રમત જગત Archives - CIA Live

January 20, 2020
mumbai-marathon-website-1280x720.jpg
1min100

ઇથોપિયાના પાટનગર ઍડિસ અબાબાથી આવેલો બાવીસ વર્ષનો દોડવીર દેરારા હુરિસા પહેલી જ વાર મુંબઈ મૅરેથોનમાં દોડવા આવ્યો હતો અને તેણે અહીંની પોણાબે દાયકા જૂની રેસના રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. દેરારાએ ૧૭મી ટાટા મુંબઈ મૅરેથોનમાં ગઈ કાલે ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર)માં ૨ કલાક, ૦૮ મિનિટ, ૦૯ સેક્ધડના ટાઇમિંગ સાથે ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.

વધુ નવાઈની વાત એ છે કે તે ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો એ મુસાફરી દરમિયાન તેના મૅરેથોન માટેના સ્પેશિયલ શૂઝ ગુમ થઈ ગયા હતા. તેણે આ જ મૅરેથોનમાં પોતાની સાથે દોડનારા મિત્ર પાસેથી ઉછીના શૂઝ લીધા હતા અને ગઈ કાલે દોડીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ખુદ તેણે રેસ જીતી લીધા પછી આ જાણકારી આપતા કહ્યું હતું કે ‘હું ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે મુસાફરી દરમિયાન મારા શૂઝ ખોવાઈ ગયા હતા. મારી પાસે નવા શૂઝ ખરીદવા વધુ સમય નહોતો એટલે મેં મારા મિત્ર અબ્રાહમ ગિરમા (જે ખુદ મુંબઈની આ રેસમાં સ્પર્ધક હતો) પાસેથી શૂઝ લીધા હતા. એ શૂઝ મેં અહીં મૅરેથોનમાં પહેલી જ વાર અજમાવ્યા હતા અને એ પહેરીને રેસ જીતી લીધી. હું ઇનામીરકમને ધ્યાનમાં રાખીને નહીં, પણ રેસ જીતવાના આશયથી જ દોડ્યો હતો. જોકે, હવે આટલી મોટી રકમ મળી છે એટલે કંઈક તો પ્લાનિંગ કરીશ જ.’

વિજેતા બનવા બદલ તેને ૪૫,૦૦૦ ડૉલર (અંદાજે ૩૨ લાખ રૂપિયા)નું મુખ્ય ઇનામ મળ્યું જ હતું, અહીંની મૅરેથોનના નવા વિક્રમ સાથે રેસ જીતી હોવાથી તેને ૧૫,૦૦૦ ડૉલર (૧૧ લાખ રૂપિયા)નું બોનસ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. એ રીતે, તેને કુલ ૪૩ લાખ રૂપિયા મળ્યા હતા.

હુરિસાનું એકંદરે આ બીજું મેડલ છે. તે ૨૦૧૭ની સાલમાં તુર્કીની હાફ મૅરેથોન જીત્યો હતો.

બીજી આશ્ર્ચર્યની બાબત એ છે કે તે થોડા વર્ષોની આખી કરિયરમાં જેટલી ઇનામીરકમ જીત્યો હતો એનાથી ઘણી વધુ રકમ ગઈ કાલે મુંબઈમાં એક દિવસમાં જીતી લીધી હતી.

મહિલાઓની ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) ઇથોપિયાની અમેન બેરિસોએ ૨ કલાક, ૨૪ મિનિટ, ૫૧ સેક્ધડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી. તે ૧૫ મહિના સુધી ઈજાને કારણે રનિંગ ટ્રૅકથી દૂર રહ્યા બાદ અહીં દોડી હતી અને ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. તે ૨૦૧૯ની મુંબઈ મૅરેથોનમાં નહોતી દોડી એટલે તેની ક્ષમતા વિશે નિષ્ણાતો અજાણ હતા. જોકે, તેણે મુંબઈ મૅરેથોનમાં સેક્ધડ-ફાસ્ટેસ્ટ ટાઇમિંગ સાથે વિજય મેળવ્યો હતો.

January 20, 2020
ausi_open.jpg
1min120

વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ’ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન’ ચેમ્પિયનશીપની આવતીકાલથી મેલબોર્ન પાર્ક ખાતે શરૂઆત થઇ રહી છે. ડ્રોની જાહેરાત કરવામાં આવ્યા બાદથી તમામ ખેલાડીઓ પોતપોતાની વ્યૂહરચના તૈયાર કરી ચુક્યા છે. નોવાક જોકોવિક તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે પુરુષ વર્ગમાં મેદાનમાં ઉતરશે જ્યારે મહિલાઓના સિંગલ્સમાં જાપાનની ઓસાકા તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. જો કે તેની દિગ્ગજ સેરેના વિલિયમ્સથી જોરદાર ટક્કર મળશે. જોકોવિક ઉપરાંત રાફેલ નડાલ, રોજર ફેડરર પણ ઇતિહાસ સર્જવા માટે તૈયાર છે.

મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ નવો રેકોર્ડ સર્જવા તૈયાર છે. સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ પાસે સ્વિસ ખેલાડી રોજર ફેડરરના 20 ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવાની તક રહેલી છે. બીજી બાજુ રોજર ફેડરર પણ વધુ એક ગ્રાન્ડસ્લેમ જીતીને આગેકૂચ કરવા માટે ઇચ્છુક છે.’

2009માં નડાલે અહીં જીત મેળવી હતી. બીજી બાજુ વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિક પણ રેકોર્ડ 8મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન તાજ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. 2019માં જોકોવિકે સારો દેખાવ કર્યો હતો. પાંચ ટાઇટલ જીત્યા હતા જેમાં મેલબોર્ન પાર્ક અને વિમ્બલ્ડનનો સમાવેશ થાય છે. 37 વર્ષીય રોજર ફેડરર પણ સ્ટિવ જોન્સન સામે રમીને આગેકૂચ કરનાર છે.’ રોજર ફેડરર સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીતવા માટે ઇચ્છુક છે. 2018માં તે અહીં છેલ્લી વખત વિજેતા બન્યો હતો. મહિલાઓના વર્ગમાં સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયાની મહાન ખેલાડી માર્ગારેટના રેકોર્ડની બરોબરી કરવા માટે ઇચ્છુક છે. માર્ગારેટ કોર્ટે 24 ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. તે પોતાની પ્રથમ રાઉન્ડની મેચમાં રશિયાની ખેલાડી સામે રમનાર છે.

January 12, 2020
kabbadi_kangana.jpg
1min220

ફિલ્મ પંગામાં માતા બન્યા બાદ પુનરાગમન કરવા મથતી કબ્બડી ખેલાડી ગૌરી વાડેકરની કથા દર્શાવવામાં આવી છે. ગૌરી ઉત્તમ કબ્બડી ખેલાડી હતી અને તેણે આતંરરાષ્ટ્રીય સ્તરે બે વાર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અશ્વિની ઐયર તિવારીની આ ફિલ્મ માટે સ્વયં ગૌરીએ કંગનાને કબ્બડીની તાલીમ આપી છે.

ગૌરીએ પોતાના અનુભવને વર્ણવતાં જણાવ્યું હતું કે, અમારી પ્રથમ મુલાકાતમાં જ કંગનાએ મને પ્રથામિક સમજ આપવાનું કહ્યું હતું. હું તેની ગ્રહણશક્તિ જોઇને દંગ થઇ ગઇ હતી. કબ્બડીની તાલીમ લેતી છોકરી છ મહિના બાદ જે કરી શકે તે તેણે માત્ર બે-ચાર વાર જોઇને કરી દેખાડયું હતું. અમે પહેલીવાર 2018ના સપ્ટેમ્બર મહિનામાં મળ્યા હતા અને પાંચ મહિના મેં તાલીમ આપી હતી. રોજ સવારના આઠ વાગ્યે તાલીમ શરૂ થઇ જતી અને કંગનાએ એક પણ ખાડો પાડયા વગર પાંચ મહિના સુધી આવી હતી.

કબ્બડીમાં ખેલાડીનો શ્વાસ અને પગ મહત્ત્વના છે. કબ્બડી ખેલાડીના પગ ચોક્કસ પ્રકારે પડતા હોવાથી તેનો આકાર પણ તે અનુરૂપ સાધારણ બદલાઇ જાય છે. કંગનાના પગ ખેલાડી જેવા દેખાય તે માટે તેના વર્ક આઉટ રુટિનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેમાં સ્કવૉટ્સ તથા લંજીસનો ઉમેરો કરવામાં આવ્યો હતો. દરેક સ્થિતિમાં કયા પગ પર વજન આપવું, બચાવ કે આક્રમણ કેમ કરવું જેવી બાબતો તેને શીખવવામાં આવી હતી.

January 12, 2020
cycling.jpg
1min180

સાઇક્લિગંમાં ભારતે અનેરી સિદ્ધિ મેળવી છે. પહેલી વાર ભારત ચારેય સ્પ્રિન્ટિંગ ઇવેન્ટમાં નંબર-વન રૅન્ક પર બિરાજમાન થયું છે. પુરુષ વર્ગમાં ભારતના જુનિયરોની સાઇક્લિગં ટીમ નંબર-વન બની છે.

જુનિયર કેઇરિન જુનિયર ૧ કિલોમીટર ટાઇમ ટ્રાયલ ઇવેન્ટમાં નંબર-વન થયો છે, જ્યારે જુનિયર ટીમ સ્પ્રિન્ટ ઇવેન્ટમાં ભારતીય ટીમ ૧૬૨૦ પૉઇન્ટ સાથે સર્વેાચ્ચ થઈ છે. ભારતનો એલ. રોનાલ્ડો સિંહ યુસીઆઇ વર્લ્ડ રૅન્કિંગમાં નંબર વન બન્યો છે. તેના ૧૫૩૦ પૉઇન્ટ છે. ભારતની મહિલા જુનિયર ટીમ જુનિયર ટીમ સ્પ્રિન્ટમાં બીજા સ્થાને છે.

January 5, 2020
manav.jpg
1min240

સુરતના હરમીત દેસાઈ બાદ હવે માનવ ઠક્કર ટેબલ ટેનિસની અન્ડર-૨૧ કૅટેગરીનો દુનિયાનો નંબર-વન ખેલાડી બન્યો છે, જેની જાહેરાત ખુદ ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશને કરી છે. અત્યાર સુધી માનવ રૅન્કિંગ્સમાં બીજા ક્રમે હતો, પણ નવા જાહેર થયેલા રૅન્કિંગ્સમાં તેણે ચાઇનીઝ તાઇપેઇના લી સિન યાંગને પાછળ ધકેલીને ટોચનો ક્રમ હાંસલ કરી લીધો છે.

૧૯ વર્ષનો માનવ ઠક્કર મૂળ સુરતનો છે. હાલમાં તે ટ્રેઇનિંગમાં હોવાથી તેની સાથે વાત થઈ શકી નહોતી, પરતું અમે તેના પપ્પા ડૉ. વિકાસ ઠક્કર સાથે વાત કરી હતી. ડૉ. વિકાસ કહે છે, ‘હું અને મારી પત્ની બન્ને ટેબલ ટેનિસ રમતાં હતાં, જેથી માનવ પણ શીખ્યો હતો. તે જ્યારે સાડાપાંચ વર્ષનો હતો ત્યારે અમે તેને પહેલી વખત ટેબલ ટેનિસનું રૅકેટ આપ્યું હતું. અમારા ઘરમાં જ ટેબલ હોવાથી શરૂઆતના ૬ મહિના તે ઘરે જ રમ્યો. એ સમય દરમ્યાન તેની ઝડપ અને શીખવાની ધગસ જોયા બાદ અમે તેને સુરતના એક પ્રાઇવેટ કોચિંગ સેન્ટરમાં મૂક્યો હતો, જ્યાં તે પાંચમા ધોરણમાં હતો ત્યાં સુધી શીખ્યો. આ સમય દરમ્યાન તેણે જિલ્લા સ્તરે રમવાનું પણ શરૂ કરી દીધું હતું. તેનામાં ટેબલ ટેનિસ પ્રત્યેનો લગાવ જોઈતે અમે તે છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે અજમેરની ઍકૅડેમીમાં મૂક્યો હતો, જ્યાં ઇન્ટરનૅશનલ કોચ ટ્રેઇનિંગ આપતા હતા. ત્યાં તે બારમા ધોરણ સુધી ભણ્યો. હાલમાં તે એફવાયબીએના બીજા વર્ષમાં છે અને તેણે મેન્સની તમામ કૅટેગરીમાં નંબર-વન હાંસલ કર્યો છે. અત્યારે તે ભારતીય ટેબલ ટેનિસ ટીમનો સભ્ય છે.’
 મહત્ત્વનું છે કે ૨૦૧૮માં માનવે અન્ડર-૧૮માં વર્લ્ડ નંબર-વનનો ખિતાબ હાંસલ કર્યો હતો. તેની રમત સતત સુધરી રહી હતી, પરતું એમ છતાં ડિસેમ્બરમાં તેનું રૅન્કિંગ્સ બગડ્યું હતું. ત્રીજા નંબર પરથી તે સીધો દસમા નંબર પર આવી ગયો હતો. જોકે તેનું ૨૦૧૯નું પ્રદર્શન ખૂબ સરસ હતું.

December 26, 2019
boxing_aus.jpg
1min180

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પાડોશી દેશ છે, પણ ક્રિકેટના મેદાન પરની બન્નેની કટ્ટર હરીફાઇ જગજાહેર છે. આ પરંપરાગત હરીફ દેશ 32 વર્ષ બાદ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે આવતીકાલથી મેલબોર્નના મેદાન પર આમને-સામને હશે. ત્યારે ન્યુઝીલેન્ડની નજર બીજો ટેસ્ટ જીતીને સિરિઝ બરાબરી કરવા પર રહેશે. પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 296 રનના મોટા અંતરથી વિજય થયો હતો. આથી તેની નજર ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અતૂટ સરસાઈ કરવા પર રહેશે.

ન્યુઝીલેન્ડે આ પહેલા 26 ડિસેમ્બરે એટલે કે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ મેલબોર્નમાં 1987માં રમ્યો હતો. ત્યારે વર્તમાન ટીમના ફકત ચાર ખેલાડી નીલ વેગનાર, રોસ ટેલર, બીજે વેટલિંગ અને કોલિન ડી’ ગ્રાંડહોમના જન્મ થયા હતા. કિવિ ફાસ્ટ બોલર ટિમ સાઉધીએ સ્વીકાર્યું છે કે તેની ટીમ માટે આ વિશેષ ક્ષણ છે. મેલબોર્ન મેદાન પર પહેલા દિવસે 7પ હજાર દર્શકો ઉમટી પડશે તેવી સંભાવના છે.

બીજા ટેસ્ટની ન્યુઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર થયા છે. ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટે ઇજામાંથી બહાર આવીને વાપસી કરી છે. જ્યારે ઓપનર જીત રાવલના સ્થાને ટોમ બ્લંડેલને તક મળી છે. આથી તે ટોમ લાથમ સાથે ઇનિંગની શરૂઆત કરશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કહ્યું છે કે તેની ટીમ પાંચ વિશેષજ્ઞ બોલર સાથે ઉતરી શકે છે. એમસીજીની વિકેટ પાછલા બે બોકિસંગ ડે ટેસ્ટ દરમિયાન સપાટ રહી હતી. આથી 20 વિકેટ લેવી ચુનૌતી બની રહી હતી. જો કાંગારૂ ટીમ પાંચ બોલર સાથે ઉતરશે તો ઝડપી બોલર માઇકલ નેસેરને પદાપર્ણનો મોકો મળી શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ પહેલા 2013માં સિડની ટેસ્ટમાં શ્રીલંકા વિરૂધ્ધ પાંચ બોલર સાથે ઉતરી હતી. બીજા ટેસ્ટમાં ઇજાગ્રસ્ત જોસ હેઝલવૂડના સ્થાને જેમ્સ પેટિન્સનને મોકો મળવો નિશ્ચિત છે. એવામાં બેટસમેન ટ્રેવિસ હેડને બહાર બેસવું પડી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર સવારે પ-30થી શરૂ થશે.

December 23, 2019
indiawon.jpg
1min160

ભારતે રવિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી અને આખરી રોમાંચક વન-ડેમાં ૮ બૉલ બાકી રાખીને ૪ વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. કૅરેબિયનો સામે ભારતનો આ લાગલગાટ ૧૦મો વન-ડે સિરીઝ-વિજય છે.

ભારતે વેસ્ટ ઇન્ડિઝને ટી-ટ્વેન્ટી શ્રેણીમાં પણ ૨-૧થી પરાજિત કર્યું હતું.

રવિવારે કૅપ્ટન વિરાટ કોહલી (૮૫ રન, ૮૧ બૉલ, નવ ફોર)ની બેનમૂન ઇનિંગ્સે આ શ્રેણી-વિજય શક્ય બનાવ્યો હતો. ભારતને જીતવા ૫૦ ઓવરમાં ૩૧૬ રન બનાવવાનો લક્ષ્યાંક અપાયો હતો જે એણે ૪૮.૪ ઓવરમાં છ વિકેટના ભોગે બનાવી લીધો હતો.

ઓપનિંગમાં રોહિત શર્મા (૬૩ રન, ૬૩ બૉલ, એક સિક્સર, આઠ ફોર) તથા કેએલ રાહુલ (૭૭ રન, ૮૯ બૉલ, એક સિક્સર, આઠ ફોર) લગભગ એકસરખી ઉપયોગી ઇનિંગ્સ રમ્યા હતા અને તેમની વચ્ચે ૧૨૨ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ વિરાટ અને રાહુલ વચ્ચે બીજી વિકેટ માટે ૪૫ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે, વિરાટની સામેના છેડે એક પછી એક વિકેટ પડતી ગઈ હતી, પરંતુ ખુદ વિરાટ ક્રીઝ પર ટકી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા (૩૯ અણનમ, ૩૧ બૉલ, ચાર ફોર) સાથે છઠ્ઠી વિકેટ માટે તેની ૬૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. વિરાટ ટીમને વિજયની લગોલગ પહોંચાડ્યા બાદ કીમો પૉલના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે, ત્યાર બાદ જાડેજાએ મુંબઈકર પેસ બોલર શાર્દુલ ઠાકુર (૧૭ અણનમ, ૬ બૉલ, એક સિક્સર, બે ફોર) સાથેની જોડીમાં જાડેજાએ ભારતને છેવટે જીત અપાવી દીધી હતી.

વિરાટ કોહલીને મૅન ઑફ ધ મૅચનો અને રોહિત શર્માને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેના કુલ ૨૫૮ રન બન્ને ટીમના બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. બોલરોમાં કીમો પૉલ ૬ વિકેટ સાથે મોખરે હતો.

December 22, 2019
pakwindies.jpg
1min140

ભારતીય ક્રિકેટ ટીમ આજે વેસ્ટ ઇન્ડિઝ સામે લાગલગાટ ૧૦મી ટેસ્ટ-સિરીઝ જીતવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. કૅરેબિયનો ભારતના પ્રવાસમાં આવ્યા ત્યાર બાદ ભારતીય ટીમે ફીલ્ડિંગમાં થોડી કચાશ બતાવવા ઉપરાંત એકંદરે સુંદર ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું છે અને એ જોતાં આજે કટકના બારામતી સ્ટેડિયમ ખાતેની નિર્ણાયક વન-ડેમાં કીરોન પૉલાર્ડ ઍન્ડ કંપની સામે વિરાટસેના જીતશે એવી પાકી સંભાવના છે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત સામે ૧૩ વર્ષથી વન-ડે સિરીઝ નથી જીતી શકી. એ જોતાં, તેમને આજે એ પરંપરા તોડવાની તક છે.

બન્ને ટીમો શ્રેણીમાં ૧-૧ની બરાબરીમાં છે અને આજે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) વેસ્ટ ઇન્ડિયન ટીમ આ પ્રવાસની આખરી મૅચ રમશે.

વિશાખાપટનમ ખાતેની બીજી વન-ડેમાં વિરાટ કોહલી અને કીરોન પોલાર્ડ, બન્ને હરીફ કૅપ્ટન પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયા હતા. વિરાટ માટે એ લકી ગ્રાઉન્ડ હતું, પણ એના પર જ તે સાવ ફ્લૉપ ગયો હતો. જોકે, રોહિત શર્મા (૧૫૯) તથા કે. એલ. રાહુલ (૧૦૨) વચ્ચેની ૨૨૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપે ટીમની લાજ રાખી હતી અને છેવટે કૅરેબિયનો ૩૮૮ રનના તોતિંગ લક્ષ્યાંક સામે દબાઈ ગયા હતા અને ૨૮૦ રને ઑલઆઉટ થતાં ૧૦૭ રનથી હારી ગયા હતા.

રોહિત શર્માને ત્રણેય ફૉર્મેટમાં ઓપનર તરીકે હાઇએસ્ટ રન-સ્કોરર બનાવનાર સનથ જયસૂર્યાનો બાવીસ વર્ષ જૂનો વિક્રમ તોડવાનો આજે મોકો છે અને એ માટે રોહિતને ફક્ત ૯ રનની જરૂર છે.

શ્રેયસ ઐયર અને રિષભ પંતની મિડલ-ઑર્ડરની જોડી પણ ભારતીય ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

પેસ બોલર દીપક ચહર ઈજા પામતાં દિલ્હીના પેસ બોલર નવદીપ સૈનીને ટીમમાં સમાવાયો છે. તે આજે વન-ડેમાં ડેબ્યૂ કરી શકે એમ છે.

વેસ્ટ ઇન્ડિઝને ઓપનર અને વિકેટકીપર શાઇ હોપ તથા શિમરોન હેટમાયર પર આધાર છે. શાઇ હોપને તાજેતરમાં આઇપીએલ માટેની હરાજીમાં કોઈ પણ ટીમે નહોતો ખરીદ્યો, જ્યારે હેટમાયરને દિલ્હી કૅપિટલ્સ ટીમે ૭.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે હોપ નારાજગીમાં જબરદસ્ત રમીને આઇપીએલની ટીમોના માલિકોને બતાવી દેવા કોઈ કસર નહીં છોડે. બીજી તરફ, હેટમાયર પોણાઆઠ કરોડ રૂપિયાના પોતાના ખરીદભાવને સાર્થક ઠરાવવાના પ્રયાસમાં આજે ભારત સામે જોરદાર પર્ફોર્મ કરશે તો નવાઈ નહીં લાગે.

કટકમાં છેલ્લે ૨૦૧૭માં વન-ડે રમાઈ હતી જેમાં ભારતે ઇંગ્લૅન્ડને ૩૮૩ રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ૧૫ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો.

ભારત છેલ્લે વન-ડે શ્રેણીમાં ઑસ્ટ્રેલિયા સામે ૧-૨થી હારી ગયું હતું, પરંતુ આજે કૅરેબિયનો સામે ૨-૧થી જીતવાનો ચાન્સ છે.

વિરાટ કોહલી માટે કટકનું બારામતી સ્ટેડિયમ નસીબવંતુ નથી. અહીં તેણે ત્રણ વન-ડે તથા એક ટી-ટ્વેન્ટીમાં કુલ મળીને માત્ર ૩૪ રન બનાવ્યા છે. તેના આ ચાર મૅચના સ્કોર આ મુજબ રહ્યા છે: ૩, ૨૨, ૧, ૮.

બન્ને દેશોની સંભવિત ઇલેવન

ભારત: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ કૅપ્ટન), કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહંમદ શમી, નવદીપ સૈની તેમ જ શાર્દુલ ઠાકુર અથવા યુઝવેન્દ્ર ચહલ.

વેસ્ટ ઇન્ડિઝ: કીરૉન પોલાર્ડ (કૅપ્ટન), શાઇ હોપ (વિકેટકીપર), એવિન લુઇસ, શિમરોન હેટમાયર, રૉસ્ટન ચેઝ, નિકોલસ પૂરન, જેસન હોલ્ડર, કીમો પૉલ, અલ્ઝારી જોસેફ, ખેરી પિયેર અને શેલ્ડન કૉટ્રેલ.

December 20, 2019
cummins.jpg
1min280

ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર અને ટેસ્ટ-રૅન્કિંગના નંબર-વન પૅટ કમિન્સને ગુરુવારે અહીં આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના ખેલાડીઓના ‘મિની-ઑક્શન’માં કોલકતા નાઇટ રાઇડર્સે ૧૫.૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. એ સાથે, તે આઇપીએલના ૧૩ વર્ષના ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ક્રિકેટર બન્યો હતો. તેણે ઇંગ્લૅન્ડના બેન સ્ટૉક્સનો વિક્રમ તોડ્યો હતો. સ્ટૉક્સને ૨૦૧૭ની સાલમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટે ૧૪.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને એ

રેકૉર્ડ હવે કમિન્સે તોડ્યો છે.

અસહ્ય માનસિક દબાણને કારણે થોડા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલા ઑસ્ટ્રેલિયાના જાણીતા ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલને જાન્યુઆરીમાં ભારત સામે રમાનારી વન-ડે સિરીઝ માટેની ટીમમાં સ્થાન નથી મળ્યું, પરંતુ ગુરુવારે કોલકતાની હરાજીમાં કિંગ્સ ઇલેવન પંજાબે તેને દિલ્હી કૅપિટલ્સ સાથેની તીવ્ર હરીફાઈ બાદ છેવટે ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.

કમિન્સનું કોલકતાની ટીમમાં પુનરાગમન થઈ રહ્યું છે. કમિન્સ અને મૅક્સવેલ, બન્ને પ્લેયરોએ ગયા વર્ષની આઇપીએલમાં રમવાનું ટાળ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝના શિમરોન હેટમાયરને દિલ્હી કૅપિટલ્સના ફ્રૅન્ચાઇઝીએ માત્ર ૫૦ લાખ રૂપિયાની મૂળ કિંમત સામે ૭.૭૫ કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો હતો. તેણે તાજેતરમાં જ ભારત સામેની પ્રથમ વન-ડેમાં મૅચ-વિનિંગ સેન્ચુરી ફટકારી હતી.

પીઢ સ્પિનર પીયૂષ ચાવલાને પણ ‘લૉટરી’ લાગી હતી. તેને ચેન્નઈ સુપર કિંગ્સે ૧.૦૦ કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે ૬.૫૦ કરોડ રૂપિયામાં ખરીદીને આશ્ર્ચર્ય સર્જ્યું હતું. મુંબઈના નવયુવાન બૅટ્સમૅન યશસ્વી જૈસવાલને રાજસ્થાન રૉયલ્સે ફક્ત ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે ૨.૪૦ કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો હતો. બીજી તરફ, રાજસ્થાનનો અજાણ્યો લેગ-સ્પિનર રવિ બિશ્નોઇ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ દ્વારા ૨૦ લાખ રૂપિયાની મૂળ કિંમત સામે ૪.૦૦ કરોડ રૂપિયાના મોટા ભાવે ખરીદવામાં આવ્યો હતો.

વિરાટ સિંહ નામના ખેલાડીને હૈદરાબાદની ટીમે ૨૦ લાખ રૂપિયાની મૂળ કિંમત સામે ૧.૯૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં સફળતા મેળવી હતી.

December 19, 2019
iplauction.jpg
1min150

આઇપીએલના ખેલાડીઓની ગુરુવારે અહીં થનારી હરરાજીમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટધરો પર મોટી બોલી લગાવવા પર તમામ ફ્રેંચાઇઝીઓનું ધ્યાન હશે. કેટલાક યુવા અને નવા ચહેરા પણ મોટા કરાર હાંસલ કરી શકે છે. વિશ્વની સૌથી મોંઘી ગણાતી આ ક્રિકેટ લીગનું મહત્વ પણ એટલા માટે વધી જાય છે કે આવતા વર્ષે ટી-20નો વર્લ્ડ કપ રમાવાનો છે. ખેલાડીઓ પર મોટી બોલી લગાવતી વખતે ફ્રેંચાઇઝી માલિકોએ ખર્ચ પર પણ લગામ કસવી પડશે.

આઇપીએલના ઓકશનમાં આ વખતે 332 ખેલાડી શોર્ટલિસ્ટ કરાયા છે. જેમાંથી 73 ખેલાડીઓ પસંદ થશે. જે માટે તમામ આઠ ટીમ વચ્ચે લાવલાવ થશે. જોકે વિદેશી ખેલાડી ફરીએકવાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ વખતી હરરાજીમાં કિંગ્સ ઇલેવન પંજાબ પાસે સૌથી વધુ 42.70 કરોડ રૂપિયાની રકમ બચી છે. જ્યારે સૌથી ઓછી રકમ મુંબઇ ઇન્ડિયન્સ પાસે 13.0પ કરોડ છે.
આઇપીએલના આ વખતના ઓકશનમાં સૌથી યુવા ખેલાડી અફઘાનિસ્તાનનો નૂર અહમદ છે. તેની વય 14 વર્ષ 3પ0 દિવસ છે. આ ચાઇનામેન બોલરની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા છે. ભારતના યુવા ખેલાડીઓમાં મુંબઇનો ઓપનિંગ બેટસમેન યશસ્વી જયસ્વાલ’ અને ભારતની અન્ડર-19 ટીમનો સુકાની પ્રિયમ ગર્ગ, તામિલનાડુનો સ્પિનર સાઇ કિશોર તથા બંગાળનો ઇશાન પોરેલને મોટા કરાર મળી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વેસ્ટ ઇન્ડિઝના 22 વર્ષના બિગહિટર હેટમાયરને રીલિઝ કરી દીધો હતો. હવે હેટમાયર પર બધી ટીમો મોટી બોલી લગાવી શકે છે. તેણે ભારત સામે ટી-20 અને વન ડે શ્રેણીમાં આક્રમક બેટિંગ કરીને સહુનું ધ્યાન ખેંચ્યું છે. આરસીબીએ ગયા વખતે હેટમાયરને 4.2 કરોડમાં ખરીદ્યો હતો પણ તે ચાર મેચમાં 90 રન જ કરી શકયો હતો

હરાજીમાં ઓસ્ટ્રેલિયાના પાંચ ખેલાડી પેટ કમિન્સ, જોસ હેઝલવૂડ, ક્રિસ લેન, ગ્લેન મેકસવેલ અને ક્રિસ લિન આ વખતે મોટી કિંમત મેળવી શકે છે.’ અનુભવી આફ્રિકી બોલર ડેલ સ્ટેન અને શ્રીલંકાના પૂર્વ સુકાની એન્જલો મેથ્યૂસને બે કરોડની ટોચની બેઝ પ્રાઇસ મળી છે, પણ તેમના કોઇ ફ્રેંચાઇઝી બોલી લગાવશે નહીં તેવું માનવામાં આવે છે.

ભારતીય ખેલાડીઓમાં રોબિન ઉથપ્પા, પીયૂષ ચાવલા વગેરે નામ બોલીમાં ઉપર રહેશે. યુસુફ પઠાણનો આ વખતે બહુ ભાવ પૂછાશે નહીં. તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે. ટેસ્ટ સ્ટાર હનુમા વિહારી અને ચેતેશ્વર પુજારાને પણ ખરીદાર મળવા મુશ્કેલ છે.