November 15, 20191min1120

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા

Share On :

આર્કિયોલોજિકલ (ASI) સર્વે ઓફ ઇન્ડિયા છે શું અને કઇ રીતે કામ કરે છે એ જાણવું ખરેખર રસપ્રદ

એએસઆઇ એ ભારત સરકારની એજન્સી છે જે દેશના સાંસ્કૃતિક ખાતા સાથે જોડાયેલી છે. ૧૮૬૧માં જ્યારે ભારતમાં અંગેજોનું શાસન હતું ત્યારે એલેક્ઝાંડર કનિંગહામે આ એજન્સીની સ્થાપના કરી હતી અને વર્ષો સુધી તેના ડાયરેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા. આ પહેલા પણ આ દેશના ઇતિહાસ અંગે સંશોધન કરનાર એશિયાટીક સોસાયટીના નામે એક સંસ્થા તો હતી જ જેની સ્થાપના સન ૧૭૮૪માં વિલિયમ જૉન્સ નામના બ્રિટિશરે કરી હતી.

કલકત્તામાં સ્થપાયેલી આ સંસ્થાએ પ્રાચીન સંસ્કૃત અને પર્શિયન ભાષામાં લખાયેલ ગ્રંથોનું સંશોધન, ભાષાંતર અને પ્રકાશન કરવાનું કામ પણ કર્યું હતું. આ જ સંસ્થાના નેજા હેઠળ વર્ષ ૧૭૮૫માં ભારતના મહાન ધાર્મિક ગ્રંથ ભગવદ્ગીતાનું સોપ્રથમ વાર અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું હતું.

આ સંસ્થા દ્વારા બીજુ એક કામ એ થયું કે બ્રામ્હી ભાષામાં લખાયેલી લિપિને ઉકેલવામાં સફળતા મળી. આ મહત્ત્વનું કામ ૧૮૩૭માં જેમ્સ પ્રિન્સેપ નામના અંગ્રેજ દ્વારા પરિપૂર્ણ થયું હતું. આ કાર્યને લીધે ભારતીય પુરાતન લિપિના અભ્યાસનો માર્ગ મોકળો થયો. બ્રામ્હી ભાષાનું અદ્ભૂત જ્ઞાન મેળવનાર કનિંગહામે પહેલા તો એક સ્વતંત્ર શોધક તરીકે જ કામ કર્યું હતું. આ સમય દરમ્યાન તેણે અનેક પુરાણા બૌદ્ધ સ્થાપત્ય અને સ્તૂપોના નિરીક્ષણ અને સંશોધનનું કાર્ય પાર પાડ્યું.

શરૂઆતમાં ગાંઠનું ગોપીચંદન કરીને પણ ખોદકામ કરનાર કનિંગહામને લાગ્યું કે એક કાયમી ફંડ સાથેની સંસ્થા જરૂરી છે જે સમગ્ર પુરાતન સ્થળોનું ખોદકામ અને સર્વેનું કામ ચાલુ રાખી શકે. તેના અથાક પ્રયત્નોને અંતે આખરે ૧૮૬૧માં એએસઆઇ ઉર્ફે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઇ. જોકે આ સંસ્થાને શરૂઆતમાં ખૂબ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો.

૧૮૬૫થી લઇને ૬ વર્ષ સુધી ફંડના અભાવે આ સંસ્થા કામચલાઉ રીતે બંધ પણ રાખવામાં આવી હતી. ૧૮૭૧માં તે વખતના હિંદના વાઇસરોય લોર્ડ લોરેન્સના પ્રયત્નોથી શરૂ કરવામાં આવી હતી. તે વખતે આ પ્રથમવાર આ સંસ્થાને એક સ્વતંત્ર વિભાગ તરીકે વિકસાવવામાં આવ્યો હતો જેના પ્રથમ ડાયરેક્ટર -જનરલ બનવાનું માન કનિંગહામને મળ્યું.

હાલમાં એએસઆઇ દેશની કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક ખાતા સાથે મળીને કાર્ય કરે છે. પુરાણા મંદિરો, મસ્જિદો, ચર્ચો, મહેલો, કિલ્લાઓ, વાવો, ગુફાઓ સહિત અનેક પ્રાચીન ઇમારતો મળીને કુલ ૩૬૫૦ કરતાં પણ વધુ સ્મારકોની જાળવણીનું કાર્ય સંભાળે છે. આ ઉપરાંત પુરાણી હડપ્પન તેમ જ લોથલ સંસ્કૃતિની જાળવણીની જવાબદારી પણ તેના માથે છે.

એક ડાયરેક્ટર જનરલના હાથ નીચે એડિશનલ ડાયરેક્ટર જનરલ અને બે જોઇન્ટ ડાયરેક્ટર જનરલ હોય છે. તેમના હાથ નીચે હીજા ૧૭ ડાયરેક્ટર હોય છે જે સમગ્ર દેશનાં પુરાતન સ્થળોનું સંશોધન અને જાળવણી ખૂબ સારી રીતે કરે છે. ૧૫ વર્ષ પહેલાં જ અલાહાબાદ હાઇકોર્ટે અયોધ્યાના વિવાદિત સ્થળનું ખોદકામ કરીને તેમાં સંશોધન કરવાનો આદેશ આપ્યો હતો. આ ખોદકામ સમયે મસ્જિદ તરીકે ઓળખાતા પેલા ઢાંચાની નીચે મંદિર હોવાનો પુરાવો આપતા અનેક અવશેષો મળી આવ્યા હતા જેમણે સુપ્રીમ કોર્ટનું કામ સરળ કરી આપ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Share On :