટેક્સપેયરોએ જીએસટીઆર 9 અને જીએસટીઆર 9સી ભર્યા છે તેમ રાજ્યના વાણિજ્ય કર વિભાગે કહ્યું છે.

ટેક્સ પ્રેક્ટિશનરોનું કહેવું છેકે, વાર્ષિક રિટર્નમાં કેટલીક વિગતો એવી ભરવાની છે કે જેના અંગે ટેક્સપેયરો મુંઝવણમાં મૂકાયેલા છે. એ કારણે રિટર્ન ઓછાં ભરાયા છે. વાર્ષિક ફોર્મને સરળ બનાવવાની અત્યંત જરુર છે. અત્યારના ફોર્મનું ફોર્મેટ જોતાસરકારે વધુ ત્રણ મહિનાનું એક્સટેન્સન આપવું જોઇએ.

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના કહેવા પ્રમાણે એપ્લીકેબલ ટેક્સની વિગતો ભરવા અંગે મુંઝવણ છે. જીએસટીઆર 1માં સપ્લાયમાં કરેલા સુધારા દર્શાવવાના હોય છે. ખરેખર ટેક્સ ભર્યો હોય તે જીએસટીઆર 3(બી)માં દર્શાવવો પડે છે. એ કારણે સુધારો જીએસટીઆર 9માં કેવી રીતે દર્શાવવો તે સ્પષ્ટ થતું નથી. કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર 2018ની ડેડલાઇન 30 જૂન 2019 સુધી લંબાવ્યા પછી 31 ઓગસ્ટ સુધી ફરીથી લંબાવી આવી છે. છતાં હજુ પણ 30 નવેમ્બર સુધીનો સમય આપવા માટે સ માગણી કરી રહ્યા છે.

દેશભરમાં 21.72 ટકા જ સરેરાશ રિટર્ન ભરાયા છે. એમાંથી 27.4 ટકા રિટર્ન ગુજરાતમાં ભરાયા છે. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી છે. છતાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની તુલનાએ સારી છે. ઉત્તરપ્રદેશ, તામિલનાડું તથા મહારાષ્ટ્રમાં રિટર્ન ઘણા જ ઓછાં ભરાયા છે.

જીએસટી રિફંડ માટે વિભાગને મળી 28,741 અરજીઓ ગુજરાત વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાં વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાંથી 27,526 અરજીઓ રિફંડ માટે મંજૂર થઇ ચૂકી છે. કુલ રૂ. 5,387 કરોડના રિફંડ વિવિધ વેપારીઓએ માંગ્યા છે. એમાંથી રૂ. 4,772 કરોડ ચૂકવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.