CIA ALERT
19. April 2024
July 26, 20191min4060

Related Articles



બાબા અમરનાથ : 24 દિવસમાં 3.01 લાખ ભક્તોએ દર્શન કર્યા

Share On :
Print Friendly, PDF & Email
Amarnath Yatra 2019

ગઇ તા.1લી જુલાઇ 2019થી શરૂ થયેલી બાબા અમરનાથ યાત્રામાં આ વખતે યાત્રીઓની સંખ્યામાં વિક્રમી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 25 દિવસમાં જ ત્રણ લાખ જેટલા યાત્રીઓએ બાબા અમરનાથના દર્શન કરી લીધા છે, યાત્રા હજુ અવિરતપણે જારી છે.

પહેલા 25 દિવસમાં અમરનાથ યાત્રીઓની સંખ્યામાં ગયા વર્ષના આ સમયગાળા કરતાં 25.51%નો વધારો થયો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશન કરાવીને કાફલામાં આવતા ભક્તોની સંખ્યામાં 54.98 ટકાનો ઉછાળો આવ્યો છે.

2018માં કુલ 61 દિવસમાં આખી યાત્રા પૂરી થઇ ત્યાં સુધીમાં 2.85 લાખ યાત્રીઓએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા. આમ, આ વખતે યાત્રીઓની સંખ્યામાં જંગી વધારો જોવા મળ્યો છે.

કુદરતી રીતે આકાર પામતા શિવલિંગના દર્શનાર્થે ભારત ઉપરાંત એન.આર.આઇ. પણ મોટી સંખ્યામાં દર વર્ષે આવતા હોય છે.

આ વર્ષની યાત્રા 15 ઓગસ્ટે પૂરી થશે. હજુ 21 દિવસ સુધી યાત્રા ચાલવાની હોવાથી સત્તાવાળાઓ એવી ગણતરી માંડી રહ્યા છે કે અભૂતપૂર્વ રીતે અમરનાથયાત્રીઓની સંખ્યા વધશે, અગાઉના કોઇ વર્ષમાં નહીં નોંધાયા હોય તેટલા અમરનાથ બાબાના ભક્તો આ વખતે યાત્રામાં ઉમટશે એ બાબત નિશ્ચિત થઇ ચૂકી છે.

અત્યાર સુધી અમરનાથા યાત્રામાં સામેલ થયેલા સવા ત્રણ લાખ શ્રદ્ધાળુ પ્રતિ ચોંકાવનારુ તથ્ય એ છે કે લગભગ સવા બે લાખ લોકોએ કોઇ પણ સુરક્ષા વિના એટલે કે જમ્મુથી રવાના થતા કાફલાથી અલગ થઇને યાત્રા કરી છે. એનો અર્થ એ થાય છે કે માત્ર એક લાખ જેટલા શ્રદ્ધાળુ માટે જ રોડબંધી કરવામાં આવે છે, જેને કારણે લખનપુરથી લઇને યાત્રાના પડાવ સ્થળ સુધી લાખો લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. 

આ પરેશાની માત્ર યાત્રીઓને નહીં, પરંતુ સ્થાનિકોને પણ ભોગવવી પડે છે અને આ યાત્રા સિવાય અહીં ફરવા આવેલા ટૂરિસ્ટોને પણ ભારે અગવડ ભોગવવી પડે છે, જેઓ લાખો રૂપિયા ખર્ચીને કાશ્મીર ફરવા આવ્યા છે. 

અનંતનાગમાં રહેતા એક વ્યક્તિ જહૂર અહમદે સવાલ કર્યો હતો કે માત્ર મુઠ્ઠીભર લોકોને કોન્વોયમાં લઇને જવાના હોય છે તે એના માટે લાખો લોકોને શા માટે પરેશાન કરવામાં આવે છે. જહૂર અનંતનાગથી શ્રીનગર કામ માટે આવે છે. જે દિવસથી યાત્રા શરૂ થઇ છે તે દિવસથી તેની બે કલાકની સફર સાત કલાકની થઇ ગઇ છે. રોડબંધી અને રેલબંધીને કારણે જમ્મુના હજારો લોકો ત્રસ્ત છે, જેમને રાજમાર્ગથી જવાનું હોય છે અને તેમને લિંક માર્ગ પર રોકી દેવામાં આવે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આમ નાગરિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા ૧૫ ઑગસ્ટ સુધી ચાલશે. 

જમ્મુ નિવાસી ૪૫ વર્ષીય અજય ખજૂરિયા છેલ્લાં કેટલાક વર્ષથી અમરનાથ યાત્રામાં સામેલ થઇ રહ્યા છે. તેઓ આજ સુધી કોઇ પણ કાફલાનો હિસ્સો બનીને યાત્રામાં નથી ગયા. તેમણે જણાવ્યું હતું કે અસુરક્ષાનો કોઇ માહોલ નથી. લોકોમાં ખાલી હાઉ પેદા કરવામાં આવ્યો છે. જોકે, તેમના પાછા ફરતી વખતે રોડબંધીનો સામનો જરૂર કરવો પડ્યો છે.

24 જુલાઈ સુધીમાં રજિસ્ટર કરાવેલા કાફલામાં 1.07 લાખ લોકો આવ્યા હતા. ગયા વર્ષે આ સમયગાળામાં 69,164 યાત્રીઓ રજિસ્ટર કરાવેલા કાફલામાં ગયા હતા. આ વર્ષે વાહનોના કાફલામાં 80.98%નો વધારો થયો છે. 24 જુલાઈ સુધીમાં વાહનોના કાફલાની સંખ્યા વધીને 4,349 થઈ છે. 2018ના પહેલા 25 દિવસમાં આ સંખ્યા 2,403 હતી.

અમરનાથની ગુફામાં દર્શન કરવા જતા લોકોની સંખ્યામાં વધારો થવા પાછળનું કારણ આ વખતે ગોઠવાયેલો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. આ વખતે નવો સિક્યુરિટી પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં લોકલ પોલીસ બંદોબસ્ત, 24 કલાક નાકા પર ચેકિંગ, સીસીટીવી અને સેટેલાઈટ ઈમેજ દ્વારા યાત્રા પર રખાતી નજર, RFID ટેગિંગવાળા વાહનો, બચાવકાર્ય માટે પર્વતારોહકોની ટીમ, અમુક ચોક્કસ સ્થળોએ SDRFની ટીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે ગયા મહિને જમ્મૂ-કાશ્મીર જઈને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. લોકસભામાં કેંદ્રીય ગૃહમંત્રાલયે માહિતી આપી હતી કે આ વખતે અમરનાથ યાત્રીઓ પર પથ્થરમારો થવાની શક્યતા નથી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :