પ્રેરણાદાયી વાત Archives - CIA Live

January 20, 2020
mumbai-marathon-website-1280x720.jpg
1min100

ઇથોપિયાના પાટનગર ઍડિસ અબાબાથી આવેલો બાવીસ વર્ષનો દોડવીર દેરારા હુરિસા પહેલી જ વાર મુંબઈ મૅરેથોનમાં દોડવા આવ્યો હતો અને તેણે અહીંની પોણાબે દાયકા જૂની રેસના રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. દેરારાએ ૧૭મી ટાટા મુંબઈ મૅરેથોનમાં ગઈ કાલે ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર)માં ૨ કલાક, ૦૮ મિનિટ, ૦૯ સેક્ધડના ટાઇમિંગ સાથે ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.

વધુ નવાઈની વાત એ છે કે તે ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો એ મુસાફરી દરમિયાન તેના મૅરેથોન માટેના સ્પેશિયલ શૂઝ ગુમ થઈ ગયા હતા. તેણે આ જ મૅરેથોનમાં પોતાની સાથે દોડનારા મિત્ર પાસેથી ઉછીના શૂઝ લીધા હતા અને ગઈ કાલે દોડીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ખુદ તેણે રેસ જીતી લીધા પછી આ જાણકારી આપતા કહ્યું હતું કે ‘હું ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે મુસાફરી દરમિયાન મારા શૂઝ ખોવાઈ ગયા હતા. મારી પાસે નવા શૂઝ ખરીદવા વધુ સમય નહોતો એટલે મેં મારા મિત્ર અબ્રાહમ ગિરમા (જે ખુદ મુંબઈની આ રેસમાં સ્પર્ધક હતો) પાસેથી શૂઝ લીધા હતા. એ શૂઝ મેં અહીં મૅરેથોનમાં પહેલી જ વાર અજમાવ્યા હતા અને એ પહેરીને રેસ જીતી લીધી. હું ઇનામીરકમને ધ્યાનમાં રાખીને નહીં, પણ રેસ જીતવાના આશયથી જ દોડ્યો હતો. જોકે, હવે આટલી મોટી રકમ મળી છે એટલે કંઈક તો પ્લાનિંગ કરીશ જ.’

વિજેતા બનવા બદલ તેને ૪૫,૦૦૦ ડૉલર (અંદાજે ૩૨ લાખ રૂપિયા)નું મુખ્ય ઇનામ મળ્યું જ હતું, અહીંની મૅરેથોનના નવા વિક્રમ સાથે રેસ જીતી હોવાથી તેને ૧૫,૦૦૦ ડૉલર (૧૧ લાખ રૂપિયા)નું બોનસ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. એ રીતે, તેને કુલ ૪૩ લાખ રૂપિયા મળ્યા હતા.

હુરિસાનું એકંદરે આ બીજું મેડલ છે. તે ૨૦૧૭ની સાલમાં તુર્કીની હાફ મૅરેથોન જીત્યો હતો.

બીજી આશ્ર્ચર્યની બાબત એ છે કે તે થોડા વર્ષોની આખી કરિયરમાં જેટલી ઇનામીરકમ જીત્યો હતો એનાથી ઘણી વધુ રકમ ગઈ કાલે મુંબઈમાં એક દિવસમાં જીતી લીધી હતી.

મહિલાઓની ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) ઇથોપિયાની અમેન બેરિસોએ ૨ કલાક, ૨૪ મિનિટ, ૫૧ સેક્ધડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી. તે ૧૫ મહિના સુધી ઈજાને કારણે રનિંગ ટ્રૅકથી દૂર રહ્યા બાદ અહીં દોડી હતી અને ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. તે ૨૦૧૯ની મુંબઈ મૅરેથોનમાં નહોતી દોડી એટલે તેની ક્ષમતા વિશે નિષ્ણાતો અજાણ હતા. જોકે, તેણે મુંબઈ મૅરેથોનમાં સેક્ધડ-ફાસ્ટેસ્ટ ટાઇમિંગ સાથે વિજય મેળવ્યો હતો.

January 20, 2020
parixapecharcha.jpg
1min150

પરીક્ષાનો હાઉ દૂર કરવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં પહેલીવાર ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી અંદાજે બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.  

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન દ્વારા સોમવારે પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ દોઢ હજાર શબ્દનો નિબંધ અને તેની સાથે વડાપ્રધાનને પુછવાના પ્રશ્નોની વિગત લખી મોકલી હતી. સમગ્ર દેશમાંથી ૨.૬ લાખ જેટલા નિબંધો મળ્યા હતા અને તેમાંથી ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. 

ગુજરાતમાંથી ૨૯૬૨૩ વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મોકલ્યા હતા. જેમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાંથી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના ૪૨ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષકો પણ દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દૂર કરવા સંવાદ કરશે.

January 18, 2020
hindi-1280x707.png
1min130

અમેરિકા ખાતેની ભારતીય ઍમ્બેસી હિંદીના ક્લાસ ચલાવતી હોવાને કારણે અમેરિકામાં નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે, એવી માહિતી ટોચના ભારતીય રાજદૂતે આપી હતી.

ભારતીય દૂતાવાસમાં વિશ્ર્વ હિંદી દિવસની ઉજવણી દરમિયાન અમિત કુમારે કહ્યું હતું કે એ જાણીને ખુશી થાય છે કે અમેરિકામાં હિંદી ભાષા મોટા પાયે બોલવામાં અને શીખવવામાં આવે છે.

અમેરિકાની ઘણી સ્કૂલમાં હિંદી શીખવવામાં આવે છે. અમેરિકન કમ્યુનિટી સર્વેના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે

ભારત વિશ્ર્વનો એક મહત્ત્વનો દેશ બનીને ઊભર્યો છે, તેથી દુનિયાભરના લોકોને હિંદી ભાષા શીખવામાં રસ જાગ્યો છે.

જે લોકો ભારતમાં ફરવા માટે કે વેપારધંધા માટે આવે છે, તે લોકોને હિંદી શીખવાથી ભારતના લોકોના દિલ અને દિમાગ જીતવાનો મોકો મળે છે, એમ અમિતકુમારે જણાવ્યું હતું.

એમણે પોતાનો જ ચીની ભાષા શીખવાનો અનુભવ ટાંકીને કહ્યું હતું કે સ્થાનિક ભાષા શીખવાથી ઘણાં દ્વાર ખૂલી જાય છે.

વિવિધ દેશના લોકોને છેલ્લા બે વર્ષથી ભારતીય રાજદૂતાલય નિ:શુલ્ક હિંદી શીખવી રહ્યું છે.

January 16, 2020
CIA_Live_Logo_New2.jpg
2min1200

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજકાલ બોર્ડના વિદ્યાર્થીઓ હોય કે કોલેજીયન ડગલેને પગલે તેમને ઇન્સ્પિરેશન જોઇએ છે, નાની નાની વાતમાં સહારો જોઇએ છે, મા-બાપ પણ એવા છે કે કોઇ તકલીફ પડવા દેતા નથી અને મોટે ભાગે કમ્ફર્ટ ઝોનમાં ઉછરેલા દિકરા-દિકરીઓ સરવાળે કશું કરી શકતા નથી. અહીં એવા યુવાઓની વાત કરવી છે કે જેમનું જીવન કઠણાઈઓથી ભરેલું હતું આમ છતાં તેમણે તેમના જીવનની કઠણાઇઓને ક્યારેય હાવી થવા દીધી નહીં બલ્કે કઠણાઇઓને જ સીડી બનાવીને સિદ્ધીના એવા શિખર સર કર્યા કે જેને જોઇને દુનિયા દંગ રહી ગઇ છે અને આજીવન દંગ રહેશે.

અહીં વાત કરી રહ્યો છું ચાર્ટર્ડ અકાઉન્ટન્સી સર્ટિફિકેશનના આજે તા.16મી જાન્યુઆરી 2020ના રોજ જાહેર થયેલા ફાઇનલ્સના પરીણામોની. સૂરતમાંથી અનેક વિદ્યાર્થીઓ પાસ થઇને તેમના નામની આગળ સી.એ. આવતીકાલથી લગાડી દેશે. પરંતુ, અહીં એવા રિયલ હીરોઝની વાત કરી રહ્યો છું જેમનું જીવન કઠણાઇઓથી ભરેલું છે અને તેમણે જે સિદ્ધીં હાંસલ કરી છે એ કોઇ નાની સૂની નથી પણ એકલે હાથે પહાડ ખોદવા સમાન છે.

ગણેશ પાટીલના પિતા 2011માં પરીવારને છોડી જતા રહ્યા, આ વાતને જિજ્ઞેશે હાવી થવા દીધી નહીં

ઉધનાની સનગ્રેસ સ્કુલમાં ભણેલો ગણેશ પાટીલ કે જેના પિતા 2001માં પરિવારને ત્યજીને ચાલ્યા ગયા હતા, એ ગણેશ પાટીલ આજે 2020માં સી.એ બની ગયો છે.

ઉધનાની સનગ્રેસ સ્કુલમાંથી ધો.12 કોમર્સ ગુજરાતી મિડીયમમાં પાસ કરનાર ગણેશ પાટીલ મૂળ મહારાષ્ટ્રના ધૂલિયાના અમલનેરના પરિવારમાંથી આવે છે. ગણેશ પાટીલના પિતા 2001માં તેમના પરિવારને છોડીને જતા રહ્યા હતા. ગણેશ પાટીલની માતા અલકાબેન પાટીલ ઘરે સિલાઇ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ધો.12 પાસ કર્યા પછી ગણેશ પાટીલને એક મિત્રએ કહ્યું કે સી.એ. કોચિંગમાં જોડાઇ જા. ગણેશ પાસે એટલી ફી ન હતી કે તે પ્રાઇવેટ કોચિંગ ક્લાસની ફી ભરી શકે. આમ છતાં ગણેશ પાટીલ ઘોડદોડ રોડ પર સી.એ. કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ ચલાવતા રવિ છાવછરીયા પાસે ગયા. પોતાની આર્થિક સ્થિતિ અંગે નિખાલસતાથી વાત કરી.

રવિ છાવછરીયાએ ગણેશ પાટીલને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ કોચિંગની વ્યવસ્થા તો કરી આપી પણ સાથે જ તેને પાર્ટ ટાઇમ નોકરી પણ આપી.

ગણેશ પાટીલે કહ્યું કે પિતા અમને છોડી ગયા એ વાતનું ઝનૂન એટલું હતું કે કંઇક કરી જ દેખાડવું છે. 2012માં સી.એ. કોચિંગમાં જોડાયા બાદ કોઇ વ્હીકલ ન હતું. રોજ 24 કિ.મી. સાઇકલ પર ડીંડોલી પોતાના ઘરેથી નીકળીને ઘોડદોડ રોડ પર રવિ છાવછરીયાને ત્યાં કોચિંગમાં આવે, ત્યાં કોચિંગ લે અને પછી ત્યાં જ પાર્ટ ટાઇમ નોકરી કરતો ગણેશ બે વખત સી.એ.ની પરીક્ષામાં નાપાસ પણ થયો. પણ હાર માને એ બીજા ગણેશ પાટીલ નહીં. એણે પ્રયત્નો છોડ્યા નહીં અને આજે 2020માં ગણેશ પાટીલના નામની આગળ સી.એ. જેવો મહત્વની ડિગ્રી જોડાઇ ચૂકી છે.

રીક્ષા ચાલકનો દિકરોએ સી.એ. બનીને દુનિયાને બતાવી દીધું

રીક્ષા ચાલક ધર્મેશભાઇ રાણાનો દિકરો મોનિશ રાણાએ જીવનની કઠિણાઇને જ પોતાની શક્તિ બનાવીને સી.એ. ડિગ્રી મેળવી લીધી

ઉધના રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા ધર્મેશભાઇના પુત્ર મોનિશ રાણા કે જેણે ઉધનાની આર.એન. નાયક સ્કુલમાંથી ધો.12 પાસ કર્યું. પિતા રીક્ષા ચાલક હોવાથી પરીવારમાં આર્થિક સંકડામણ અનુભવવા છતાં મોનિશ રાણાએ નક્કી કર્યું કે એ સી.એ. બનીને દેખાડશે. મોનિશ રાણા ભલે વીસ વર્ષના હોય પરંતુ, તેમનામાં મેચ્યોરિટી 45 વર્ષના નિવડેલા બિઝનેસમેનને પણ શરમાવે તેવી જોવા મળી. મોનિશ રાણાએ કહ્યું કે પિતા અને પરિવારની તકલીફોને લીધે ક્યારેય નાસીપાસ ન થયો ઉલ્ટાનું કંઇક કરી દેખાડવાની ઉત્કંઠા તીવ્ર બની અને સી.એ. કોચિંગ રવિ છાવછરીયા પાસે લીધું. એસ.પી.બી. ઇંગ્લિશ મિડીયમમાંથી બી.કોમ. ડિસ્ટીંકશન સાથે પાસ કરનાર મોનિશ રાણા આજે સી.એ. બની ગયો છે અને એને કોઇ નાનમ નથી લાગતી કે તેના પિતા રીક્ષા ચલાવે છે.

લીલાબા સ્કુલની ધો.12માં ગુજરાત ફર્સ્ટ બોનીશા મોદીએ હાંસલ કર્યો સી.એ.માં આખા દેશમાં 39મો રેન્ક

2015માં સૂરતની લીલાબા કન્યાશાળા આખા રાજ્યમાં ફેમસ થઇ ગઇ હતી. ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં લીલાબા કન્યાશાળાની વિદ્યાર્થિની બોનિશા મોદીએ એટલા માર્કસ મેળવ્યા કે એટલા ગુજરાતના 7 લાખ વિદ્યાર્થીઓમાંથી અન્ય કોઇ મેળવી શક્યું નહી. બોનીશા મોદી સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ હતી. આ સિદ્ધિનું સહેજ પણ અભિમાન કર્યા વગર બોનીશા મોદીએ નક્કી કર્યું કે એ સી.એ. બનીને દેખાડશે અને આજે સી.એ.ના પરીણામમાં બોનીશા મોદીએ સમગ્ર દેશમાં 39મો રેન્ક હાંસલ કરીને સૂરતનું નામ રોશન કર્યું છે.

લીલાબા કન્યાશાળા કોઇ હાઇફાઇ સ્કુલ નથી. ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોની દિકરીઓને ધો.12 કોમર્સ સુધીનું શિક્ષણ આપતી આ સંસ્થાના સુકાની એવા આચાર્યા શ્રીમતી બિનીતાબેન ત્રિવેદી અને સ્કુલ મેનેજમેન્ટ એટલી નિષ્ઠાપૂર્વક કામ કરે છે કે તેમનું પરીણામ બોનીશા મોદી જેવી દિકરીઓની ઝળહળતી કારકિર્દીના સ્વરૂપમાં પ્રત્યક્ષ પણે અનુભવી શકાય છે.

દર વર્ષની જેમ રવિ છાવછરીયાના કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ્સના સૌથી વધુ ટોપર્સ

January 15, 2020
nanes.jpg
1min2570

ધો.12 ના વિદ્યાર્થીઓ માટે ખરેખર પ્રેરણાદાયી અને જીવતી વારતાં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલ સમગ્ર વિશ્વ જેને પ્રેરણાસ્ત્રોત ગણી રહ્યું છે એ ગુગલના સી.ઇ.ઓ. સુંદર પીચાઇ સ્વયં કોને પ્રેરણામૂર્તિ માને છે એ જાણવું ખરેખર અનેક યુવાઓના જીવનને હકારાત્મક દિશા તરફ પ્રયાણનો રોડમેપ બની શકે તેમ છે. ખાસ કરીને હાલમાં ધો.12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે તો ચોક્કસ જ પ્રેરણાદાયી છે.

ભારત-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યૂટિવ અને મલ્ટિનેશનલ ટેક્નોલૉજી કંપની ગૂગલની સબસિડિયરી આલ્ફાબેટ ઇન્કોર્પોરેટેડના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) સુંદર પિચાઇએ તાજેતરમાં સરાફિના નૅન્સ નામની મહિલાની ખૂબ પ્રશંસા કરી હતી અને તેને ‘પ્રેરણારૂપ’ તરીકે ઓળખાવી હતી. પિચાઇએ ઍસ્ટ્રોફિઝિક્સની આ વિદ્યાર્થી-મહિલાની પોસ્ટ ટ્વિટર પર રીટ્વીટ કરી એ પાછળનું તેમનું કારણ ખૂબ જ તાર્કિક છે. નૅન્સ આ ટ્વીટને લીધે આ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર છવાઈ ગઈ છે.

તેણે તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે ‘ચાર વર્ષ પહેલાં ક્વૉન્ટમ ફિઝિક્સની પરીક્ષામાં મને ઝીરો મળ્યો હતો અને એને પગલે મેં ભૌતિકશાસ્ત્રના વિષયમાં ભણવાનું સાવ છોડી દેવાનું વિચાર્યું હતું. જોકે, અચાનક જ એક દિવસ મારામાં કોણ જાણે હિંમત આવી ગઈ હતી અને મેં નક્કી કર્યું કે જો ક્વૉન્ટમ ફિઝિક્સમાં ઝીરો આવી શકે તો અથાક મહેનતથી ખૂબ જ સારા માર્ક કેમ ન આવી શકે? મેં મને આ સવાલ વારંવાર પૂછ્યો હતો અને પોતાને ખૂબ સમજાવી હતી.’

૨૬ વર્ષીય નૅન્સની મહેનત ફળી હતી. અત્યારે સ્થિતિ એ છે કે તે ઍસ્ટ્રોફિઝિક્સ પીએચડી પ્રોગ્રામમાં સૌથી ઉપલા સ્તરે પહોંચી ગઈ છે અને પોતે બે લેખ પણ પ્રકાશિત કર્યા છે. છેવટે નૅન્સે પોતાના ટ્વીટમાં નેટિઝન્સના હૃદયને સ્પર્શી જાય એવા સલાહરૂપી નિવેદનો લખ્યા છે જે અહીં પ્રસ્તુત છે:

‘૪ વર્ષ પહેલાં ક્વૉન્ટમ ફિઝિક્સની એક્ઝામમાં હું સારા માર્કની આશા રાખીને બેઠી હતી, પરંતુ મને ઝીરો મળ્યો હતો. આ શૂન્યથી હું ખૂબ ડઘાઈ ગઈ હતી અને મારા કરિયર તથા ભવિષ્ય વિશે ચિંતામાં પણ મુકાઈ ગઈ હતી. મારે ફિઝિક્સ છોડી દેવું જોઈએ એવું મને લાગી રહ્યું હોવાથી હું મારા પ્રોફેસરને મળી હતી. આજે સ્થિતિ એ છે કે હું ઍસ્ટ્રોફિઝિક્સ પીએચડી પ્રોગ્રામમાં છેક ટોચના સ્તર સુધી પહોંચી ગઈ છું અને મેં બે પેપર પણ પ્રકાશિત કર્યા છે. જો કોઈ વિષય તમને ખૂબ કઠિન લાગે અને એમાં તમને ખૂબ નબળો ગ્રેડ મળે તો એ નબળા ગ્રેડનો અર્થ એવો નથી કે તમે એ વિષય માટે લાયક નથી.’ સુંદર પિચાઈએ નૅન્સના આ વિધાનોવાળી પોસ્ટને રીટ્વીટ કરીને નૅન્સ માટે લખ્યું હતું, ‘વાહ! શું સુંદર વાત કરી આ મહિલાએ. તેના વિચારો કેટલા બધા પ્રેરણારૂપ છે.’

સુંદર પિચાઈનું આ એક વાક્ય ઘણું કહી જાય છે. તેમની એક લાઇનની પ્રશંસા નૅન્સની સમગ્ર વિચારધારા અને પ્રેરણાસ્ત્રોત પર પ્રકાશ પાડી જાય છે. વળતી પ્રતિક્રિયામાં નૅન્સે સુંદર પિચાઈનો આભાર માનતા ટ્વીટમાં લખ્યું છે કે ‘ખૂબ ખૂબ આભાર. તમે પ્રશંસાના જે બે શબ્દો લખ્યા એ મારા માટે અખૂટ છે.’

તાજેતરમાં એક દિવસમાં નૅન્સના ઝીરો માર્કવાળા ટ્વીટને ૬૦,૦૦૦ લાઇક્સ મળ્યા હતા. નૅન્સે પોતાના વિચારોને વખાણવા બદલ નેટિઝન્સનો પણ આભાર માન્યો હતો.

અમેરિકન યુવતીની ટ્વીટ

અમેરીકન યુવતિ નેન્સના ટ્વીટને ગુગલ સી.ઇ.ઓ. સુંદર પિચઇએ આ રીતે રીટ્વીટ કર્યું

January 15, 2020
yoga.png
1min170

સરકારી સંસ્થાઓ કર્મચારીઓ રિફ્રેશ થાય અને એમનો સ્ટ્રેસ ઓછો થાય એ માટે ખાસ પાંચ મિનિટમાં થઇ શકે એવા આસનોની જોવગવાઇ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ યોગાસનો કરવા માટે એમને પાંચ મિનિટનો યોગ બ્રેક અથવા વાય બ્રેક આપવામાં આવશે.

આયુષ મંત્રાલયે મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા મારફત વિકસિત કરાયેલા યોગાસનો કરવા માટે પ્રયોગાત્મક ધોરણે વાય બ્રેક હાલ આયુષ મંત્રાલયમાં સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે.

ટાટા કેમિકલ્સ, ઍક્સિસ બૅંક સહિત ૧૫ જેટલી સંસ્થા અને કંપનીએ આ માટે રસ દાખવ્યો હોવાની વાત આયુષ મંત્રાલયે જણાવી હતી. આ માટે બુકલેટ છાપવામાં આવી છે અને યોગ્ય રીતે આસન કરી શકાય એ માટે ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મંત્રાલય કોર્પોરેટ સેક્ટરને આ માટે બધી રીતે મદદ કરશે.

યોગ બ્રેકમાં પાંચ મિનિટમાં કરી શકાય એવા કેટલાક યોગાસનોનો દસેક નિષ્ણાતો દ્વારા વિચારપૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે યોગા બ્રેક એ યોગ શીખવા માટેનો કોર્સ નથી, પણ એમાં ટૂંકમાં કેટલીક પ્રાથમિક કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

January 12, 2020
cycling.jpg
1min180

સાઇક્લિગંમાં ભારતે અનેરી સિદ્ધિ મેળવી છે. પહેલી વાર ભારત ચારેય સ્પ્રિન્ટિંગ ઇવેન્ટમાં નંબર-વન રૅન્ક પર બિરાજમાન થયું છે. પુરુષ વર્ગમાં ભારતના જુનિયરોની સાઇક્લિગં ટીમ નંબર-વન બની છે.

જુનિયર કેઇરિન જુનિયર ૧ કિલોમીટર ટાઇમ ટ્રાયલ ઇવેન્ટમાં નંબર-વન થયો છે, જ્યારે જુનિયર ટીમ સ્પ્રિન્ટ ઇવેન્ટમાં ભારતીય ટીમ ૧૬૨૦ પૉઇન્ટ સાથે સર્વેાચ્ચ થઈ છે. ભારતનો એલ. રોનાલ્ડો સિંહ યુસીઆઇ વર્લ્ડ રૅન્કિંગમાં નંબર વન બન્યો છે. તેના ૧૫૩૦ પૉઇન્ટ છે. ભારતની મહિલા જુનિયર ટીમ જુનિયર ટીમ સ્પ્રિન્ટમાં બીજા સ્થાને છે.

January 12, 2020
nasa.jpg
1min160

નાસાએ તૈયાર કરેલા નવા અગિયાર અવકાશયાત્રીઓમાં ભારતીય મૂળના રાજા જૉન વૃપુતુર ચારીનો સમાવેશ થાય છે અને તે નાસાના મહત્ત્વાકાંક્ષી ભાવિ મૂન-માર્શ અને આંતરરાષ્ટ્રીય અવકાશમથક મિશનનો હિસ્સો છે.

નાસાએ ભાવિ મિશનની જાહેરાત કર્યા બાદ વર્ષ ૨૦૧૭માં મળેલી ૧૮૦૦૦ અરજીમાંથી આ અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી હતી.

૪૧ વર્ષના ચારીની નાસાએ વર્ષ ૨૦૧૭માં અવકાશયાત્રીના ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી.

ઑગસ્ટ ૨૦૧૭માં તેને અવકાશયાત્રી તરીકેની તાલીમ માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે તેની પ્રારંભિક તાલીમ પૂરી કરી હતી અને હવે તે મિશનનો હિસ્સો બનવાને પાત્ર બની ગયો છે.

શુક્રવારે યોજાયેલા એક સમારોહમાં નવા પસંદ કરાયેલા તમામ અવકાશયાત્રીઓને ચાંદીની પીન આપવામાં આવી હતી. હ્યુસ્ટનસ્થિત નાસાના જૉન્સન સ્પેસ સેન્ટર ખાતે એજન્સીના વહીવટકર્તા જિમ બ્રિન્ડેસ્ટાઈને કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં અમેરિકા ભાવિ મૂન-માર્શ મિશન માટે નવા અવકાશયાત્રીઓને મોકલવાનું હોવાને કારણે અમેરિકા માટે પ્રગતિનું આ મહત્ત્વનું વર્ષ હશે. પસંદ કરાયેલા ૧૧ અવકાશયાત્રી અમેરિકાના શ્રેષ્ઠ લોકોમાંનાં એક છે અને અમારી અવકાશયાત્રીઓની ટુકડીમાં જોડાવું એ તેમના માટે માની ન શકાય તેવી વાત છે, એમ તેમણે કહ્યું હતું.

તેમની પ્રથમ અવકાશયાત્રા પૂરી કર્યા બાદ આ અવકાશયાત્રીઓને ગૉલ્ડ પીન આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

January 5, 2020
smog_tower.jpg
1min220

રાજધાની દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે સાંસદ ગૌતમ ગંભીરે લાજપત નગર વિસ્તારમાં પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટાવરે ૭૫૦ મીટરની ત્રિજ્યામાં હવાને સાફ કરવાનું શરૂ કરી દીધું છે. આ ટાવર લાજપત નગર ટ્રેડર્સ એસોસિયેશન અને ગૌતમ ગંભીર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નો દ્વારા બનાવવામાં આવ્યો છે.

ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, ‘વાયુ પ્રદૂષણનો અંત લાવવો એ મારી પ્રાથમિક્તા છે. હું માત્ર વાત કરવામાં નથી માનતો. ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ ટૅક મશીનો ખરીદી પૂર્વ દિલ્હીમાં પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવી છે. સ્મોગ ટાવર્સ એ શ્રેષ્ઠ ટૅક્નિક છે. તેમાં એક્ઝઓસ્ટ ફેન એક બાજુએથી પ્રદૂષિત હવા ખેંચે છે અને તેને બદલીને બીજી તરફથી શુદ્ધ હવા છોડે છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે છે અને આવા વધુ સ્મોગ ટાવરની દિલ્હીને જરૂર છે.

મળતી માહિતી મુજબ લાજપત નગર માર્કેટ એસોસિયેશન દર મહિને ૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરશે. સ્મોગ ટાવર એ હવાના શુદ્ધિકરણની ફ્રેન્ચ ટૅક્નિક છે. તેની ઊંચાઇ ૨૦ ફૂટ છે. તે દરરોજ ૫૦૦થી ૭૫૦ મીટર ક્ષેત્રમાં અઢી લાખથી છ લાખ ઘનમીટર હવાને સાફ કરશે. આ ટાવર બે કલાકમાં હવાને સાફ કરી ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૫૦ની ઉપર જવા દેશે નહીં. આને કારણે લાજપત નગર માર્કેટ વિસ્તારની હવા સારી રહેશે અને લોકોને વાયુ પ્રદૂષણ સંબંધી રોગોથી મુક્તિ મળશે.

December 31, 2019
lostphone.jpg
1min160

દિલ્હી એનસીઆર વિસ્તારના ફોનધારકોનો ફોન ખોવાઈ જાય તો શોધી આપે અથવા તેને બ્લોક કરે તેવું પોર્ટલ કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આવું પોર્ટલ મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું તે પછી હવે દિલ્હી-એનસીઆરમાં શરૂ કરવામાં આવ્યું છે.

CEIR
https://ceir.gov.in

કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે પોર્ટલનું લોન્ચિંગ કરતાં કહ્યું હતું કે દેશ મોટા પાયા પર ડિજિટલ થઈ રહ્યો છે તેવા સમયે ફોનની સુરક્ષા આગવું મહત્ત્વ ધરાવે છે. ‘આપણે ટૅક્નોલોજીનો ઉપયોગ વિકાસ માટે કરીએ છીએ ત્યારે નિષ્ણાત ગુનેગારો પોતાના ફાયદા માટે ટૅક્નોલૉજીનો દુરુપયોગ કરતાં હોય છે, તેવું રવિશંકર પ્રસાદે કહ્યું હતું. આ પોર્ટલથી પાંચ કરોડ મોબાઈલ ગ્રાહકોને ફાયદો થશે.

ટેલિકોમ સચિવ અંશુપ્રકાશે પત્રકારોને કહ્યું કે “જેમના ફોન ખોવાયા હોય તેઓ વેબપોર્ટલમાં લોગઈન કરી ફરિયાદ નોંધાવી શકે છે. પોલીસ ફરિયાદ અને તેમના આઈડી પ્રૂફ પણ ‘અપલોડ’ કરવાના રહેશે. તે પછી ખોવાયેલો ફોન બ્લોક કરવામાં આવશે. મુંબઈમાં વેબપોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું તે પછી ૫૦૦-૬૦૦ ફરિયાદ પોર્ટલમાં નોંધવામાં આવી હતી. ૫૦ ટકા કિસ્સાઓમાં ફોન ટ્રેસ કરવામાં આવ્યો હતો અને પોલીસને માહિતી આપવામાં આવી છે. આ વેબપોર્ટલ ૨૦૨૦માં દેશના અન્ય વિસ્તારોમાં પણ લોન્ચ કરવામાં આવશે.