CIA ALERT
June 7, 20191min260

SMART CITY : મુંબઇમાં બાળકો માટે આખી અભ્યાસ ગલી છે, બીજા શહેરોમાં કેમ નહીં

જોતમારી મોંઘી કે કિંમતી વસ્તુ ચોરાઈ હોય તો તે તમે મુંબઈમાં જ આવેલી ચોર બજારમાંથી પાછી મેળવી શકો છો, એવો મત મુંબઈને ખૂબ જ નજીકથી ઓળખવાનો દાવો કરનારા નિષ્ણાતો દ્વારા કરાય છે, પણ શું તમને ખબર છે કે આ બજારનું મૂળ નામ તો ‘શોર’ બજાર હતું. શોર બજાર એટલે એક એવી બજાર કે જ્યાં સતત ઘોંઘાટ જ તમારા કાન પર પડે. પણ બ્રિટિશરોના ખોટા ઉચ્ચારને કારણે આ બજારનું નામ ‘શોર’માંથી ચોર થઈ ગયું. સાંભળવામાં ભલે ગમે એટલું રમૂજી લાગે, પણ આજે આ બજાર જાણે એના નામને સાર્થક કરી રહ્યું હોય એવું લાગે છે. ૧૫૦ વર્ષથી વધુ જૂના આ ચોર બજાર આજે મુંબઈના ટૂરિસ્ટ સ્પૉટમાં પોતાની અનોખી જ જગ્યા બનાવી ચૂકી છે. ખૅર એની વાત પછી ક્યારેક વિસ્તારથી કરીશું, પણ તમને થયું ને આજે અચાનક કેમ મુંબઈની ગલીઓ, બજાર અને રસ્તાઓ વિશેની વાત થઈ રહી છે? પણ બૉસ આપણે કોઈ વાત કરીએ તો તેની પાછળ ચોક્કસ જ કોઈક કારણ તો હોય છે અને આજે પણ આવું જ કંઈક છે. આજની આપણી સ્ટોરીની મેઈન હીરોઈન ઉપ્સ સૉરી મેઈન એલિમેન્ટ છે મુંબઈની અભ્યાસ ગલી ઉર્ફે પઢાઈ ગલી.

માયાવી નગરી મુંબઈમાં આવી તો કંઈ કેટલીય બજારો છે અને રસ્તાઓ છે કે જે તેનાં વિચિત્ર નામોને કારણે જ પ્રસિદ્ધિ પામ્યા છે. પણ આજે આપણે વાત કરવાના છીએ એક એવી ગલી વિશે કે જે લગભગ વિદ્યાર્થીઓની બેથી ત્રણ પેઢીઓ માટે સ્વર્ગથી જરાય ઓછી નથી ઊતરી. હવે તમને થશે કે આખરે એવી તે કઈ ગલી છે આ અને તેનું આટલું બધું મહત્ત્વ કેમ છે? અહીં વાત થઈ રહી છે વરલીની પોદ્દાર હૉસ્પિટલની પાછળ આવેલી અભ્યાસ ગલી ઉર્ફે પઢાઈ ગલીની. મૂળ તો આ ગલી સુદામ કાલી આહિરે માર્ગનો જ એક ભાગ છે. પણ રાત પડ્યે આસપાસની ચાલીનાં નાનાં-નાનાં ઘરોમાં, મોટા-મોટા પરિવારો સાથે રહેનારા વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોવાને કારણે આ ગલી અનઓફિશિયલી અભ્યાસ ગલી તરીકે ઓળખાતી. પણ થોડાક સમય બાદ સ્થાનિક રહેવાસીઓએ નગરસેવક સમક્ષ આ રસ્તાનું નામ બદલીને અભ્યાસ ગલી રાખવાનો પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો અને બસ ત્યારથી જ ઓફિશિયલી આ લૅન અભ્યાસ ગલીના નામે ઓળખાય છે.

મુંબઈ માટે એવું કહેવાય છે કે આ શહેર ક્યારેય ઊંઘતું નથી પણ મધરાતના જે ગણતરીના કલાકોમાં આ શહેર મીઠી નિંદર માણતુંં હોય છે ત્યારે આ અભ્યાસ ગલી વિદ્યાર્થીઓથી ઉભરાતી હોય છે. બસ સાંજ પડે અને રસ્તા પર લગાવવામાં આવેલી હેલોજનથી અભ્યાસ ગલી ચમકી ઊઠે અને એની સાથે પોત-પોતાના પુસ્તકો અને બૅગ્સ લઈને વિદ્યાર્થીઓ પણ જગ્યા શોધીને મોડી રાત સુધી કોઈ પણ પ્રકારની ખલેલ વિના ભણવાનું શરૂ કરી દે છે. સાંભળવામાં એકદમ કોઈ ફિલ્મી સ્ટોરી જેવું લાગે, પણ આ કોઈ ફિલ્મની સ્ટોરી નહીં રિયલ લાઈફની હકીકત છે.

અહીં વિદ્યાર્થીઓ માત્ર સેલ્ફ સ્ટડી જ નહીં પણ ગ્રુપ સ્ટડીઝ કરવા પણ આવે છે અને વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે એકલા ભણવાને બદલે ગ્રુપમાં બેસીને ભણવાથી વધુ સારી રીતે ભણી શકાય છે. અહીં આવનારા મોટાભાગના વિદ્યાર્થીઓ બીડીડી ચાલના છે. આઠ બાય દસની નાનકડી ઓરડીમાં સાત-આઠ વ્યક્તિનો પરિવાર વસતો હોય ત્યાં અભ્યાસ માટે જોઈતું યોગ્ય વાતાવરણ ક્યાં મળી શકે? શહેરની લાઈબ્રેરીમાં એક તો મર્યાદિત જ જગ્યાઓ હોય છે અને રાતના સમયે તો બધી લાઈબ્રેરી પણ બંધ થઈ જાય છે, એવામાં આ અભ્યાસ ગલી જ વિદ્યાર્થીઓ માટે નાઈટ લાઈબ્રેરી બની જાય છે.

વિદ્યાર્થીઓ અહીં કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વિના જેટલો સમય ઈચ્છે એટલો સમય આરામથી ભણી શકે છે. અહીં ભણવા માટે આવનારા વિદ્યાર્થીઓ એસએસસીના પણ હોય અને એન્જિનિયરિંગ કે એમબીબીએસના પણ હોય. બધા માટે આ અભ્યાસ ગલીના દરવાજા ખુલા છે. મુંબઈની આ અભ્યાસ ગલીમાં વિદ્યાર્થીઓ કઈ રીતે ભણે છે એની વાત કરીએ. કેટલાક વિદ્યાથીઓ ઘરેથી કપડું કે નાનકડી ચટાઈ લઈને આવે છે કે પછી જૂના હૉર્ડિંગ્સ કે બૅનર લઈને તે ફૂટપાથ પર પાથરીને અભ્યાસ કરે છે તો કેટલાક પાછા રસ્તાની સાઈડ પર પાર્ક કરેલી બાઈક પર બેસીને ભણવાનું પસંદ કરે છે.

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં જેમ સવારે ૬થી ૧૦ અને સાંજે ૫થી ૮ વાગ્યા સુધીનો સમય જેમ પીક અવર્સ ગણાય છે એ જ રીતે સાંજના ૭ વાગ્યાથી લઈને રાતના ૧૦-૧૨ વાગ્યા સુધીનો સમય એ અભ્યાસ ગલી માટે પીક અવર્સ ગણાય છે. આ ઉપરાંત ઘણી વખત આ જ ગલીમાં ભણીને જિંદગીમાં આગળ વધી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ પરીક્ષાના સમયમાં અહીં આવીને તેમના જુનિયર્સ અને અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આવી પહોંચે છે.

વિદ્યાર્થીઓ એકબીજાને નામથી ઓળખે છે, એટલું જ નહીં પણ કોણ કયો કૉર્સ કરી રહ્યો છે એની પણ માહિતી રાખે છે. કેટલાક વિદ્યાર્થીઓ એક જ કૉલેજમાં જતા હોય, એક જ કૉર્સ કરતાં હોય એવા વિદ્યાર્થીઓ પણ અહીં ભટકાઈ જાય છે અને તેઓ રૅફરન્સ બૂક પણ શૅયર કરે છે.

હાલ તો આ અભ્યાસ ગલી થોડી સૂની પડી ગઈ છે, કારણ કે શાળા-કૉલેજોમાં વેકેશન ચાલી રહ્યું છે. પણ આવતા મહિનાથી એટલે કે જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક વર્ષની સાથે જ અભ્યાસ ગલીમાં ફરી વિદ્યાર્થીઓના ટોળેના ટોળા ઊમટી પડશે. જોકે અત્યારે પણ અભ્યાસ ગલીમાં ૧૫-૨૦ વિદ્યાર્થીનું એક નાનુું ગ્રુપ એન્જિનિયરિંગ, સેન્ટ્રલ એન્ડ સિવિલ સર્વિસ ઍક્ઝામ કે પછી કમ્પની સેક્રેટરીની પરીક્ષાઓની તૈયારી કરતાં જોવા મળશે જ. પણ ચોમાસાના દિવસોમાં આ અભ્યાસ ગલી સાવ સૂની પડી જાય છે, કારણ કે વિદ્યાર્થીઓ પણ સરકારી લાઈબ્રેરી કે રીડિંગ રૂમમાં જઈને અભ્યાસ કરવાનું પસંદ કરે છે.

વિદ્યાર્થીઓ એટલી એકાગ્રતાથી અભ્યાસ કરતાં હોય છે કે તેમને મચ્છર, અચાનક જ ઝડપથી પસાર થઈ રહેલાં વાહનોનો અવાજ કે બિલાડીના પડછાયા પણ તેમનું ધ્યાન ફંટાવી શકતા નથી. ભણવાની સાથે સાથે વચ્ચે બ્રેક લઈને ચિટ-ચેટ, વૉક લેવાનું કે મ્યુઝિક સાંભળવાનું પણ ચૂકતા નથી. વીતેલાં વર્ષોની સાથે સાથે જ આ અભ્યાસ ગલીએ મુંબઈને કેટલાય ડૉક્ટર, એન્જિનિયર, વેપારી અને પોલીસ ઑફિસર પણ આપ્યા છે, પણ એની નોંધ કોણ લે છે?

જોકે ધીરે ધીરે આ અભ્યાસ ગલી હવે તેનો જૂનો ચાર્મ ગુમાવી રહી છે અને નિર્જન અને ખાલી રસ્તાને કારણે અહીં આસામાજિક તત્ત્વોની હાજરી વધી રહી છે. રાતના સમયે રસ્તા પર બાઈક રેસિંગ કરનારા જૂથને કારણે અહીં શાંતિથી ભણવા આવનારા વિદ્યાર્થીઓ માટે જોખમ ઊભું થઈ રહ્યું છે, તો ક્યાંક દૂર કોઈક ખૂણામાં પાંચ-છ જણ ચરસ-ગાંજાનો નશો કરનારાઓનું એક ગ્રુપ બેઠેલું જોવા મળે છે. જોકે મુંબઈ પોલીસ કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના થાય એ માટે આ વિસ્તારમાં રાતના સમયે પેટ્રોલિંગ વધારી દીધું છે, જેથી આ વિદ્યાર્થીઓ કોણ પણ પ્રકારના ભય વિના આરામથી સુરક્ષિત વાતાવરણમાં ભણી શકે.

શહેરમાં જગ્યા નથીની ફરિયાદ કરનારાઓ માટે અભ્યાસ ગલીએ એ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, કે શહેરમાં ક્યારેય જગ્યાની અછત નહીં વર્તાય અને ખાસ કરીને અભ્યાસ માટે તો ક્યારેય નહીં!

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :