CIA ALERT
28. March 2024
September 9, 20192min152110

Related Articles



સુરતમાં અભૂતપૂર્વ નાણાંભીડ, વકરા અડધા થયા, રીએક્ટીવ ડિપ્રેશનના કેસો વધ્યા

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો તમને ભવિષ્યમાં કમાણીનું શું થશે ?, રૂપિયા ક્યાંથી આવશે ? , ધંધો ચાલશે કે કેમ? એવા સવાલો થતા હોય, આવકને લઇને નેગેટિવ વિચારો આવતા હોય તો એ વાત ચોક્કસ માનજો કે આવા વિચારો તમને એકલા ને નથી આવતા, મંદીનો માહોલ સાર્વત્રિક છે અને એટલે જ સુરત જેવા ધંધાકીય શહેરમાં પણ અનેક લોકોને ભાવિ આર્થિક અનિશ્ચિતતાઓને કારણે રીએક્ટીવ ડિપ્રેશનનો ભોગ બનવું પડ્યું છે. આ શબ્દો છે શહેરના જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સીના.

અભૂતપૂર્વ મંદીના સમયગાળામાં આજરોજ તા.9મી સપ્ટેમ્બર 2019ના દિવસે વધુ એક આકરો સમાચાર એ આવ્યો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજના દરો ઘટાડ્યા તેની સાથે લેન્ડીંગ રેટમાં પણ ઘટાડો કર્યો. બીજો નેગેટીવ ન્યુઝ એ આવ્યો કે ગત ઓગસ્ટ 2018ની સરખામણીમાં ઓગસ્ટ 2019માં 41 ટકા વાહનો ઓછા વેચાયા. ઓટો સેક્ટર અત્યંત મંદીમાં સપડાયું છે.

હવે એ વાત સરકાર સિવાય બધા જ સ્વીકારી ચૂક્યા છે કે માર્કેટમાં અભૂતપૂર્વ મંદીનો માહોલ છે. સુરતની વાત કરીએ તો કેશ ક્રન્ચ, રોકડની એવી તીવ્ર તંગી વર્તાય રહી છે કે કરોડપતિ લોકો પાસે કેશના નામે લાખ રૂપિયા રોકડા નથી અને કેશ માટે તેઓ રોજરોજ થીંગડા મારતા હોય તેવો ઘાટ સર્જાય છે.

નાના વેપારીઓ, વ્યવસાયિકોના વકરા ઘટી ગયા, ખરીદ શક્તિ ઓછી થઇ ગઇ : કાનજીભાઇ ભાલાળા

સુરતને ભારતનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટી ગણવામાં આવે છે. ભારતના આ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટીમાં હાલ કેશ લિક્વિડીટીથી અમીર, ગરીબ બધાં જ પીસાય રહ્યા છે. સુરતના બજારોમાં રોકડની અછત કેમ એ અંગે વરાછા બેંકના ચેરમેન કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું કે મંદીની અસર ગ્રાસરૂટ પર સૌથી ઘેરી થાય છે. સામાન્ય દુકાનદારોથી લઇને વ્યાવસાયિકોના રોજિંદા વકરા 50 ટકા સુધી ઘટી ગયા છે. એવું નથી કે બેંકો પાસે કેશ નથી, પણ સામાન્ય લોકોની ખરીદ શક્તિ જ ઘટી ગઇ છે અને તેની સીધી અસર સુરતના બજારમાં રોકડની તરલતા પર જોવા મળી રહી છે. કાનજીભાઈએ કહ્યું કે ધંધા, વેપાર મંદ પડ્યાની પ્રતીતિ વ્યાવસાયિકો કે જેઓ સર્વિસ પ્રોવાઇડર ગણાય છે તેમના વકરામાં થયેલા ઘટાડાથી પણ જાણી શકાય છે.

સુરતના એક જાણીતા રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગેવાને જણાવ્યું કે અમારી પાસે કમસેકમ 400 કરોડની પ્રોપર્ટીઓ છે, અમારી કેપિટલ જામ થઇ ગઇ છે, આજે એ હાલત છે કે એક લાખ રૂપિયા રોકડા માટે રોજેરોજ બે પાંચ જગ્યાએ ફોન કરીને મેનેજ કરવા પડી રહ્યા છે. માર્કેટમાં કેશ ક્રન્ચ ક્યારે પૂરો થાય એ સમજાતું નથી.

ધંધો એટલો ખરાબ ચાલે છે કે કેપિટલ તોડીને હાલ કામ ચલાવી રહ્યા છીએ

સુરતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે મોટી બ્રાન્ડ ગણાતા જાણીતા ઉદ્યોગપતિએ જણાવ્યું કે હાલમાં ધંધામાં વર્કિંગ કેપીટલ નથી. અમારે મીલ ચલાવવા માટે રોજેરોજ રોકડા રૂપિયા જોઇએ. અમારા એવા ઘણા કામો હોય છે જેના કામદારોને રોકડામાં ચૂકવણી કરવી પડે છે. આ કામદારો સ્માર્ટ ફોન કે એન્ડ્રોઇડ ફોન વાપરતા નથી તો ઇલેક્ટ્રોનિક પેમેન્ટની વાત જ ક્યાં આવે. એથી વિશેષ અનેક કોન્ટ્રાક્ટરો જીએસટી આવ્યા પછી રોકડામાં જ ધંધો કરવાનો આગ્રહ રાખે છે ત્યારે અમારે ડગલેને પગલે કેશની જરૂરીયાત વર્તાય છે, હાલમાં માર્કેટમાં રોકડની જે ખેંચ છે તેનાથી કંટાળી ગયા છે અને અમારે અમારી જે કેપિટલ હતી, ભૂતકાળમાં કમાયા હતા એ મૂડી ધીરે ધીરે ધોવાય રહી છે.

શેરબજારમાં ધોવાણે સુરતના અનેક લોકોને પાયમાલ કરી દીધા

ભારતીય શેરબજાર છેલ્લા દોઢેક મહિનાથી જે રીતે નેગેટીવ ટોનમાં વર્તી રહ્યું છે એ જોતા સુરતમાં વર્ષોથી નહીં દાયકાઓથી શેરબજાર પર નભતા આવેલા લોકો પાયમાલીમાં ધકેલાય ગયાના અહેવાલો છે. જેમના પરિવારો શેરબજારની આવક પર જ નભતા હતા એ લોકોએ આવકના અલ્ટરનેટિવ સોર્સ શોધી કાઢીને શેરબજારમાં કામકાજ સાવ જ ઓછું કરી દીધું છે. છેલ્લા દોઢ મહિનામાં શેરબજારમાં 100 ટકાનું ઇન્વેસ્ટમેન્ટ ધોવાઇને 20થી 25 ટકા પર આવી જતા સુરતના અનેક લોકોએ શેરબજાર છોડીને અન્ય કામ ધંધા સ્વીકારવાની નોબત આવી છે. સુરતમાં એક મોટો વર્ગ શેરબજારની આવક સાથે સંકળાયેલો હતો.

જેની પાસે રૂપિયા આવે છે એ સામે ચૂકવણા કરતા નથી, એટલે કેશ ફ્લો ખોરંભે પડે છે

ગુજરાતના જાણીતા ઇકોનોમિસ્ટ ડો. એ.એન. મહેતાએ કહ્યું કે માર્કેટમાં મંદીનું મોટું કારણ અનિશ્ચિત માહોલ છે. જે લોકો પાસે રૂપિયા આવે છે એ લોકોએ સામે ચૂકવવાના પણ હોય છે પણ એ ચૂકવણું કરતા નથી કેમકે તેમને અનિશ્ચિતતાના માહોલમાં ભવિષ્યની જરૂરીયાતની ચિંતા હોય છે અને એથી એ સામેવાળાને રૂપિયા ચૂકવતા નથી અથવા તો વિલંબમાં નાંખે છે, આ પ્રકારે સાર્વત્રિક રીતે લોકો પોતાની પાસેની લિકવિડીટીનો ફ્લો સ્ટોપ કરે ત્યારે માર્કેટમાં મંદી આવે છે.

અનિશ્ચિતતાને કારણે શોપિંગ, મોજશોખ પાછળના ખર્ચા તો ઓછા કર્યા પણ જરૂરીયાતો પણ ઓછી કરી દીધી

સુરતના જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સીએ કહ્યું કે દેખીતી વાત છે કે મંદીના માહોલમાં લોકોએ પોતાના ખર્ચા ઘટાડી નાંખ્યા છે, મોજશોખ પાછળના ખર્ચા બિલકુલ બંધ અને હેલ્થ સેક્ટરની વાત કરુ તો ઇલેક્ટીવ ઓપરેશન્સ જેવા કે હર્નિયા, પાઇલ્સ વગેરે કે જે થોડા મહિનાઓ ટાળી શકાય છે, દર્દીઓ આવા ખર્ચાઓ પણ નિવારી રહ્યા છે. આમ, માર્કેટમાં અગાઉ જે રીતે રૂપિયા ફરી રહ્યા હતા, મની સરક્યુલેશન થતું હતું એ સાવ મંદી પડી ગયું છે.

રીએક્ટીવ ડિપ્રેશનના કેસોમાં અસામાન્ય ઉછાળો : ડો.મુકુલ ચોક્સી

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં ડો. મુકુલ ચોક્સીએ જણાવ્યું કે ડિપ્રેશન બે પ્રકારે થતાં હોય છે. એક ઇન્ટર્નલ કારણોસર અને બીજું કારણ રિએક્ટીવ ડિપ્રેશન એટલે કે બાહ્ય કારણોસર. ડો.ચોક્સીએ ઉમેર્યું કે આજે હાઇએન્ડના લોકોમાં, ડાયમંડ વર્કસમાં તોમજ લોઅલ મિડલ ક્લાસ સુધીના લોકોમાં રીએક્ટીવ ડિપ્રેશનના કેસોમાં અસામાન્ય ઉછાળો અમે જોઇ રહ્યા છીએ. દર્દીઓની સાથે જ્યારે વાતચીત થાય છે ત્યારે મામલો પારિવારીક અને ધંધાકીય આર્થિક સ્થિતિ પર આવીને અટકતો હોય છે. બજારમાં મંદીની સીધી અસર લોકોની માનસિક હેલ્થ પર પડી રહી હોવાનું ડો.ચોક્સીએ જણાવ્યું હતું.

પગારદારો હાલમાં સૌથી સલામત

એક સમયે લોકોની માનસિકતા એ હતી કે નોકરીને કારણે આવક મર્યાદિત હોઇ, વિકાસ કે મોજશોખ માટે પૈસા પર્યાપ્ત ન હતા, પરંતુ, આજે મંદીના સમયમાં એ જ લોકો એવું કહી રહ્યા છે કે આજે સૌથી સલામત અર્થોપાર્જન હોય તો એ નોકરી છે. હાલમાં નોકરીયાત, પગારદારોને મહિનો થાય એટલે ફિક્સ પગાર તો મળી રહે છે. ધંધાર્થીઓ કે વ્યાવસાયિકોને તો કેપીટલ તૂટ હોય એવી સ્થિતિ દર મહિને જોવા મળી રહી છે.

આ પણ છે મંદી રિલેટેડ સમાચાર

https://navgujaratsamay.com/real-estate-downturn-has-taken-a-life-of-citys-top-ravani-groups-harish/155221.html

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :