CIA ALERT
20. April 2024

આઠ વર્ષનું બાળક,જાણે આઠમી અજાયબી

Share On :
Print Friendly, PDF & Email
aronyatesh ganguly

એક પાંચ વર્ષનું બાળક બ્લડ કેન્સર(લ્યુકેમિયા)નો ભોગ બને છે. તેની સારવાર ચાલે છે અને આઠમાં વર્ષે તો છેક રશિયા જઇ ટેબલટેનિસ રમીને દેશ માટે ગોલ્ડ મેડલ લઇ આવે એ ખરેખર આઠમી અજાયબીથી વિશેષ બીજું શું હોઇ શકે, ભલા? 

જી હા, વાત છે પશ્ર્ચિમ બંગાળમાં જન્મેલા અરોણ્યાતેષ ગાંગુલીની. ૨૦૧૬માં પાંચ વર્ષની ઉંમરે અરોણ્યાતેષને લ્યુકેમિયા થયું છે તેવું નિદાન થયું. આ લોહીના કેન્સરને નાથવા તેણે મુંબઇની ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં અગિયાર મહિના સુધી રહેવું પડ્યું. આટલી નાની ઉમરમાં કેમોથેરપીના અનેક રાઉન્ડ સહન કર્યા, કેટલીયે દવા-ગોળીઓના કોર્સ કર્યા ત્યારે ૨૦૧૮ના ડિસેમ્બરમાં તેને ડૉક્ટરો દ્વારા કેન્સરમુક્ત જાહેર કરવામાં આવ્યો. જોકે તેણે રેગ્યુલર તપાસ અને સારવાર તો લેતા જ રહેવી પડશે જેથી કરીને આ બીમારી પાછી દેખા ન દે. 

એક વાત તો નક્કી છે કે માણસ પાસેથી ભગવાન કંઇક છીનવતો હોય છે તો તેને કંઇક આપતો પણ હોય છે. કોઇ અંધજનને ભગવાને ભલે આંખો ન આપી હોય પણ કંઠ સારો આપ્યો હોય છે. તેઓ સારુ ગાઇ શકતા હોય છે. અરોણ્યાતેષને ભલે કેન્સર જેવી બીમારી આપી પણ સાથે સાથે તે એક નહીં પણ અનેક રમતગમતો સારી રીતે રમી શકે એવી ટેલન્ટ પણ આપી છે. ટાટા હોસ્પિટલના આ લાંબા વસવાટ દરમ્યાન અહીંના ડૉક્ટરો અને સ્ટાફને અરોણ્યાતેષમાં સ્પોર્ટ્સ પ્રત્યે જે લગાવ અને પ્રેમ હતો તેની ખબર પડી. હવે રશિયામાં બે રશિયન કલાકારો ચુલ્પન ખામાટોવા અને ડીના કોર્ઝુને એક ગીફ્ટ ઓફ લાઇફ નામનું એવું ફાઉન્ડેશન ઊભું કર્યું છે જે દર વર્ષે દુનિયાભરના કેન્સર પીડિત બાળકો માટે સ્પર્ધાઓનું આયોજન કરે છે. વર્ષ ૨૦૧૦થી આ સ્પર્ધાઓ દર વર્ષે જુલાઇ મહિનામાં નિયમિતપણે યોજાય છે. વર્લ્ડ ચિલ્ડ્રન્સ વિનર્સ ગેમ તરીકે ઓળખાતી આ સ્પર્ધામાં મુખ્યત્વે દોડવાની, તરવાની , રાઇફલ શૂટિંગની, ચેસ, ટેબલ ટેનિસ અને ફૂટબોલની સ્પર્ધાઓ યોજાતી હોય છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દર વર્ષે ટાટા હૉસ્પિટલ તેને ત્યાં સારવાર લેતા પ્રતિભાશાળી કેન્સરપીડિત બાળકોને રશિયાના મોસ્કો શહેરમાં મોકલતી હોય છે. અ હોસ્પિટલના પીડિયાટ્રીક ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી પ્રમાણે અરોણ્યાતેષમાં ઉપરોકત છ એ છ રમતગમતો સારી રીતે રમી શકવાની આવડત છે. 

જુલાઇ,૨૦૧૯ ના પ્રથમ સપ્તાહ દરમ્યાન ટાટા હોસ્પિટલે આવા દસ કેન્સર પીડિત બાળકોને સ્પર્ધામાં ભાગ લેવા માટે રશિયા મોકલ્યા હતાં. આ દસ બાળકોમાંથી એક માત્ર અરોણ્યાતેષ જ એવો હતો જે સૌથી નાની ઉમરનો અને એક માત્ર બંગાળનો વતની હતો. બાકીના નવ જણા મુંબઇના હતાં. અન્ય દેશોમાંથી પણ ઘણા કેન્સર પીડિત બાળકો અહીં આવ્યા હતા. અરોણ્યાતેષે ઉપરોકત છયે સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ ટેબલટેનિસમાં તો પ્રથમ સ્થાન પર આવીને ભારત માટે સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો. જોકે, કરૂણતા એ વાતની છે કે અરોણ્યાતેષ દેશ માટે ભલે સુવર્ણ ચંદ્રક લાવ્યો, પરંતુ કેન્સરની સારવાર માટે તેની માતાએ સોનાના દાગીના પણ વેચી દેવા પડ્યા હતાં. નસીબજોગે તેમને પાછળથી ખાનગી મદદ મળી ગઇ. ડિસેમ્બર ૨૦૧૮માં જ્યારે અરોણ્યાતેષ કેન્સરના ભયાનક મુખમાંથી સાજો થઇને બહાર આવ્યો ત્યારે પરગજુ લોકોએ સારવારનો ખર્ચો ચૂકવી દઇ અરોણ્યાતેષના માબાપ માથેથી ભાર હળવો કરી દીધો હતો. 

આ નાનકડો દદીર્ર ખરેખર ગોલ્ડ મેડલ માટે લાયક હતો. તેણે મહેનત પણ સખત કરી હતી. તેણે જે દિવસોમાં આ બધી રમતગમતોમાં ભાગ લેવા માટે તાલીમ લીધી, તે સમયનું ટાઇમ ટેબલ જુઓ તો સમજાઇ જાય કે તેણે કેટલો પુરુષાર્થ કર્યો હશે. 

અરોણ્યાતેષે સ્પર્ધા શરૂ થઇ એના બે મહિના પહેલાં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે તેનો દિવસ રોજ સવારે સાડા પાંચે ઊગી જતો હતો. નિત્ય ક્રમ પતાવીને સવારે ૬ થી ૭.૩૦ દરમ્યાન દોડવાની તાલીમ માટે ટ્રેક પર જવાનું અને સાથે ફૂટબોલની પ્રેક્ટિસ કરવાની. ત્યાર બાદ તરવાની તાલીમ અને તેના પછી ચેસ તેમ જ ટેબલટેનિસની પ્રેક્ટિસ કરવાની. બાકી રહી ગયુ રાઇફલ શૂટિંગ. હવે શૂટિંંગની પ્રેક્ટિસ માટે તો સાંજનો સમય જ બચતો હતો, અને એ માટે પણ એણે ઘરથી દૂર દૂરના વિસ્તાર સુધી લાંબા થવું પડતું હતું તેમ તેની મમ્મી કાવેરી ગાંગુલી જણાવે છે. આટલું ઓછું હોય તેમ વચ્ચે વચ્ચે હૉસ્પિટલ જઇને શરીરનું રેગ્યુલર ચેકઅપ તો કરાવવું જ પડતું હતું. જોકે, તેના અદમ્ય ઉત્સાહની વાત કરીએ તો ૪થી ૭ જુલાઇ સુધી મોસ્કોમાં યોજાયેલી આ સ્પર્ધામાં તેની સાથે ગયેલી માતા કાવેરી કહે છે કે તેને આ સ્પર્ધાઓમાં ભાગ લેવાનો એટલો આનંદ હતો કે એ ભૂલી જ ગયો હતો કે પોતે બીમાર છે. એ કોઇ પણ રમત ગમત શીખવા માટે તૈયાર હોય છે અને તેના માટે તેને દૂર દૂર જવું પડે તોય થાકતો કે કંટાળતો નથી. 

અરોણ્યાતેષ પાસે આ દરેક રમતો રમવાની કુશળતા હતી એમ તો તેના દરેક કોચ પણ કહે છે. રાઇફલ શૂટિંંગના કોચ પંકજ પોદાર તો કહે છે કે અરોણ્યાતેષ ખરેખર પ્રતિભાથી ભરપૂર બાળક છે. તાલીમના બીજા જ દિવસે તેણે ધાર્યું નિશાન પાર પાડીને બતાવ્યું હતું. તે ખરેખર કુદરતી બક્ષિસ ધરાવે છે. આટલી નાની ઉંમરે તેનામાં જે શાંત મન અને એકાગ્રતા જોવા મળે છે એ ખરેખર આશ્ર્ચર્યજનક છે. 

ઉલ્ લેખનીય છે કે આ કોચ તેની પાસેથી એક રૂપિયો પણ ફી લેતા નથી, ઉલટાનું અરોણ્યાતેષ જે સંસ્થામાં આ તાલીમ લઇ રહ્યો છે એ લોકો કોઇ એવા સ્પોન્સરરની શોધમાં છે જે અરોણ્યાતેષની તાલીમ આગળ જતા પણ ચાલુ રખાવે. માત્ર પોદાર જ નહીં, અરોણ્યાતેષને જેણે ટેબલટેનિસની તાલીમ આપી એ સૌમેન મુખરજી હોય કે ચેસ શીખવ્યું એ શરદ વઝે હોય કે પછી તરવાની પ્રેક્ટિસ કરાવતા કોયેલ નિયોગી હોય. બધા જ તેની પ્રતિભા અને ઊર્જાના બેમોઢે વખાણ કરે છે. દરેક જણ તેની લડાયક વૃત્તિ પર આફરીન છે. 

વાત તો સાચી છે. કોઇ વ્યક્તિ એક કે બહુ બહુ તો બે રમતમાં પ્રભુત્વ ધરાવતી હોય, પરંતુ અડઘો ડઝન જેટલી રમતોમાં સારો દેખાવ કરવો, દરેક રમતની તાલીમ માટે પૂરતો સમય આપવો અને તે પણ કેન્સરના જોખમમાં થી હમણા બહાર આવી હોય તેવી બાળ વય ધરાવતી વ્યક્તિ આ બધુ એકાગ્રતાપૂર્વક કરી શકે, ગોલ્ડ મેડલ પણ લાવી શકે એ સાનંદાશ્ર્ચર્ય છે. 

કોલકતાના જ એક સૌરવ નામના ગાંગુલીએ ક્રિકેટમાં નામ રોશન કરીને ભારતનું નામ ઉજાળ્યું છે, હવે અરોણ્યાતેષ નામનો આ ગાંગુલી અડધો ડઝન રમતમાં પ્રભુત્વ ધરાવે છે તે આગળ જતા ભારતનુ નામ ઉજાળશે તેમાં કોઇ બેમત નથી. એક સાથે આટલી બધી રમતો શીખવી. તેમાં ભાગ લેવો અને ઉપલા ક્રમે પણ રહેવું ,આવો ઓલરાઉન્ડર બાળ દર્દી ભારતમાં બીજો કોઇ શોધ્યો જડે ખરો? 

પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સેરામપુરનો રહેવાસી અરોણ્યાતેષ ખરેખર આઠમી અજાયબી જેવો નથી લાગતો?

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :